ઉત્તર ગુજરાતમાં 51 પોઝિટીવ કેસઃ 4ના મોત
- એકી સાથે બનાસકાંઠામાં ૨૩, પાટણમાં ૭ અને મહેસાણા જિલ્લામાં ૨૧ કેસ નોંધાયા
- આફટર લોકડાઉન લોકલ ટ્રાન્સમીશનને કારણે કોરોના પોઝિટીવ દર્દીઓમાં ચિંતાજનક વધારો થયોઃ કુલ કેસો ૧૨૯૧ થયા
મહેસાણા,
પાલનપુર,ડીસા,
તા. ૧4 જુલાઇ 2020, મંગળવાર
આફટર લોકડાઉન ઉત્તર ગુજરાતમાં લોકલ ટ્રાન્સમીસનને કારણે
કોરોના વાયરસ સંક્રમણનો વ્યાપ ચિંતાજનક વધી રહ્યો છે. મંગળવારે બનાસકાંઠામાં ૨૩, પાટણમાં ૭ અને
મહેસાણા જિલ્લામાં ૨૧ મળી કુલ ૫૧ કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે
મહેસાણા જિલ્લામાં એક સાથે કોરોના ૩ પોઝિટીવ દર્દીઆ તેમજ ડીસામાં ૧ સહિત ૪
દર્દીઓના મોત થતા લોકોમાં ફફડાટ ફેલાયો
છે. જ્યારે આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમિત વિસ્તારોને બફર ઝોન જાહેર કરી
પોઝિટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની તપાસ હાથ ધરી છે.
મહેસાણા શહેર અને જિલ્લામાં છેલ્લા એક પખવાડીયાથી કોરોના
સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળે છે. મંગળવારે મહેસાણા જિલ્લાના શહેરી
વિસ્તારમાં ૯ તેમજ ગ્રામીણ વિસ્તારમાં ૧૨ કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે.
જ્યારે કડીમાં ૬૩ વર્ષીય મહિલા દર્દી,
વિજાપુરના લાડોલ ગામના ૭૨ વર્ષીય વૃધ્ધ અને મહેસાણા તાલુકાના આંબલીયાસણ ગામના
૬૫ વર્ષીય કોરોના પોઝિટીવ દર્દીનું મોત થયું છે. જિલ્લામાં અત્યાર સુધી ૫૫૧
પોઝિટીવ દર્દીઓ સામે આવ્યા છે. જે પૈકી ૩૦૯ વ્યક્તિઓને હોસ્પિટલમાંથી રજા મળી છે.
હાલ ૨૦૨ વ્યક્તિઓ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જિલ્લાનો કુલ મૃત્યુ
આંક ૪૦ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં વધુ ૨૩ પોઝિટીવ દર્દીઓ ઉમેરાયા છે. જેમાં
પાલનપુરમાં ૬, ડીસામાં
૮, કાંકરેજમાં ૬
જ્યારે સુઇગામ,જુનાડીસા
અને વાવમાં એક એક કેસ નોંધાયો છે. જિલ્લામાં ૨૭૫ જેટલા વિસ્તારોને કન્ટેઇન્મેન્ટ
ઝોન જાહેર કરાયા છે. ૪૦૧ વ્યક્તિઓ પૈકી ૨૭૮ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.
ડીસાં નગરપાલિકામાં પલ્મબર તરીકે ફરજ બજાવતા પોપટલાલ ભીખાજી ઠાકોરને સોમવારે
ડીસાની કોવિદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યા તેઓનું સારવાર દરમીયાન
મોત થયું હતું. જિલ્લામાં અત્યાર સુધી ૨૩ દર્દીઓ મોતને ભેટયા છે. પાટણ જિલ્લામાં
વધુ ૭ કેસ ઉમેરાયા છે. શહેરમાં ૧૬૧ પોઝિટીવ કેસ મળી જિલ્લામાં કુલ ૩૩૯ કેસ નોંધાયા
છે. જે પૈકી ૨૦૪ સાજા થતા ઘરે પહોંચ્યા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધી ૩૦ દર્દીઓએ
પોતાનો જીવ ગુમાવ્યો છે.