Get The App

વિદ્યા બાલન પોપસ્ટાર એનરિકની શા માટે દિવાની છે?

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
વિદ્યા બાલન પોપસ્ટાર એનરિકની શા માટે દિવાની છે? 1 - image

- 'મને પણ યંગ એજમાં બીજી છોકરીઓની જેમ આ સ્પેનિશ પોપસ્ટાર માટે આકર્ષણ હતું. એનરિકમાં એ બધુ જ હતું, જે યુવાન છોકરીઓ પોતાના બોયફ્રેન્ડમાં જોવા માગતી હોય... હી વોઝ સો કૂલ!'

સ્પેનિશ પોપસ્ટાર એનરિક ઇગ્લેસિયાસ બે વાર ભારત આવ્યો છે. એકવાર ૨૦૦૪માં અને બીજી વાર ૨૦૨૧માં. પહેલી વારની ભારત યાત્રા દરમિયાન એનરિકે માત્ર મુંબઈમાં કોન્સર્ટ કર્યો હતો. પોપ સેન્સેશન ફરી બે કોન્સર્ટ આપવા હમણાં મુંબઈ આવ્યો. આપણી વિદ્યા બાલન સ્પેનિશ સિંગરની જબરદસ્ત ફેન છે. એ ૨૧ વરસ બાદ ઇન્ડિયા આવેલા એનરિકને પોતાનો લકી ચાર્મ માને છે. એનરિકનાં  સોંગ્સ એણે ભરપૂરપણે માણ્યાં છે.

એનરિક ઇગ્લેસિયાસ માટેની પોતાની 'દિવાનગી'નું રહસ્ય છતુ કરતા વિદ્યાએ હમણાં એક ઇવેન્ટમાં મીડિયાને કહ્યું, 'મારી ડેબ્યુ ફિલ્મ પરિણીતા મને એનરિકના કોન્સર્ટમાં જ મળી હતી. મારી ફ્રેન્ડ પવિત્રા સાથે હું ૨૦૦૪માં મુંબઈમાં યોજાયેલો એનરિકનો શો માણવા ગઈ હતી. ત્યારે મને ડિરેક્ટર પ્રદીપ સરકારે પરિણીતાનો રોલ ઓફર કરવા ફોન કર્યો હતો, જે ઘોંઘાટને કારણે હું લઈ નહોતી શકી. હું અને પવિત્રા ભીડ વચ્ચેથી માર્ગ કરી સ્ટેજની નજીક પહોંચવા પ્રયાસ કરી રહ્યા હતા. એનરિક ત્યારે બે સોંગ્સ વચ્ચે બ્રેક લેવા સ્ટેજ પાછળ ચાલ્યો ગયો હતો. એ સ્ટેજ પર પાછો આવે ત્યાં સુધીમાં અમે સ્ટેશનની લગોલગ પહોંચી જવા માગતા હતા. મને મનમાં એવી આશા હતી કે પોપસ્ટાર મને હાથ ઝાલીને સ્ટેજ પર ખેંચી લેશે. એ હુંસાતુંસી દરમિયાન પ્રદીપ દાદાએ કોલ કર્યો હશે, પણ અમારી વચ્ચે વાત થઈ ન શકી એટલે એમણે પવિત્રાને ફોન કરી પૂછ્યું, વિદ્યા કહાં હૈ? એ સાંભળી પવિત્રાએ મને મોબાઈલ પકડાવી દીધો. દાદાએ મને ફોનમાં કહ્યું કે વિધુ વિનોદ ચોપરા તારી સાથે વાત કરવા માગે છે. મેં એમને જવાબમાં કહ્યું કે અત્યારે તો હું કોન્સર્ટમાં છું અને અહીંથી બહાર નીકળ્યા બાદ જ વાત કરી શકીશ. પરંતુ ત્યાર સુધીમાં ચોપરા પોતે લાઈન પર આવી ગયા હતા. એમણે મને કહ્યું કે વિદ્યા બાલન, તમે અબઘડી કોન્સર્ટમાંથી બહાર નીકળી કોઈ શાંત જગ્યાએ પહોંચો, જેથી આપણે વાત કરી શકીએ.'

એટલે વિદ્યા અને એની ફ્રેન્ડ કચવાતા મને ગેટ સુધી પહોંચ્યા. 'ત્યારે મને વિધુ ચોપરાએ ખુશખબર આપ્યા કે તું જ મારી પરિણીતા છો. ત્યારે એનરિક સ્ટેજ પર પાછો ફરી પોતાનું ફેમસ હીરો સોંગ ગાતો હતો. મારું એ સૌથી ફેવરીટ ગીત ગવાતું હતું ત્યારે જ મને ફિલ્મમાં બ્રેક મળ્યો. એટલે એ સોંગ મારા માટે વધુ સ્પેશિયલ બની ગયું. એ યાદગાર ક્ષણે મારું રુદન રોકાતું નહોતું અને મારા હાથ-પગ રીતસર ધુ્રજતા હતા. મારી લાઈફની એ સૌથી અવિસ્મરણીય ક્ષણ હતી,' એમ બાલન મીડિયા સાથેના સંવાદમાં કહે છે.

પોતાના બ્રેકની સ્ટોરી આગળ ચલાવતા વર્સેટાઈલ એકટ્રેસ કહે છે, 'હમણાં મને કેટલાકે એવું પૂછ્યું હતું કે તું એનરિકના કોન્સર્ટમાં જવાની છો કે નહિ? મેં એનો રમુજમાં જવાબ આપ્યો કે મેં ફિલ્મોમાં ૨૦ વરસ પુરા કર્યા છે અને એની ઉજવણી માટે જ એનરિક મુંબઈ પાછો આવ્યો છે. એટલે હું એનું હીરો સોંગ સાંભળવા જઈશ જ. આવા પ્રસંગો ફિલ્મોમાં જ બનતા હોવાનું લોકો કહે છે. પરંતુ મારી લાઈફમાં તો એવું ખરેખર બન્યું છે.'

સમાપનમાં વિદ્યા મીડિયાની પૃચ્છાના જવાબમાં કબુલે છે કે 'મને પણ યંગ એજમાં બીજી છોકરીઓની જેમ સ્પેનિશ પોપસ્ટાર માટે આકર્ષણ હતું. એટલા માટે એનરિકમાં એ બધુ જ હતું. જે યુવાન છોકરીઓ પોતાના બોયફ્રેન્ડમાં જોવા માગતી હતી. એ એકદમ કુલ અને સેક્સી હતો. એ એક પેસ્સનેટ લવરનો જીવતોજાગતો નમુનો હતો. એના પ્રત્યે મને ક્રશ આ માટે ન હોય?' 

રજનીકાંતની 'જેલર-2'માં વિદ્યા બાલન મિથુન ચક્રવર્તીની પુત્રીની ભૂમિકામાં

તાજેતરમાં જ એક એવા મજેદાર અહેવાલ મળ્યા છે કે અભિનેત્રી વિદ્યા બાલન સુપરસ્ટાર રજનીકાંત સાથે 'જેલર-૨' નામની ફિલ્મમાં કામ કરી રહી છે. રજનીકાંત અને વિદ્યા બાલનના ફેન્સ માટે આ એક ધમાકેદાર ન્યૂઝ છે. આ વાતને સમર્થન પણ મળ્યું છે અને એક જાણીતા અંગ્રેજી અખબારે આ વાતને પૃષ્ઠિ આપતા જણાવ્યું છે કે ૪૬ વર્ષની અભિનેત્રી આ ફિલ્મનો મહત્ત્વનો હિસ્સો છે. આ અભિનેત્રીએ 'નેરકોન્ડા પરવઈ'માં ૨૦૧૯માં એક ટૂંકી ભૂમિકા ભજવી હતી અને આ રીતે તેણે તમિળ ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું. જો કે હવે તેણે રજનીકાંત સાથેની ફિલ્મનું અડધાથી વધુ શુટિંગ પૂરું કરી લીધું છે, જે એક સંપૂર્ણ તમિળ ફિલ્મમાં તેની મુખ્ય ભૂમિકા છે.

ફિલ્મ પ્રોડક્શનના એક માહિતગાર સાધને જણાવ્યું છે કે આ ફિલ્મમાં વિદ્યા બાલન અભિનેતા મિથુન ચક્રવર્તીની મોટી દીકરીની ભૂમિકા ભજવે છે. ફિલ્મમાં મિથુન ચક્રવર્તી મુખ્ય વિરોધી એટલે કે વિલન જેવી ભૂમિકા ભજવે છે અને તે રજનીકાંત સાથે જોવા મળશે. આ સાથે જ આ જ સુમાહિતગાર વર્તુળોએ એમ પણ કહ્યું છે કે આ ફિલ્મનું શુટિંગ હાલમાં ચેન્નઈમાં ચાલી રહ્યું છે અને જાન્યુઆરી સુધીમાં પોસ્ટ પ્રોડક્શન શરૂ થઈ જશે, ચેન્નઈનું શિડયૂલ પૂરું કર્યા પછી ટીમ ઓક્ટોબરના અંત કે નવેમ્બરની શરૂઆતથી બાકીના બે મહિના સુધી ગોવામાં શુટિંગ પાર પાડશે. નેલ્શન દિલિપકુમાર દિગ્દર્શિત આ ફિલ્મના સર્જકોનો ઉદ્દેશ આ ફિલ્મ 'જેલર-૨'ને ઓગસ્ટ-૨૦૨૬ સુધીમાં રિલિઝ કરવાનો છે. જો કે આ અહેવાલના સમર્થન માટે વિદ્યા બાલન અને તેમની ટીમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો, પણ તે શક્ય બન્યો નથી. જો કે એવું જરૂર જાણવા મળ્યું છે કે આ ફિલ્મ અંગે કંઈ પણ વાત કરવી એ ઘણી વહેલી કહેવાશે.