કડી પોલીસ મથકના બે પીએસઆઈ સહિત 7 કર્મીઓ સસ્પેન્ડ કરાયા
- લોકડાઉનમાં ફરજ પર ગેરહાજર રહ્યા છે
- રેન્જ આઈજી, ડીએસપી ગાંધીનગરની ટીમ દ્વારા છેલ્લા ચાર દિવસની તપાસ બાદ ફરિયાદ નોંધી હતી
મહેસાણા,તા.25 મે 2020, સોમવાર
મહેસાણા જિલ્લામાં લોકડાઉન દરમિયાન પોલીસે કોરોના વોરીયર્સ બની સારી કામગીરી બજાવી છે. પરંતુ છેલ્લા ચાર દિવસ કડી પોલીસ સ્ટેશનમાં પીઆઈ સહિત કર્મચારીઓ દ્વારા પકડાયેલ દારૃનો વેપાર તથા બોટલો સગેવગે કરવાનો મામલો બહાર આવતાં મહેસાણા પોલીસને નામોશી ભર્યું કામ કરતાં સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનામાં બે પીએસઆી સહિત ૭ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં એપેડેમીક ડિઝાસ્ટર એક્ટ મુજબ લોકડાઉનમાં ફરજ પર હાજર ન રહેતા જિલ્લા પોલીસવડાએ સસ્પેન્ડ કરવાનો હૂકમ કર્યો છે.
છેલ્લા ચાર દિવસથી કડી પોલીસ સ્ટેશનમાં દારૃના વેપાર મામલે સંકટના વાદળો છવાયેલા છે. ચારેક દિવસથી ગાંધીનગર રેન્જ આઈજી મયુરસિંહ ચાવડા, ગાંધીનગર એસપી તથા ડીવાયએસપી કલોલની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં ૬ જેટલા સાહેદોના નિવેદનો લીધા હતા. જેમાં પોલીસ લાઈનના ક્વાર્ટસ ૬૨ની અંદર રાખેલ ભારતીય બનાવટનો પકડાયેલ દારૃના જથ્થાનો પાછળના ભાગે નીકળતા દરવાજાથી પોલીસ અધિકારી જવાન તથા અન્ય માણસો ગાડીઓમાં ભરી બોટલો કેનાલમાં ફેંકી દીધાની કે અન્ય રીતે નિકાલ કર્યો હોવાથી નિવેદનને સમર્થન મળેલ છે.
તેમજ સુજાતપુરા નર્મદા કેનાલ ખાતે કડી પાલિકાના બે સરકારી પંચોની હાજરીમાં બાવળની ઝાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૃની બોટલોના ખાલી ખોખા મળ્યા હતા. ત્યારબાદ ૨૩-૫-૨૦૨૦ના રોજ નર્મદાની કેનાલની અંદર કુશળ તરવૈયાઓ ઉતારી તપાસ કરાવતાં જુદી જુદી બ્રાન્ડની વ્હીસ્કીની શીલબંધ બોટલો મળી હતી. જેથી વિદેશી દારૃ કેનાલમાં નાખી પુરાવાઓના નાશ કરી ગુનો આચરેલ છે. આ તમામ સામે પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટ દ્વારા ફરિયાદ નોંધાવા પામી છે.
એસઆઈટીની ટીમ દ્વારા શું તપાસ થશે?
ગાંધીનગર એસપી કલોલ ડીવાયએસપી તથા મહેસાણા ડીવાયએસપીની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં સીસીટીવી કેમેરા સહિત માલ ક્યાંથી પકડી આવ્યા હતા અને કયા બુટલેગરોની અવરજવર હતી તેમજ કોને કોને દારૃ વેપારમાં સંડોવાયેલા છે તેની તપાસ હાથ ધરાશે.
લોકડાઉનમાં ફરજ પર હાજર ન રહેનાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ
- કે.એન.પટેલ (પીએસઆઈ-કડી)
- એ.એસ.બારા (પીએસઆઈ-કડી)
- મોહનભાઈ હરીભાઈ (એએસઆઈ -કડી)
- હિતેન્દ્રકુમાર કાંતીલાલ (હેડ કોન્સ્ટેબલ)
- પ્રહલાદભાઈ રામાભાઈ (હેડ કોન્સ્ટેબલ
- શૈલેષકુમાર કરમશીભાઈ (હેડ કોન્સ્ટેબલ)