વીજળી શક્તિનું અદ્ભુત રૂપાંતર: ઈલેક્ટ્રિક મોટર
ઈલેક્ટ્રિક મોટરમાં એક મોટા ચૂંબક વચ્ચે સંખ્યાબંધ આંટા ચઢાવેલી વાયરની કોઈલ મૂકાય છે. બેટરી વડે ચાલતી મોટરમાં ડીસી કરંટને એસીમાં ફેરવવા કોમ્યુટર નામની ધાતુની રિંગ હોય છે.
વીજળી અનેક રીતે ઉપયોગી છે પરંતુ તેનો સૌથી વધુ અને ઉપકારક ઉપયોગ ઈલેક્ટ્રિક મોટરમાં થાય છે. ઈલેક્ટ્રિક મોટર વીજળીશક્તિને ગતિશક્તિમાં રૂપાંતર કરી આપતું સાધન છે. રમકડાં, કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક, સીડી-ડીવીડી પ્લેયર, વોશિંગ મશીન, મિક્સચર, ઘરઘંટી ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્રે અનેક મશીનો મોટર વડે ચાલે છે.
ઈલેક્ટ્રિક મોટરનો મૂળભૂત સિધ્ધાંત સાવ સાદો છે. સાદા વાયરનો યુ આકાર ગાળિયો બનાવી તેને નળાકાર ચૂંબક વડે મૂકી તેમાં વીજપ્રવાહ આપવાથી ગાળિયો ચક્રાકાર ફરવા લાગે. વાયરમાંથી વીજપ્રવાહ વહે ત્યારે તેની આસપાસ મેગ્નેટિક ફિલ્ડ રચાય છે. નજીક બીજું મેગ્નેટ હોય તો તેના ફિલ્ડ સાથે પ્રતિક્રિયા કરે છે. ચૂંબકના બે સમાન ધ્રુવો એકબીજાથી અપાકર્ષણ કરી દૂર ભાગે છે. અસમાન ધ્રુવો આકર્ષણ પામી નજીક સરકે છે.
વાયરમાં વહેતો એસી કરંટ બંને દિશામાં વહે છે એટલે તેના દક્ષિણ અને ઉત્તર ધ્રુવો વારાફરતી બદલાય છે. એટલે વાયરનો લૂપ ચૂંબક પ્રત્યે વારાફરતી આકર્ષણ અને અપાકર્ષણ કરી ગોળ ગોળ ફરવા લાગે છે. ઈલેક્ટ્રિક મોટરમાં એક મોટા ચૂંબક વચ્ચે સંખ્યાબંધ આંટા ચઢાવેલી વાયરની કોઈલ મૂકાય છે. બેટરી વડે ચાલતી મોટરમાં ડીસી કરંટને એસીમાં ફેરવવા કોમ્યુટર નામની ધાતુની રિંગ હોય છે. વિવિધ સાધનોમાં નાની મોટી અનેક જાતની મોટરો વપરાય છે. દરેકની રચનામાં થોડો ફેર હોય છે. સી.ડી. પ્લેયર વગેરેમાં નાનકડી મોટર હોય છે. પાણીના પંપ, અનાજ દળવાની ઘંટી વિગેરેમાં મોટી શક્તિશાળી મોટર હોય છે.