ચોમાસા દરમ્યાન જિલ્લામાં 4 લાખ રોપાઓનું વિતરણ કરાશે
ગાંધીનગર, તા. 25 જૂન 2020, ગુરુવાર
સરકારી ચોપડે હવે ચોમાસુ બેસી ગયું છે ત્યારે તંત્ર દ્વારા પણ ચોમાસાને લગતી કામગીરીના આયોજન શરૃ કરી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ૭૧માં વન મહોત્સવની ઉજવણી થવાની છે ત્યારે જિલ્લા કક્ષાના આયોજન અંગેની બેઠક કલેકટર કુલદીપ આર્યના અધ્યક્ષસ્થાને આજે મળી હતી. જે બેઠકમાં તેમણે કહયું હતું કે જિલ્લામાં વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે પરંતુ તેમાંથી કેટલાનો ઉછેર થાય છે તે જરૃરી છે. બિન સરકારી, સહકારી સંસ્થાઓ, પંચાયતો, નગરપાલિકા, મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા મફતમાં રોપાઓનું વિતરણ કરવામાં આવશે. આ રોપાઓનો પાંચ વર્ષ સુધી ઉછેર ઉપર ધ્યાન આપવામાં આવે તો ખરેખર ગાંધીનગર જિલ્લાને હરીયાળો બનાવી શકાય છે. તેમણે ખેડૂતો, શાળાઓ, પંચાયતો, હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઔદ્યોગિક એકમો, રોડની બન્ને સાઈડ, ખરાબાની જગ્યામાં મહત્તમ રોપાઓનું વાવેતર કરવા જણાવ્યું હતું તો વિતરણના રોપાઓ અંગે માહિતી આપતાં નાયબ વન સંરક્ષક એન.એન.ડામોરે કહયું હતું કે ગાંધીનગર, માણસા, દહેગામ અને કલોલ તાલુકામાં નર્સરીઓમાંથી રોપા મેળવવા માટે સરકારની જોગવાઈ મુજબ પોલીથીન બેગમાં આયુર્વદિક ફુલછોડ અને વેલા વગેરે પ્રકારના રોપા મેળવી શકાશે. વ્યક્તિ, સંસ્થાઓને ઉપયોગ માટે જોઈએ તેટલા રોપાઓ મફતમાં આપવામાં આવશે અને ૧૦૦થી વધુ રોપાઓ ઉછેરનારને માર્ગદર્શન પણ આપવામાં આવશે અને વાવેતર પછી સામાજિક વનીકરણ ક્ષેત્રે મોડેલ હેઠળ સમાવેશ પણ કરાશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શાલીની દુહાન સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.