મહેસાણા અર્બન હેલ્થ સેન્ટરની આશા વર્કર બહેનો બે માસથી પગારથી વંચિત
- કોરોના વોરિયર આશાવર્કર બહેનોનો પગાર ન થતા પરિવાર મુશ્કેલીમાં
મહેસાણા,તા.25 મે 2020, સોમવાર
મહેસાણા માનવ આશ્રમ અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતી આશા વર્કર બહેનો બે માસથી પગારથી વંચિત છે. આ કોરોના વોરિયર બહેનોના પગાર ન થતા તેમનો પરિવાર આર્થિક ભીંસમાં મુકાયો છે.
મહેસાણા માનવ આશ્રમ અર્બન હેલ્થ સેન્ટરમાં ૯ જેટલી આશા વર્કર બહેનો અત્યારે કોરોના કાળમાં રાત દિવસ જોયા વિના અને પોતાની તેમજ પરિવારની ચિંતા કર્યા વગર કોરોના વોરિયરની ભૂમિકા અદા કરી રહી છે. જોકે સરકાર તેમજ તેમની સંલગ્ન વિભાગ દ્વારા ઉપેક્ષા કરવામાં આવી રહી છે. કારણ કે માર્ચ-એપ્રિલ માસનો પગાર ગ્રાન્ટના બહાના તળે તેઓને ચુકવાયો નથી. જ્યારે મે માસમાં પણ પૂર્ણતાની આરે છે. એટલે ત્રણ માસના પગારથી વંચિત આ મહિલા કોરોના વોરિયર ભારે ચિંતામાં મુકાયા છે. તેમજ લોકડાઉનમાં નાણાના અભાવે પરિવાર પણ મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા આશા વર્કર બહેનોનો પગાર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.