પાટનગરમાં 4 અને જિલ્લામાં 7 મળી કોરોનાના 11 કેસ
ગાંધીનગર, તા. 2 જુલાઇ 2020, ગુરુવાર
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૭૦૦ સુધી પહોંચવા આવ્યો છે. જે પૈકી ૫૧ કોરોના પોઝિટિવ દર્દીઓ મોતને પણ ભેટયા છે. જ્યારે દિન-પ્રતિદિન અતિ ચેપી અને પ્રાણઘાતક કોરોના વાયરસ વધુને વધુ લોકોને પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે. ગાંધીનગર શહેર - જિલ્લામાં આજે વધુ ૧૧ પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. જેમાં પાટનગરમાં ચાર જ્યારે કલોલમાંથી ત્રણ કેસ પ્રકાશમાં આવી રહ્યાં છે.
અમદાવાદને અડીને આવેલું હોવાના કારણે ગાંધીનગરમાં કોરોનાનું સંક્રમણ ઝડપીથી ફેલાયું છે. ગાંધીનગર શહેર એટલે કે પાટનગરમાં અને કલોલમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો બેવડી સદી વટાવી ગયો છે. ગાંધીનગર કોર્પોરેશનના સાત કોરોના પોઝિટિવ દર્દીના મોત થયાં છે. જ્યારે કલોલમાં રર દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગાંધીનગર જિલ્લામાં દહેગામમાં પોઝિટિવ દર્દીઓ પ૦ને પાર પહોંચે છે. જ્યારે માણસામાં ૪૩ જેટલા દર્દીઓ સરકારી ચોપડે પોઝિટિવ હોવાનું જાણવા મળી રહ્યું છે. પાટનગરમાં આજે ચાર પોઝિટિવ દર્દીઓ મળી આવ્યાં છે. સેક્ટર-૩/બીમાં રહેતું દંપતિ કોરોનામાં સપડાયું છે. બંને દર્દીને ઘરે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. સે-૩માંથી વધુ એક કેસ મળ્યો છે. સેક્ટર-૩/ડીમાં રહેતો ૩૯ વર્ષિય યુવાન કે જે અમદાવાદમાં રેલ્વે પેરામેલેટ્રી ફોર્સમાં નોકરી કરે છે તે કોરોનામાં સપડાયો છે. જેને ગાંધીનગર સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે. સેક્ટર-૨૬ ગ્રીનસીટીમાં રહેતી ૫૭ વર્ષિય ગૃહિણી કોરોના પોઝિટિવ આવતાં તેને પણ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના કલોલમાંથી વધુ ત્રણ દર્દીઓ મળી આવ્યાં છે. કલોલની ગુ.હાઉસિંગ સોસાયટીમાં રહેતા ૭૫ વર્ષિય વૃધ્ધિ કોરોના પોઝિટિવ આવ્યા છે. તો વૈભવ ફલેટ કલોલમાં રહેતા ૫૬ વર્ષિય પુરુષ પણ કોરોનામાં સપડાયાં છે. રકનપુરમાં રહેતો યુવાન પણ કોરોનાગ્રસ્ત થયો છે. જ્યારે માણસાના પરબતપુરામાં રહેતા ૫૪ વર્ષિય ખેડુત કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાંથી ત્રણ કેસ મળી આવ્યા છે. જેમાં અડાલજમાંથી બે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. અડાલજમાં રહેતો રર વર્ષિય યુવાન અને ૪૪ વર્ષિય પુરુષ કોરોનામાં સપડાયાં છે. જ્યારે વાવોલમાં રહેતો ૪૪ વર્ષિય યુવાન પણ કોરોનામાં પટકાયો છે.