શિયાળાની સવારે ઝાકળ કેમ પડે છે ?
શિયાળામાં વહેલી સવારે બગીચામાં જાવ તો ફૂલ છોડ ઉપર પાણીના ઝીણા ટીપાં બાઝેલા જોવા મળે. એકદમ શુધ્ધ પાણીના ટીપાં સૂર્યપ્રકાશમાં સપ્તરંગી પ્રકાશ વેરે તે દૃશ્ય મનોરમ્ય હોય છે. આ ફોરાંને ઝાકળ કહે છે. રાત્રે વરસાદ ન આવ્યો હોય તો પણ પાણીના ટીપાં ક્યાંથી આવે તે જાણો છો ? આપણે જાણીએ છીએ કે હવામાં ભેજ રહેલો હોય છે. તેને આર્દ્રતા પણ કહે છે.
ભેજ એટલે પાણીની વરાળ, શિયાળામાં હવા ઠંડી હોય છે પરંતુ વનસ્પતિનાં પાન તેનાથી ય વધુ ઠંડા હોય છે. ફૂલ અને પાનની ઠંડી સપાટી પર હવામાંની વરાળ ઠરીને પાણીના ટીપાં સ્વરૂપે બાઝે છે. રાત્રે જેમ જેમ ઠંડી વધે તેમ તેમ ઝાકળ વધુ જામે અને સવારે દેખાય. તડકો વધે અને ગરમી વધે કે તરત જ આ ટીપાં વરાળ બની ઊઠી જાય.