મલેકપુર તા.23 એપ્રિલ 2020 ગુરૂવાર
લુણાવાડાના કૌચિયા ગામે મધરાતે દીવાલ ધરાશાયી થતા છ વ્યક્તિઓને ઇજા થવા પામી હતી.જેમાં બે વ્યક્તિઓને ઇજા થતાં વધુ સારવાર હેઠળ દાખલ કરવામાં આવેલ છે.
કૌચિયાના કલેડિયા ફળીયા ખાતે રહેતા ભલાભાઇ પટેલિયા તથા તેમના પત્ની અને ચાર બાળકો સાંજે જમી-પરવારીને ઘરમાં સુઈ ગયા હતા. રાત્રે સમયે તેમના મકાનની દિવાલ ધરાસાઈ થતાં ઘરમાં સુતેલા તમામ પર દીવાલ પડતાં ગંભીર ઈજા થઈ હતી. નાની મોટી ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર હેઠળ ખસેડયા હતા.મધરાતે શાંત વાતાવરણમા દીવાલ પડતાં આજુબાજુના રહીશો દોડી આવી સૂતેલા પરિવાર પર આવી પડેલી આફતમાથી બહાર કાઢયા હતા.
જેમાં હિરલબેન અને નેતલબેન ના પગમા ગંભીર ઇજા થતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. કોરોના રોગની મહામારીના સંક્રમણમાં ઇજા પામેલા કુટુંબ એક તબક્કે હતપ્રભ થઈ ગયું હતું.પરંતુ ગ્રામજનોની મદદથી તાત્કાલિક સારવાર હેઠળ ખસેડયા હતા.બે દીકરીઓને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાતા સારવારના રૃપિયા વધુ કહેવાતા પરત ઘરે લાવી તેઓને અમદાવાદ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી .આકસ્મિક આફત આવી પડતા પટેલિયા ભલાભાઇ ને સરકારી રાહત મળી રહે તેવી માગણી કરાઈ છે.


