ઊંઝા બાદ વડનગરમાં પણ ગરીબોનું અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું
- ભાજપની નગરસેવિકાના પતિની ફેક્ટરીમાં અનાજ જતુ હતું
- મામલતદારે શેહશરમ રાખ્યા વગર કાર્યવાહી કરીઃ છકડાવાળાના નિવેદન આધારે ફ્લોર ફેક્ટરી પર તપાસનો ધમધમાટ
મહેસાણા,ખેરાલુ, તા.22 જુલાઈ 2020, બુધવાર
મહેસાણા જિલ્લાના વડનગરમાંથી ગરીબોનું અનાજ બારોબાર વગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પુરવઠા તંત્રને કલંકીત કરતી થોડા જ મહિનામાં ઊંઝા બાદ આ બીજી ઘટના પ્રકાશમાં આવી છે. વડનગર મામલતદારે રાત્રિના સમયે બાતમી આધારે એક છકડો ઝડપ્યો હતો. આ છકડામાંથી સસ્તા અનાજની દુકાનમાંથી ખરીદેલ ઘઉંના કટ્ટા ઝડપાયા હતા. આ અનાજ શહેરની એક ફ્લોર ફેક્ટરી પર જઈ રહ્યું હતું. ત્યારે મામલતદારે તપાસ દરમિયાન આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. છકડાવાળાના નિવેદન આધારે ફ્લોર ફેક્ટરી પર તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો.
ઊંઝા પંથકમાં થોડા સમય પૂર્વે સસ્તા અનાજના દુકાનમાંથી ઘઉંનો જથ્થો ઊંઝા ખાતે વેચવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું હતું. આ કૌભાંડને લઈ ખુદ કલેક્ટરને છ સભ્યોની ટીમ બનાવી તપાસ શરૃ કરી હતી. જોકે જિલ્લામાં પુરવઠા તંત્રને બીજીવાર નીચુ જોવું થાય તેવી ઘટના વડનગર ખાતે બનવા પામી છે.
વડનગર મામલતદાર કનૈયાલાલે ગત રાત્રિએ બાતમી આધારે એક છકડો ઝડપ્યો હતો. આ છકડામાં મામલતદારને ઘઉંના ૧૦૦ જેટલા કટ્ટા હાથ લાગતા છકડાચાલકને તે માલ વિશે ઊંડાણપૂર્વક પૂછતા તે ઘઉનો જથ્થો વડનગર ખાતે રેશનિંગની દુકાન ધરાવતા ગણપત વીરાભાઈ પરમારના ત્યાંથી ભરાયા હતા. આ પહેલા ૧૦ કટ્ટા ચોખા પણ ભરી શહેર ખાતે ફ્લોર ફેક્ટરી ધરાવતા અજયભાઈ ભાવસારના ઉતારવાના બન્ને મુદ્દામાલ ઉતાર્યો હતો. છકડાવાળાના નિવેદન આધારે મામલતદારે ફ્લોર ફેક્ટરીના માલિક અજય ભાવસારના ત્યાં તપાસ હાથ ધરી હતી. જેમાં એક હજાર કિ.ગ્રા. ઘઉં તથા ૧ હજાર કિ.ગ્રા. ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. આ મુદ્દામાલ રેશનીંગની દુકાન ધરાવતા ગણપત વીરાભાઈ પરમારની દુકાનેથી વેચાયા હોવાનું તપાસમાં બહાર આવતા રેશનીંગની દુકાનને સીલ મારવામાં આવી હતી. અને આ મામલે પુરવઠા વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
અનાજ ખરીદનાર વડનગર પાલિકાના પૂર્વ નગરસેવિકાના પતિ
સસ્તા અનાજની દુકાનેથી અનાજ ખરીદનાર વડનગર નગરપાલિકાના ભાજપના પૂર્વ નગરસેવિકા ચેતનાબેનના પતિ થાય છે. તેમના વડનગર ખાતે અનાજ દળવાની ઘંટી આવેલી છે. તેમના ત્યાંથી બે હજાર કિ.ગ્રા. અનાજ મળી આવ્યું હતું.
તપાસ ટીમે મીઠાની થેલીઓ અને અન્ય અનાજ નજર અંદાજ કર્યું
પુરવઠા વિભાગની ટીમે ફ્લોર ફેક્ટરીમાં તપાસ કરી હતી. જેમાં દુકાનેથી મીઠાની થેલીઓ તથા ફ્લોર ફેક્ટરીમાં પડેલ અન્ય ઘઉંના જથ્થાને નજર અંદાજ કરતા તંત્ર દ્વારા તપાસમાં ભીનુ સંકેલવાની આશંકા લોકોએ વ્યક્ત કરી હતી.