મિનરલ વોટરના ગોડાઉનમાંથી 120 બોટલ વિદેશીદારૂ પકડાયો
- કલોલમાં એલસીબીના 2 સ્થળે દરોડા
- સઇજ ગામમાંથી પણ 23 નંગ વિદેશીદારૂની બોટલો ઝડપી લીધી
કલોલ, તા. 7 જુલાઇ 2020, મંગળવાર
જિલ્લામાં અસામાજિક તત્વો પ્રોહી. અને જુગારની પ્રવૃત્તિ ના આચરે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી. દારૂ જુગારની બદીને અટકાવવા ચુસ્ત પણે પેટ્રોલીંગ અને વાહન ચેકીંગના પણ તેમણે આદેશ કર્યા હતા. ત્યારે ગાંધીનગર એલસીબીના પીએસઆઇ ડી.એસ.રાઓલ તથા એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ, હેડકોન્સ્ટેબલ લતીફ ખાન, અનુપસિંહ, કોન્સ્ટેબલ વિજયસિંહ અને રાજવીરસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વખતે બાતમી મળતા તેમણે કલોલ હાઇવે પર વર્કશોપની બાજુમાં આવેલા વિનસ મિનરલ વોટરના ગોડાઉનમાં દરોડો કર્યો હતો. ગોડાઉનમાંથી વિદેશીદારૂની ૧૨૦ નંગ બોટલ કિંમત રૂપિયા ૯૨,૩૧૬નો જથ્થો પકડી પાડયો હતો અને સ્થળ પરથી સંજય જયંતીભાઇ બાવા રહે. પંચવટી રેસીડેન્સી કલોલની સ્થળ પરથી ધરપકડ કરી હતી. સંજય બાવા વિદેશીદારૂનો જથ્થો મંગાવી વેચાણ કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેમજ એલસીબીએ બાતમીને આધારે બીજો એક દરોડો કર્યો હતો.
સઇજમાં રહેતો અક્ષય બાબજી ઠાકોર વિદેશીદારૂનો ધંધો કરતો હોવાની બાતમીને આધારે પોલીસે અક્ષયની ઘરની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં દરોડો કરી ઇંટોની આડમાં છુપાવી રાખેલી વિદેશીદારૂની ૨૩ નંગ બોટલ કિંમત રૂપિયા ૮૨૨૦નો જથ્થો પકડી પાડી અક્ષય ઠાકોર સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.