મલેકપુર તા.30 માર્ચ 2020 સાેમવાર
કોરોનાના સંક્રમણને રોકવા માટે અમલી બનાવેલા જાહેરનામાનો હવે મહીસાગર પોલીસ ચુસ્તપણે અમલ કરી રહી છે. જિલ્લા પોલીસ વડાએ જાહેરનામાનો ભંગ કરતા લોકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, મહીસાગર જિલ્લામાં ડ્રોનથી હિલચાલ ઉપર નજર રાખી રહી છે.પોલીસના વિશ્વાસ પ્રોજેકટના સીસી ટીવી કેમેરાથી મોનિટરિંગ કરાઇ રહ્યું ં છે. કોઇ વ્યક્તિ જો બહાર નીકળેલા તેમાં જણાશે તો તેની સામે સખત કાનૂની કાર્યવાહી કરાશે.
જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, કોરોનાના સંક્રમણને રોકવા સોશિયલ ડિસ્સ્નસ સિવાય બીજો વિકલ્પ નથી. સ્પેન, ઇટાલી સહિતના યુરોપના દેશોમાં કોરોના વાઇરસ પ્રસરવાનું એક માત્ર કારણ છે કે ત્યાં લોકોએ આ વાઇરસને બહુ જ હળવાશથી લઇ મેળાવડા ચાલુ રાખ્યા હતા. આપણી નજર સમક્ષ આવા ઉદાહરણો હોવા છતાં, મહીસાગર જિલ્લાના શહેરો લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુરમાં અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક લોકો હજુ ગંભીરતા દાખવતા નથી. હવે તેની સામે પોલીસ ગંભીર બનશે. રોગચાળાનું મોટું સંકટ માથે હોવા છતાં બેજવાબદાર બની લટાર મારવા નીકળતા કે સોસાયટીમાં જમાવડો કરતા લોકો સામે ટેક્નોલોજીના ઉપયોગની સખતાઇથી કાર્યવાહી કરાશે.
મહીસાગર પોલીસના વિશ્વાસ પોજેક્ટના સીસીટીવીથી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં નિગરાની રાખી ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે.
જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ૧૫૦થી વધુ ફરિયાદો દાખલ કરી છે. જ્યારે બિનજરૃરી રીતે બજારમાં લટાર મારવા નીકળેલા લોકોના ૩૩૫ વાહન ડિટેઇન કરી રૂ.૧,૧૩,૦૦૦ નો દંડ વસુલ કર્યો છે. વધુમાં હોમ ક્વોરોન્ટાઇન રહેવાના આદેશનો ભંગ કરનારી વ્યક્તિઓ સામે એપેડેમિક ડિસીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે.


