Get The App

આધેડ વયે પણ યુવાન દેખાવાના સરળ ઉપાય

Updated: Mar 16th, 2020

GS TEAM

Google News
Google News
આધેડ વયે પણ યુવાન દેખાવાના સરળ ઉપાય 1 - image


ચહેરા પર દેખાતી પ્રારંભિક કરચલીઓ કે માથામાં દેખાતો પહેલો સફેદ વાળ કોઇપણ મહિલાને ટેન્શનમાં નાખી દે છે. તેને પોતાની યુવાની હાથમાંથી સરી જતી લાગે છે. અને લાંબા વર્ષો સુધી યુવાન દેખાવાનું  કોનેે ન ગમે? પરંતુ વધતી જતી વયને કોણ રોકી શક્યું છે? અલબત્ત,શરીર પર દેખા દેતી પ્રૌઢાવસ્થાની નિશાનીઓને ચોક્કસ ઉપાયો વડે ધીમી પાડી શકાય ખરી. નિષ્ણાતો લાંબા વર્ષો સુધી યુવાન દેખાવાના ઉપાયો સૂચવતાં કહે છે..,

નિયમિત કસરત કરવાથી તનમન બંનેને ફાયદો થાય છે. દરરોજ  સવારના તમને ગમતી અને માફક આવે એવી થોડી કસરતો અચૂક કરો. તેનાથી રક્તપ્રવાહ સુચારુ રીતે ચાલે છે. પરિણામે સમગ્ર શરીરને પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ મળી રહે છે, વજન નથી વધતું, ગાઢ નિંદ્રા આવે છે અને ત્વચાની ચમક જળવાઇ રહે છે. 

કોઇપણ વયમાં પૂરતી ઊંઘ અત્યાવશ્યક ગણાય છે. આવી સ્થિતિમાં વધતી જતી વયમાં પૂરતા પ્રમાણમાં નીંદર કરવી અનિવાર્ય બની જાય છે. શારીરિક-માનસિક તાજગી જાળવી રાખવા દરરોજ  સાતથી આઠ કલાકની ઊંઘ લો. અપૂરતી નિંદ્રા રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે. અને તમે એક યા બીજી બીમારીનો ભોગ બનતાં રહો છો. જો તમે ગૃહિણી છો તો બપોરના સમયે થોડીવાર સુઇ જાઓ. અને જો તમે નોકરી-વ્યવસાય કરતાં હો તો સતત ખુરશી પર બેસી રહેવાને બદલે બપોરના વખતમાં થોડી સ્ટ્રેચિંગ કરી લો.

આકરો તડકો ત્વચાનો શત્રુ ગણાય છે. બળબળતા તાપમાં ત્વચા કાળી પડી જાય છે. તેના ઉપર ડાઘ-ધાબા પડે છે અને ઝડપથી કરચલીઓ પડવા લાગે છે. આવી  સ્થિતિમાં જો તમને તડકામાં ઘરથી બહાર નીકળવાની જરૂર પડતી હોય તો સનસ્ક્રીન લોશન અચૂક લગાવો. સાથે સાથે તડકાથી બચવા છત્રી, કેપ, સ્કાર્ફ ઇત્યાદિનો ઉપયોગ પણ કરી શકાય. યુવાન પરિણીતાઓ ગર્ભનિરોધક ગોળીઓ લેતી હોય કે કોઇ સ્ત્રીને થાઇરોઇડ હોય તોય તેની ત્વચા પર ડાઘ-ધાબા પડવાની ભીતિ રહે છે.આવી સ્થિતિમાં ચોક્કસ પ્રકારના ફેસ પેકથી ત્વચાને સુંવાળી રાખી શકાય છે. 

ત્વચા નિષ્ણાતો વિવિધ પ્રકારના ફેસ પેક વિશે માહિતી આપતાં કહે છે....,

બદામ, લીંબુ અને મધને મિક્સ કરીને ડાઘ-ધાબા પડયાં હોય ત્યાં લગાવો.થોડીવાર પછી સાદા પાણી વડે ચહેરો ધોઇ લો. તમે ચાહો તો પાંચેક બદામ ભીંજવી રાખો. હવે તેમાં ક્રીમ અને લીંબુના થોડાં ટીપાં  નાખીને પેસ્ટ બનાવી લો. આ મિશ્રણ ચહેરા પર અથવા ડાઘ-ધાબા પર લગાવીને પંદરેક મિનિટ સુધી રહેવા દો. ત્યાર પછી સાદા પાણી વડે આ પેસ્ટ દૂર કરી દો. તેવી જ રીતે જેના ચહેરા પર વધારે પડતાં ડાઘ હોય તેણે દરરોજ સ્નાન કરવાથી પંદરેક મિનિટ પહેલા ટામેટાંના રસમાં જવનો લોટ અને દહીં ભેેળવેલું મિશ્રણ લગાવવું. 

સંતરાની છાલને સુકવીને તેને ઝીણી દળી લો. તેમાં પાણી નાખીને પેસ્ટ બનાવો. આ મિશ્રણ ચહેરા પર લગાવીને સુકાવા દો. ત્યાર બાદ ચહેરો ધોઇ લો. અઠવાડિયામાં ચારથી પાંચ વખત આ પ્રયોગ કરો. 

એલોવેરા જેલ પણ ત્વચાને સુંવાળી બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.તમારી ચામડી ખરબચડી થઇ ગઇ હોય, તેના ઉપર ચીરા પડયાં હોય કે તે શુષ્ક થઇ ગઇ હોય તો એલોવેરા જેલનો પ્રયોગ કરો. તેનાથી ચામડી પર પડેલા ડાઘ પણ ઝાંખા  થઇ જાય છે. તમે ચાહો તો એલોવેરાના પલ્પનો ઉપયોગ પણ કરી શકો. 

દૂધમાં હળદર ભેળવીને ચહેરા પર લગાવો. ૨૦ મિનિટ પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઇ લો. આ સિવાય દૂધમાં થોડાં સફેદ તલ નાખીને ભીંજવી રાખો. હવે તેની પેસ્ટ  બનાવીને ચહેરા પર લગાવો. તે ત્વચાને સુંવાળી-કાંતિવાન બનાવે છે. 

આંખો નીચે આવતાં કાળા કુંડાળા પણ ચહેરાના સૌંદર્યને હણી નાખે છે.તેને કારણે વય વધુ દેખાય છે. આ સમસ્યા ટાળવા પૂરતી નીંદર, પૌષ્ટિક આહાર સૌથી જરૂરી છે. જો તમે પૂરતી ઊંઘ લેતાં હો, સ્વાસ્થ્યપ્રદ ભોજનની ટેવ કેળવી હોય તોય તમારી આંખો નીચે કાળા કુંડાળા દેખાવા લાગે તો શક્ય છે કે તમે રક્તાલ્પતાથી પીડાતા હો. શરીરમાં હિમોગ્લોબીનનું સ્તર જાળવી રાખવા ગાજર, બીટ, ખજૂર જેવા પદાર્થો નિયમિત રીતે લો.જો તમને લાગલગાટ કલાકો સુધી કમ્પ્યુટર પર કામ કરવાની જરૂર પડતી હોય તો વચ્ચે વચ્ચે થોડો વિરામ લો. તે વખતે આંખો પટપટાવો.

થોડીવાર માટે આંખો મીંચી રાખવી પણ રાહતદાયક પુરવાર થઇ શકે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી આંખ નીચેની ત્વચાની ભીનાશ જળવાઇ રહે છે. આ ત્વચા અત્યંત સંવેદનશીલ હોવાથી ઝટ શુષ્ક બની જવાની ભીતિ રહે છે. પરંતુ પૂરતું પાણી પીવાથી શરીરમાં જળની માત્રા જળવાઇ રહે છે. પરિણામે ચામડી સુકી થવાની  અને તેના પર કરચલીઓ પડવાની પ્રક્રિયા ધીમી પડે છે. 

ખાવાપીવાની ખોટી ટેવો પણ ઝટ ઘડપણ આણે છે. તળેલાં, તીખાંતમતમતાં ,ગળ્યાં કે મેંદામાંથી બનાવેલા ખાદ્ય પદાર્થો આપણી પાચન ક્રિયાને સીધી અસર કરે છે. તેને કારણે શરીર પર ચરબીની થર જામે છે.પરિણામે શરીરમાં ઘડપણની નિશાનીઓ ઝટ દેખાવા માંડે છે. બહેેતર છે કે નિયમિત રીતે તાજાં ફળો-શાકભાજી, સુકો મેવો, દૂધ, દહીં જેવો પૌષ્ટિક આહાર લો. તેનાથી ત્વચા કરચલીરહિત રહેવા સાથે ફિટનેસ પણ જળવાઇ રહેશે.

સામાન્ય રીતે માનુનીઓ પોતાના ચહેરાની જેટલી કાળજી લે છે તેટલી હાથની નથી લેતી. અને વધતી જતી વય સાથે હાથ પર ઝપાટાભેર કરચલીઓ દેખાવાનું શરૂ થઇ જાય છે. આ સમસ્યા દૂર કરવી ખાસ અઘરી નથી. હાથ પર હેન્ડ ક્રામનો ઉપયોેગ કરો. ખાસ કરીને કપડાં કે વાસણ ધોયા પછી ડિટરજન્ટમાં રહેલાં રસાયણો ત્વચાને ઝટ શુષ્ક બનાવે છે. તેથી આવા કામ કર્યાં પછી હેન્ડ ક્રીમ લગાવો. શિયાળાની ઋતુમાં હાથ પર વારંવાર મોઇશ્ચરાઇઝર લગાવતાં રહો. હાથ પરની મૃત ત્વચા દૂર કરવા લીંબુ અને સાકરમાંથી બનાવેલા સ્ક્રબનો ઉપયોગ કરો. 

તળેલાં, તીખાંતમતમતાં, ગળ્યાં કે મેંદાવાળા ખાદ્ય પદાર્થો આપણી પાચનક્રિયાને સીધી અસર કરે છે. તેને કારણે શરીર પર ચરબીના થર જામે છે. પરિણામે ઘડપણની નિશાનીઓ ઝટ દેખા દે છે. બહેતર છે કે તાજાં ફળો-શાકભાજી, સુકો મેવો, દૂધ, દહીં જેવો પૌષ્ટિક આહાર લો. તેનાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ અને ફિટનેસ પણ જળવાઇ રહે છે.

વય વધવા સાથે વાળ પણ ઝડપથી ખરવા લાગે છે. પરંતુ પૌષ્ટિક આહાર, પૂરતી ઊંઘ ઉપરાંત માથામાં નિયમિત તેલ માલીશ, પ્રોટીન પેક, હીના પેક વાળને સ્વસ્થ-સુંવાળા-કાળા રાખવામાં મદદ કરે છે. 

સ્નાન કરતી વખતે પાણીમાં લવંડર, પિપરમિન્ટ કે બેસિલ જેવા એસેન્શિયલ ઓઇલના થોડાં ટીપાં નાખવાથી શારીરિક-માનસિક તાણ દૂર થાય છે. અને જ્યારે તમે તનમનથી હળવા રહો ત્યારે વધતી વયની નિશાનીઓ આવવાની પ્રક્રિયા આપોઆપ ધીમી પડે છે.

- વૈશાલી ઠક્કર

Tags :