મહીસાગરમાં કોરોનાના 7 દર્દી સાજા થતા રજા આપતા ઘરે પરત ફર્યા
લુણાવાડા તા.13 મે 2020 બુધવાર
કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૃરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રે માધ્યમ સાબિત થયા છે. જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરી રહ્યા છે.
જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી કોરોના સંક્રમિત 7 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થઇ પોતાના ઘરે પરત ફર્યા હતા . સંતરામપુર ગ્રામ્યના બટકાવાડા ગામના ૫૫ વર્ષીય ભામત અંબાબેન, કડાણા તાલુકાના દીતવાસ ગામના 25 વર્ષીય બીના ડામોર, ખાનપુર તાલુકાના ખુટલદેવ ગામના 57 વર્ષીય રઇજીભાઇ પટેલ, તેમજ બાકોર ગામના 34 વર્ષીય કમલેશ પટેલ, લુણાવાડાના ગારીયા ગામના ૩૦ વર્ષીય નટ રમેશ, તેમજ વીરપુર તાલુકાના રોઝાવ ગામના 43 વર્ષીય મેહરા અમરતભાઇ અને 21 વર્ષીય મહેરા જીતેન્દ્રકુમારને સાજા થતા રજા આપી હતી.
અત્યાર સુધીમાં તા.12-5-20 ના સાંજે પાંચ વાગ્યે જિલ્લામાં કોરોનાના ૪૫ કેસ પોઝિટિવ આવેલા છે. તેમજ અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 1 વ્યક્તિનું મૃત્યુ થયુ છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/કોરોનાના કુલ 1009 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 3887 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખ્યા છે.
જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 6 દર્દીઓ હાલ કે.એસ.પી. હોસ્પિટલ ખાતે તેમજ 2 દર્દી ગોત્રી મેડીકલ કોલેજ ખાતે અને એક જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ હિમ્મતનગર ખાતે સારવાર લઇ રહ્યા છે.
કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી એક દર્દી ગોત્રી મેડીકલ કોલેજમાં વેન્ટીલેટર ઉપર છે .બાકીના 8 દર્દીઓ સામાન્ય હાલતમાં છે .