યુવાનની છરીથી હત્યા કરીને ચહેરો છુંદી નાંખવાનો પ્રયાસ
- ગાંધીનગર-સરખેજ હાઈવે ઉપર અડાલજ કેનાલ પાસે
- અજાણ્યા યુવાનની હત્યા બાદ તેને નર્મદા કેનાલ પાસે ફેંકી દેવાયાની આશંકાઃઓળખ માટે પોલીસની મથામણ
ગાંધીનગર, તા. 21 જુલાઇ 2020, મંગળવાર
ગાંધીનગર નજીક અડાલજ નર્મદા કેનાલ પાસે પોલીસને પેટના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકેલી હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનો ચહેરો છુંદી નાંખવાનો પ્રયાસ પણ થયો હતો. પોલીસે આ અજાણ્યા યુવાનની ઓળખ માટે તજવીજ શરૂ કરી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. આ યુવાને હાથમાં ઘડીયાળ અને જમણા હાથે વીંટી પહેરી છે.
ગાંધીનગર શહેર નજીક સરખેજ હાઈવે ઉપર અડાલજ નર્મદા કેનાલ પાસે આજે સવારના સમયે એક અજાણ્યા યુવાનનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ પડયો હોવાની જાણ અડાલજ પોલીસને કરવામાં આવતાં પોલીસે સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ કરતાં આ યુવાનના પેટના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારેલા જોવા મળ્યા હતા. એટલું જ નહીં આ યુવાનનો ચહેરો પણ પથ્થરોથી છુંદી નાંખવાનો પ્રયાસો કર્યો હતો. જેના પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો અને યુવાનની ઓળખ માટે મથામણ શરૂ કરી છે. તેણે ડાબા હાથમાં ઘડીયાળ અને જમણા હાથની આંગળીમાં વીંટી પહેરેલી છે. હત્યારાઓ અન્ય કોઈ સ્થળે આ યુવાનની હત્યા કરીને તેના મૃતદેહને કેનાલ પાસે ફેંકી ગયા હોવાનું પોલીસ માની રહી છે જેના પગલે આ માર્ગ ઉપરના સીસીટીવી ફુટેજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. યુવાનની ઓળખ થશે તો જ તેની હત્યાનું કારણ જાણી શકાશે જેના પગલે પોલીસે ૪૦ વર્ષના અરસાના લાપતા થયેલા યુવાનોની યાદી પણ મંગાવી છે. ગાંધીનગર ઉપરાંત આસપાસના જિલ્લાના પોલીસ કંટ્રોલ રૂમને પણ તે સંદર્ભે જાણ કરવામાં આવી છે