જ્વેલરીમાં કઈ ફેશન છે ઇન ટ્રેન્ડ
ઝૂમકા બરેલીના હોય કે પછી બીજે ક્યાંયના, તે મહિલાઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. વાત જ્યારે જ્વેલરીની હોય તો આપણું ધ્યાન હંમેશાં લેટેસ્ટ ટ્રેન્ડ પર જાય છે કે કયા પ્રકારની જ્વેલરી ફેશનમાં છે.
એક જાણીતા જ્વેલરે જણાવ્યું કે તાજેતરમાં કયા પ્રકારની જ્વેલરી માર્કેટમાં ઉપલબ્ધ છે. તમે તમારા બજેટ અને પસંદ પ્રમાણે જ્વેલરી પસંદ કરી પોતાને ડિફરન્ટ લુકમાં પ્રસ્તુત કરી શકો છો.
એન્ટિક જ્વેલરીનો ક્રેઝ
એન્ટિક જ્વેલરીની ફેશન ક્યારેય જૂની થતી નથી. અત્યારે આવાં ઘરેણાં ખૂબ ટ્રેન્ડમાં છે. એન્ટિક લુકમાં ગોલ્ડની સાથે કુંદન, પોલકી અને મીના જડતરવાળાં ઘરેણાં ચલણમાં છે. ઓલ્ડ ડિઝાઈન્સમાં દામડી, ઝૂમર, વોરલા વગેરે મહિલાઓની પ્રથમ પસંદગી છે. હેન્ડિક્રાફટેડ ચિતાઈ વર્ક એન્ટિક જ્વેલરી સૌથી ખાસ છે. ફ્રિનિશ્ડ વર્કવાળી એન્ટિક જ્વેલરી પહેરીને તમે ફેશનેબલ લુક મેળવી શકો છો.
પ્લેટિનમની સાદગી
પ્લેટિનમની સાગદી તેની ખાસ ઓળખ છે. તાજેતરમાં પ્લેટિનમમાં ફ્લોરલ ડિઝાઈનોનું ચલણ છે. પ્લેટિનમમાં લવ બેન્ડ અને કપલ બેન્ડ ફેશનમાં છે. મેરેજ એનિવર્સરી પર એકબીજાને ગિફ્ટ આપવા માટે આ બેસ્ટ ઓપ્શન છે.
આ રિંગ્સની ખાસ વાત એ છે કે તેમાં પુરુષ અને મહિલા બંને માટે એક જ પ્રકારની ડિઝાઈન હોય છે. યુવાઓમાં યલો ગોલ્ડ અને પ્લેટિનમ ફ્યુઝન રિંગ્સનો ખાસ્સો ક્રેઝ છે. વર્તમાન સમયમાં ૧૮ કેરેટ ગોલ્ડની સાથે ઈન્ડોવેસ્ટર્ન ડિઝાઈનની પ્લેટિનમ રિંગ્સ, પ્લેટિનમ એરિંગ્સ અને પ્લેટિનમ પેન્ડન્ટ ફેશનમાં છે.
આજકાલ પ્લેટિનમ વોચિસ પણ ટ્રેન્ડમાં છે. એક સિંપલ પ્લેટિનમ વોચથી પણ તમે પોતાને એલિગન્ટ લુક આપી શકો છો.
હીરા છે સદા માટે
ડાયમંડ ઓલટાઈમ ફેવરિટ છે. ડાયમંડમાં સિંપલ અને સોબર ઘરેણાં ખાસ છે. અત્યારના સમયમાં ડાયમંડમાં રિંગ, પેન્ડન્ટ અને નથણીની ફેશન છે. લોટ્સ ડિઝાઈનની એરિંગ્સ અને ઈંગલ ડિઝાઈનની રિંગ્સ ટ્રેન્ડમાં છે.
કસ્ટમર્સને ક્રિસકૌસ ડિઝાઈનના યુનિક અને આકર્ષક ક્રાફટેડ કડા ખાસ્સા લોભાવી રહ્યા છે. ડાયમંડનાં ઘરેણાં દરેક પ્રકારના કપડાં પર સારા લાગે છે. તમે તેને ફોર્મલ અને કેઝ્યુઅલ બંને રીતે ડ્રેસિસની સાથે પહેરી શકો છો.
સોનાનું સોનેરીપણું
ગોલ્ડની ફેશન ક્યારેય જૂની થતી નથી. ભલે તેની કિંમત ગમે તેટલી કેમ ના વધી જાય. આજે પણ ગોલ્ડ જ બ્રાઈડની પહેલી પસંદ છે. ગોલ્ડમાં રાજકોટ ડિઝાઈન, સાઉથ ટેમ્પલ ડિઝાઈનના એરિંગ્સ અને ઝૂમકા ટ્રેન્ડમાં છે. ગોલ્ડમાં ટ્રેડિશનલ ડિઝાઈન, કુંદન જડિત ઘરેણાં, ઘૂઘરી કડા, પોલકી ડિઝાઈનના પેન્ડન્ટ અને બ્રાઈડલ સેટ ફેશનમાં છે.
ચાંદીની ચમક
અલગઅલગ વેરાઈટીનાં ઘરેણાં આવવા છતાં ચાંદીની ચમક ફિક્કી પડી નથી. હજુ પણ ચાંદી ફેશનમાં છે. ચાંદીમાં પરસોના ડિઝાઈન ફેશનમાં છે. વીટ વર્કના બ્રેસલેટથી તમે તમારા હાથની સુંદરતા નિખારી શકો છો. ચાંદીમાં ટો રિંગ્સ અને એન્કલેટ (પાયલ) પણ ફેશનમાં છે. ચાંદીમાં એરિંગ્સ અને ફુલ ડિઝાઈનની હેવી એરિંગ્સ ટ્રેન્ડમાં છે.
ફેશન ટ્રેન્ડ્સ
ઝૂમકા અને લાંબી એરિંગ્સ ફેશનમાં છે. ઝૂમકામાં મુગલ ડિઝાઈન અને ટેમ્પલ ડિઝાઈન મહિલાઓને લલચાવી રહી છે.
રાજામહારાજાઓના જમાનાની જ્વેલરી પણ હાલ ફેશનમાં છે. લગ્ન, પાર્ટી કે તહેવારોની સીઝનમાં આ પ્રકારની ડિઝાઈનવાળાં ઘરેણાં તમારી સુંદરતાને નિખારે છે.
મોટા, બોલ્ડ અને બ્રાઈડ ઘરેણાં આ વર્ષે સીઝનમાં છે. પોતાના ફેસકટને ધ્યાનમાં રાખીને જ આવી જ્વેલરી ખરીદો.
આજકાલ નથણીની પણ ફેશન છે. પોલકી, કુંદન, જડી નથણી અને પ્લેન નથણી બંને ઈન ફેશન છે.
પીકોક ડિઝાઈન એવરગ્રીન છે. પીકોક ડિઝાઈનના એરિંગ્સ અને પેન્ડન્ટ ફેશનમાં છે.
આ સીઝનમાં ફ્લાવર ડિઝાઈન ખાસ છે, જેમાં એરિંગ્સ, વીંટી અને કડા ફેશનમાં છે.
કુંદન જડિત રજવાડા ડિઝાઈનની પણ ખાસ્સી માંગ છે.
કોકટેલ રિંગ્સ પણ ટ્રેન્ડમાં છે. પેન્ડન્ટ અને એરિંગ્સની ફેશન છે. સાંજની પાર્ટીમાં આ પ્રકારની જ્વેલરી ફેશન સ્ટેટમેન્ટ છે.
આર્મ બેન્ડ, ટો રિંગ, પાયલ, હેર ક્લિપ, કમરબંધની પણ હમણાં ફેશન છે. આ બધા ગ્લેમરસ ઘરેણાં છે, જે તમને સેક્સી લુક આપે છે.
એનિમલ શેપ જ્વેલરી પણ ફેશનમાં છે. તે ખાસ કરીને જંગલ થીમ પર આધારિત હોય છે. આવા ઓર્નામેન્ટ્સ દિવસની કે સાંજની પાર્ટીમાં અલગઅલગ ડ્રેસની સાથે સરળતાથી કેરી કરી શકાય છે.
કોલેજ ગર્લ્સ માટે બટન એરિંગ્સ અને ચોકર બટન એરિંગ્સ ફેશનમાં છે. તેને ઈન્ડોવેસ્ટર્ન બંને પ્રકારના ડ્રેસિસ સાથે પહેરી શકાય છે. જો તમે સાડી પહેરી રહ્યા છો તો ચોકર બટન એરિંગ્સ તેના પર ખૂબ જામશે.
તો આ વખતે જ્યારે પોતાના માટે જ્વેલરી ખરીદવા જાઓ તો આ ટિપ્સને ધ્યાનમાં ચોક્કસ રાખો, કારણ કે તમારા સુંદર ડ્રેસની સાથે જ્યાં સુધી લેટેસ્ટ ટ્રેન્ડને મેચિંગ જ્વેલરી નહીં હોય ત્યાં સુધી પરફેક્ટ લુક નહીં મળે.