મહેસાણા જિલ્લાની તમામ કોર્ટો 4 ઓગષ્ટથી ખુલશે
- માત્ર નવા કેસ દાખલ કરી શકાશે
- કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં કોર્ટ આવતી હશે તો તમામ કામગીરી બંધ રહેશે તેવો પરિપત્ર
મહેસાણા,તા.27 જુલાઈ 2020, સોમવાર
કોરોના સંક્રમણને ધ્યાને લઈ માર્ચ મહિનાથી કોર્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે કોર્ટમાં કામગીરી બંધ થતા વકીલો આર્થિક મુંઝવણમાં સપડાયા હતા. જોકે મહેસાણા જિલ્લામાં પણ વકીલો પરેશાન થયા હતા. ત્યારે વકીલોની રજૂઆતના પગલે હાઈકોર્ટે વકીલોને આંશિક રાહત આપી ૪ ઓગસ્ટથી નવા કેસ દાખલ કરવા પૂરતા કોર્ટો શરૃ કરવા હાઈકોર્ટે પરિપત્ર કર્યો છે.
મહેસાણા જિલ્લામાં માર્ચ માસના અંતિમ સપ્તાહથી કોરોના મહામારીના કારણે કોર્ટો બંધ કરવામાં આવી હતી. કોર્ટ બંધ વકીલો ભારે આર્થિક મુંઝવણમાં મુકાયા હતા. ત્યારે આજરોજ હાઈકોર્ટે એક પરિપત્ર કરી રાજ્યની કોર્ટોમાં ૪ ઓગસ્ટથી માત્ર નવા કેસ દાખલ કરવા કોર્ટે શરૃ કરવા નિર્ણય કર્યો છે. જોકે કન્ટેનમેન્ટ ઝોન સિવાયમાં કોર્ટ ખોલી શકાશે. મહેસાણા જિલ્લામાં પણ આ નિયમ લાગુ પડશે. તેથી મહેસાણા જિલ્લાના વકીલોમાં ખુશીની લહેર છવાઈ છે. મહેસાણા જિલ્લામાં કોર્ટો નવા કેસ દાખલ પુરતી ખોલવામાં આવશે પરંતુ સરકારની કોરોનાની ગાઈડલાઈનનું અને સોશ્યલ ડીસ્ટન્સીંગનુ પાલન પણ કરવાનું રહેશે.
તમામ કોર્ટોમાં અલગ રૃમની વ્યવસ્થા કરાશે
આ અંગે વકીલ કમલેશ સુતરીયાએ જણાવ્યું હતું કે હાઈકોર્ટે પરિપત્ર કરી ૪ ઓગસ્ટથી નવા કેસ દાખલ કરવા પુરતી કોર્ટ શરૃ કરવામાં આવશે. જોકે તે દરમિયાન સોશ્યલ ડીસ્ટન્સનું પાલન, માસ્ક તેમજ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો રહેશે. ઉપરાંત કેસ દાખલ માટે અલગ રૃમની પણ વ્યવસ્થા કરવામાં આવશે તેમ જણાવ્યું છે.