ખાત્રજ અને કારોલીના ગોડાઉનમાંથી 1.64 લાખનો વિદેશીદારૂ પકડાયો
કલોલ, તા. 28 જૂન 2020, રવિવાર
ખાત્રજ જીઆઇડીસીમાં આવેલા ગોડાઉનમાં એલસીબી -ર એ બાતમીને આધારે દરોડો કરી બિયરની ૯૨ પેટી બકડી પાડી હતી. સ્થળ પરથી પકડાયેલા ત્રણ આરોપીઓની પૂછપરછ બાદ પોલીસે કારોલિ જીઆઇડીસીના ગોડાઉનમાં પણ દરોડો કરી વિદેશીદારૂની બે પેટી પકડી પાડી હતી. ૧.૬૪ લાખનો વિદેશીદારૂ અને ચાર મોબાઇલ ફોન મળી કુલ ૧.૮૯ લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.
એલસીબી-રએ ગોડાઉનમાંથી ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરી હતી
ખાત્રજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કમલદીપ એસ્ટેટમાં સર્વે નંબર ૧૪૧ બ્લોક નંબર ૨૫/૧માં બનાવેલ ગોડાઉનમાં વિદેશીદારૂનો જથ્થો પડયો હોવાની બાતમીને આધારે ગાંધીનગર એલસીબીએ દરોડો કર્યો હતો. ગોડાઉનના દરવાજા પર જય મેલડી ટ્રેડર્સ લખેલું હતું. પોલીસે દરવાજાનું લોક તોડી અંદર જતા ત્રણ શખ્સો કાંતિલાલ ઉર્ફે રોહિત રતિલાલ વખાજી સેન, ભાવેશ હીરાજી પ્રજાપતિ, નારાયણ લાલ કસ્તુર રામ સેન ત્રણેય રહે. આશીર્વાદ એવન્યુ નવા નરોડાને ઝડપી લીધા હતા. પોલીસે ગોડાઉનનું લોક તોડી અંદર તપાસ કરતાં બિયરની ૯૨ પેટી એટલે ૨૨૦૮ નંગ બિયર મળી આવી હતી. કાંતિલાલ સેનના કબ્જામાં આ ગોડાઉન હતું. જેથી કાંતિલાલની પોલીસે વધુ પુછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે કરોલી જીઆઇડીસીમાં આવેલા કલ્પતરૂ એસ્ટેટમાં પ્લોટ નંબર - ૨૧૯ વાળું ગોડાઉન પણ તે ભાડે રાખી વિદેશીદારૂનો જથ્થો મૂકતો હતો. જેથી પોલીસે ત્યાં પણ દરોડો કરતાં ગોડાઉનમાંથી વિદેશીદારૂની બે પેટી મળી આવી હતી. પોલીસે કુલ રૂપિયા ૧,૬૪,૮૮૦ની કિંમતનો વિદેશીદારૂ અને ચાર મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧,૮૯,૮૮૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.