મહેસાણા તાલુકા પંચાયત કચેરી સામે ભુવો પડયો
- શહેરીજનો પડે તેની રાહ જોતી પાલિકા
- ભુવો યોગ્ય રીતે પુરાણ ન કરતા તંત્ર સામે લોકોમાં રોષ
મહેસાણા,તા.27 જૂન 2020, શનિવાર
મહેસાણા તાલુકા પંચાયત કચેરી આગળ રોડ પર ભુવો પડતા વાહનચાલકો સહિત કચેરીમાં વિવિધ કામ અર્થે આવતા અરજદારોમાં અકસ્માતની ભીતિ સેવાઈ છે. ભુવા પર માત્ર રોડનું રિસર્ફેસીંગ કરાયું હતું. પરંતુ રોડ બેસી જતા તંત્રની પોલ ખુલી જવા પામી છે.
મહેસાણા તાલુકા પંચાયત તેમજ તેને અડીને ડીસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગ આવેલ છે. આ બન્ને કચેરીમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે. આ કચેરી નજીક તાલુકા પંચાયત કચેરી આગળ ચોમાસાના વરસાદ બાદ ભુવો પડયો હતો. જોકે તંત્ર દ્વારા આ ભુવા પર ડામર પાથરી થીગડું મારવામાં આવ્યું હતું. જોકે વાહનોની અવરજવરના કારણે પુનઃ ભુવો પડયો હતો. અહીં ભુવો પડતા વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. તાલુકા પંચાયત કચેરીના પ્રવેશ માર્ગ પર જ વળાંકમાં ભુવો હોવાથી કચેરીમાં મુલાકાતે આવતા વાહન ચાલકો ત્રસ્ત બન્યા છે.
જોકે દિવસે તો આ ભુવો દેખાઈ પણ પરંતુ રાત્રિના સમયે અહીંથી પસાર થતા વાહનચાલકો જો ધ્યાન ન રાખે તો મોટા અકસ્માતની સંભાવના રહેલી છે. જોકે તંત્ર દ્વારા રોડ પર માત્ર થીગડા મારવામાં આવતા કામનો સંતોષ માની સરકારના પૈસા વેડફવામાં આવે છે. પરંતુ જો આવા ખાડામાં યોગ્ય પુરાણ કરી રોડ રિસર્ફેસ કરાય તો સરકારના નાણા અને તંત્રનો સમય પણ બચી શકે તેમ છે.