કોરોનાથી કલોલમાં વધુ 2 મોત સહિત નવા ૨૩ કેસ
ગાંધીનગર, તા. 30 જૂન 2020, મંગળવાર
ગાંધીનગર જિલ્લાના કલોલમાં કોરોનાની ગંભીર સ્થિતિ ઉભી થઇ છે. દિવસે અને દિવસે મૃત્યુઆંક વધી રહ્યાં છે તો પોઝિટિવ દર્દીઓ પણ કલોલમાં ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. આજે ડીંગુચાના ૭૦ વર્ષિય વૃદ્ધ જ્યારે કલોલની વિશ્વનાથ સોસાયટીમાં રહેતા ૪૬ વર્ષિય પુરુષનું કોરોનાથી મોત થયું છે. આ સાથે કલોલમાં અત્યાર સુધી કોરોનાથી રર જેટલા દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક ૪૮ પહોંચ્યો છે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં વધતાં જતાં કોરોનાના કેસ વચ્ચે આજે પાટનગરમાં ચાર પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. સેક્ટર-૩/એમાં રહેતી ૫૦ વર્ષિય મહિલા કે જે ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવે છે તેણી પોઝિટિવ આવી છે. અમદાવાદની બેન્કમાં નોકરી કરતો સેક્ટર-૮/એનો ૩૫ વર્ષિય યુવાન પણ પોઝિટિવ આવ્યો છે. જેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે કલોલના કબીર મોબાઇલમાં કામ કરતો ૨૮ વર્ષિય સેક્ટર-૨૯નો યુવાન પોઝિટિવ આવ્યો છે. જેના ઘરના ત્રણ સભ્યોને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. સેક્ટર-૨૬ ગ્રીનસીટીમાં રહેતા ૬૧ વર્ષિય પુરુષ કે જે હોટલ બિઝનેશ સાથે સંકળાયેલા છે તે પણ પોઝિટિવ આવ્યાં છે. વાવોલમાં રહેતા અને સુથારી કામ કરતાં ૬૧ વર્ષિય પુરુષ કોરોનામાં સપડાયાં છે. આ ઉપરાંત કોબાની ૨૬ વર્ષિય ગૃહીણી, સરઢવનો ૪૫ વર્ષિય ખેડૂત, છાલાના ૬૦ વર્ષિય નિવૃત્ત પોલીસકર્મી કોરોના પોઝિટિવ આવ્યો છે. દહેગામના સુથારવાસમાં રહેતી ૫૨ વર્ષિય મહિલા પણ કોરોનાથી સંક્રમિત થઇ છે. જ્યારે માણસાના અક્ષરવિલામાં રહેતી અને ગાંધીનગરના સે-૨૪ના અર્બન હેલ્થ સેન્ટરમાં ફિમેલ હેલ્થવર્કર તરીકે ફરજ નિભાવતી ૩૪ વર્ષિય કોરોના વોરિયર્સ ચેપગ્રસ્ત થઇ છે. જ્યારે બોમ્બેથી આવ્યાં બાદ માણસાના ૭૨ વર્ષિય પુરુષ પણ કોરોનામાં સપડાયાં છે. આ ઉપરાંત કલોલમાંથી દસ દર્દીઓ ઉમેરાયા છે. જાસપુરનો એસ્ટેટ એજન્ટ, ખાનગી નોકરી કરતો પાનસરનો યુવાન, ૬૧ વર્ષિય વેપારી, ૩૨ વર્ષિય સેલ્સમેન પણ કોરોના પોઝિટિવ આવ્યાં છે. સોજાના ૪૦ વર્ષિય પુરુષ જ્યારે દેવદર્શન સોસા.માં રહેતી ૫૬ વર્ષિય મહિલા સંક્રમિત થઇ છે.