મહેસાણામાં કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેતા ભાજપના કોર્પોરેટરને પાલિકાની સભામાં જવાની મંજુરી!
- કોંગ્રેસના કોર્પોરેટરોએ વિરોધ દર્શાવ્યો છતાં લાખોની મલાઇ મેળવવા
- કોરોનાની મહામારી વચ્ચે પણ ભાજપના આકાઓએ ગાંધીનગરથી ફોન કરતા તંત્રને ઝુકવુ પડયું
મહેસાણા તા. 28 જુલાઇ 2020,મંગળવાર
મહેસાણા નગરપાલિકાની આજે મળી રહેલ સાધારણ સભામાં પોતાનું
ધાર્યું કરવા કોંગ્રેસ અને ભાજપે રણનિતિ નક્કી કરી છે. જેના ભાગરૃપે શહેરના
કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વસવાટ કરતા ભાજપના એક કોર્પોરેટર સભામાં હાજર રહેવા મામલતદાર
સમક્ષ રજુઆત કરી હતી. જેમાં તંત્ર દ્વારા આશ્રર્યજનક નિર્ણય કરીને તેઓને આ બેઠકમાં
હાજરી આપવા મંજુરી આપવામાં આવી છે. આમ સામાન્ય લોકોને કન્ટેન્મેન્ટ ઝોનમાંથી બહાર
નીકળવા માટે કોઇપણ ભોગે મંજુરી અપાતી નથી. સામાન્ય સભામાં લાખોની મલાઇ માટે ભાજપના
નગરસેવકને ખાસ મંજુરી અપાતા તંત્રની પોલ ખુલ્લી ગઇ છે.
મહેસાણામાં આવેલા ચંદ્રપ્રભુ ફલેટમાં કોરોના પોઝિટીવ કેસ
આવતા તંત્રએ આ ફલેટને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યો છે. જેના લીધે આ
ફલેટમાં રહેતા ભાજપના કોર્પોરેટર કૌશીક વ્યાસના સાધારણ સભામાં હાજર રહેવા સામે
સવાલો ઉભા થયા હતા. તેમણે મહેસાણાના મામલદારને રજુઆત કરી પાલીકાની બેઠકમાં હાજરી
આપવાની મંજુરી માંગી હતી. જોકે પૂર્વપ્રમુખ ઘનશ્યામ સોલંકી તેમજ કોંગી કોર્પોરેટર
જયદિપસિંહ ડાભીએ તેનો વિરોધ દર્શાવ્યો તકેદારીના ભાગરૃપે તેઓને બેઠકમાં હાજરી
આપવાની મંજુરી ન આપાવમાં આવે તેવી રજુઆત કરી હતી. દરમિયાન તંત્ર દ્વારા ભાજપના
કોર્પોરેટર કૌશીક વ્યાસને બેઠકમાં ભાગ લઇ શકે તે માટેની મંજુરી આપી હતી. નોંધપાત્ર
છે કે, સંખ્યાબળની
દ્રષ્ટિએ હાલ નગરપાલિકામાં કોંગ્રેસનું પલળુ ભારે દેખાઇ રહ્યું છે. ત્યારે ભાજપે
પણ વિકાસના નવા કામો મંજુર કરવા સોગઠા ગોઠવ્યા હોવાનું જાણવા મળે છે.
કન્ટેન્મેન્ટ ઝોનમાંથી કોઇપણ વ્યક્તિ આવશે તો બેઠક મુલતવી, કોંગી કોર્પોરેટર
મહેસાણા નગરપાલીકાની સાધારણ સભામાં હાજરી આપવા ભાજપના
કોર્પોરેટર કૌશીક વ્યાસને તંત્રએ મંજુરી આપતાં વિવાદ સર્જાયો છે. આ અંગે
કોંગ્રેસના સિનીયર કોર્પોરેટર જયદીપસિંહ ડાભીએ જણાવ્યું હતું કે કન્ટેન્મેન્ટ
ઝોનમાંથી કોઇપણ વ્યક્તિ બેઠકમાં હાજરી આપશે તો કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરી
સાધારણ સભા મુલતવી રાખવામાં આવશે.
કોર્પોરેટરનો રીપોર્ટ નેગેટીવ આવતાં મંજુરી અપાઈ
મહેસાણાના મામલતદાર આર.કે.પટેલે જણાવ્યું હતું કે બેઠકમાં
હાજર રહેવા પાલીકાના કોર્પોરેટર કૌશીક વ્યાસે માંગણી કરી હતી. તેઓનો કોરોના સેમ્પલ
લેવાયા બાદ રીપોર્ટ નેગેટીવ આવતા મહેસાણા નગરપાલિકાની સાધારણ સભામાં હાજરી આપી શકે
તે માટે મંજુરી આપવામાં આવી છે.
કન્ટેન્મેન્ટ ઝોનમાંથી બહાર જવું હોય તો પૂર્વપ્રમુખનો
સંપર્ક કરો
કોવિડ -૧૯ની માર્ગદર્શિકા મુજબ જાહેર કરવામાં આવતા
કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ કરાય છે. પરંતુ મહેસાણાપાલીકાની
બેઠકમાં હાજરી આપવા ભાજપના કોર્પોરેટર તંત્રની મંજુરી મળતાં આ અંગે પાલીકાના પૂર્વ
પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે હવે કોઇપણ
કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેતા લોકોને પોતાના કામઅર્થે બહાર જવું હોય તો તેની મંજુરી
માટે હું કાર્યવાહી કરીશ.
ભાજપના કારોબારી ચેરમેનના નિર્ણયને પ્રમુખે બદલ્યો
તારીખ ૩૧/૦૧/૨૦૨૦ના રોજ જ્યારે નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ
સોલંકી હતા. અને કારોબારી ચેરમેન તરીકે કૌશિક વ્યાસ હતા. ત્યારે કારોબારી ચેરમેનને
એવો નિર્ણય કર્યો હતો કે બોર્ડમાં કોઇપણ કામ ચડાવવામાં હોય તો કારોબારીની મંજુરી
ફરજીયાત કરી હતી. જ્યારે આનિર્ણયને ભાજપના પ્રમુખ નવિન પરમારે બદલી નાખ્યો છે.
એવીએશનના ૬૫ લાખ મુદ્દે ગરમાગરમી થશે
નગરપાલિકા સામાન્ય લોકોના ૫૦૦,૧૦૦૦ બાકી હોયતો
ઢોલનગારા વગાડી વસુલાત કરે છે. જ્યારે એવીએસનના ૬૫ લાખ બાકી હોવા છતાં ભાજપની બોડી
કોઇ પગલા ભરતી ન હોવાથી કોંગ્રેસે આ મુદ્દે ભયકર વિરોધ દર્શાવશે અને અગાઉની કંપનીએ
૩ કરોડ જેટલી રકમ ભરી દીધી હોય તેમને સીલ ખોલાવવા માટે પણ ગરમાગરમી થશે.