ગલુદણ ગામ નજીક હીટ એન્ડ રનની ઘટનામાં બાઈકસવાર આધેડનું મોત
- ગાંધીનગર નજીક દહેગામ-નરોડા હાઈવે ઉપર
ગાંધીનગર, તા. 14 જૂન 2020, રવિવાર
લોકડાઉન ખુલ્યા બાદ વાહન વ્યવહાર પૂર્વવત થયો છે ત્યારે અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે. દહેગામમાં રામેશ્વર સોસાયટીમાં રહેતાં યુુસુફભાઈ મન્સુરી તેમનું બાઈક નં.જીજે-૧૮-પીઈ-૬૫૬૭ લઈને દહેગામથી રાયપુર ગામે રૃપિયાની ઉઘરાણી કરવા જતાં હતા તે દરમ્યાન ગલુદણ પાટીયા પાસે કોઈ અજાણ્યા વાહને તેમના બાઈકને અડફેટે લીધું હતું અને અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં યુસુફભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં ત્યાં હાજર લોકોએ તેમના પુત્ર રીઝવાન મન્સુરીને જાણ કરી હતી. જેથી તે પણ તેના ભાઈ સાથે સ્થળ ઉપર પહોંચ્યો હતો અને પિતાને સારવાર માટે દહેગામ હોસ્પિટલ લઈ ગયા હતા જયાં ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ આ ઘટના અંગે ડભોડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર વાહનચાલકને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.