Get The App

લકઝરી બસમાં સવાર મુસાફરની સુટકેશમાંથી દારૂનો જથ્થો મળ્યો

- ચંદ્રાલા પાસે વાહન ચેકીંગ દરમ્યાન

- મહુન્દ્રા પાસે મોપેડમાંથી દારૂની બોટલો કબ્જે કરી ચાર શખ્સો સામે ચિલોડા પોલીસે ગુનો દાખલ કર્યો

Updated: Jul 29th, 2020

GS TEAM

Google News
Google News
લકઝરી બસમાં સવાર મુસાફરની સુટકેશમાંથી દારૂનો જથ્થો મળ્યો 1 - image


ગાંધીનગર, તા. 29 જુલાઇ 2020, બુધવાર

ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે ચિલોડા પોલીસે ચંદ્રાલા પાસે વાહનચેકીંગ દરમ્યાન લકઝરી બસમાં સવાર મુસાફરની સુટકેશમાંથી વિદેશી દારૂની ૧૮ બોટલ કબ્જે કરી હતી અને દારૂ અને મોબાઈલ મળી ૧૮૬૩૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો મહુન્દ્રા પાસે મોપેડમાંથી વિદેશી દારૂની બે બોટલ કબ્જે કરી ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.  

રાજયના પાટનગર ગાંધીનગર જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ખેપિયાઓ માટે ફેવરિટ બની ચુકેલા ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપર ચિલોડા પોલીસ દ્વારા ચંદ્રાલા પાસે નાકા પોઈન્ટ ઉભો કરીને અહીંથી પસાર થતાં વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા થોડા સમયથી ખાસ કરીને લકઝરી અને એસટી બસમાં મુસાફરના સ્વાંગમાં ખેપિયાઓ દારૂની હેરાફેરી કરતાં હોવાથી આવા વાહનો પણ તપાસવામાં આવી રહયા છે. 

ત્યારે ગઈકાલે હિંમતનગર તરફથી આવતી એક ખાનગી લકઝરી બસને ચંદ્રાલા પાસે ઉભી રાખવામાં આવી હતી અને તેમાં સવાર મુસાફર મનસી ઉર્ફે રઘુઓમપ્રકાશ રાજોરા રહે.ઈન્દ્રપુરા રાજસ્થાનની સુટકેશમાંથી વિદેશી દારૂની ૧૮ બોટલ મળી આવી હતી. પોલીસે ૧૮૬૩૦નો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો. જયારે મહુન્દ્રા ખાતેથી પરબડીવાસમાં રહેતા સંજય રણજીતજી ઠાકોરને મોપેડમાં દારૂની બે બોટલ સાથે પકડયો હતો અને તેણે આ દારૂ દરબારવાસમાં રહેતાં સુરજસિંહ ઘનશ્યામનસિંહ સોલંકી અને કેતનસિંહ ઘનશ્યામસિંહ સોલંકી પાસેથી લાવ્યો હોવાનું કહેતા પોલીસે તપાસ કરી બન્નેને ઝડપી લીધા હતા અને તેમની મોપેડની ડેકીમાંથી પણ દારૂની એક બોટલ મળી હતી જે ચિલોડા ખાતે રહેતાં અંબાલાલ જવાનજી ઠાકોર પાસેથી લાવ્યા હોવાનું કહેતા પોલીસે કુલ પ૩ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને ચારેય શખ્સો સામે પ્રોહીબીશન એકટ મુજબનો ગુનો નોંધ્યો હતો. 

Tags :