ચ-6 પાસે વૃધ્ધાના દાગીના લૂંટી લેનાર 1 લૂંટારૂ ઝડપાયો
ગાંધીનગર, તા. 23 જૂન 2020, મંગળવાર
ગાંધીનગરમાં દવા લેવા આવેલા કોલવડા ગામના વૃધ્ધાને રીક્ષામાં બેસાડી ચ-૬ પાસે ઉતારી તેમના દાગીના લૂંટી લેવાની ઘટના બની હતી. જે સંદર્ભે સે-ર૧ પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ પોલીસે નરોડાના એક લૂંટારૃને ઝડપી પાડયો છે જયારે તેના બે સાગરીતોની શોધખોળ શરૂ કરી છે. તેની પાસેથી લૂંટનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.
ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડા ગામે રહેતા અમરતબા જવાનજી સોલંકીને રીક્ષામાં બેસાડી ચ-૬ પાસે લઈ જઈ લૂંટારૂઓએ તેમના સોનાના દાગીના લૂંટી લીધા હતા. આ ત્રણ લૂંટારૂ સામે તેમણે સે-ર૧ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે સે-ર૧ પોલીસને તાકીદ કરી હતી. જેના અનુસંધાને પીએસઆઈ એ.જે.શાહ અને તેમની ટીમે બાતમીદારો મારફતે એક લૂંટારૂ દીલીપ જીવાભાઈ બાવરી રહે.મકાન નં.૧૬, કબીરનગર નરોડાને પકડી પાડયો હતો અને તેની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો. તેના રીમાન્ડ મેળવીને હવે તેના અન્ય બે સાગરીતોની પણ પોલીસે શોધખોળ શરૃ કરી છે.