ફેશનિસ્ટોને પ્રિય પરંપરાગત ચાંદલા
પશ્ચિમી પોશાક સાથે પણ બિંદી લગાવવાનો ટ્રેન્ડ
ચાંદલા કે બિંદી ભારતીય માનુનીના શણગારમાં મહત્વનું સ્થાન ધરાવે છે. જ્યારે પરિણીત સ્ત્રી માટે તો તે સુહાગની નિશાની લેખાય છે.એક સમયે વિવાહિત મહિલાઓ કપાળની વચ્ચોવચ્ચ આઠઆની જેવડો કંકુનો ચાંદલો કરતી. સમયાંતરે ફેશન બદલાતાં ચોંટાડી શકાય એવા ચાંદલા ઉપલબ્ધ બન્યાં. ત્યાર પછી તો બિંદીમાં સંખ્યાબંધ વિવિધતા આવવા લાગી. પરંતુ સાડીના સ્થાને પંજાબીસુટ કે અન્ય ડ્રેસ પહેરવાના ચલણને પગલે ચાંદલા લગાવવાની પરંપરા ઝંખવાવા લાગી.
મહિલાઓ માત્ર પ્રસંગોપાત સાડી પહેરે ત્યારે જ તેની સાથે મેચ થતાં ચાંદલા કરતી. અલબત્ત, ગ્રામ્ય વિસ્તારોમાં સાડી અને ચાંદલાની પ્રથા હજી સુધી ટકી રહી છે. પરંતુ ફેશનિસ્ટોને નીતનવા ટ્રેન્ડ લાવવા હોય ત્યારે અગાઉની ફેેશન કે પરંપરા જ ફરી ફરીને દેખા દે. બિંદી બાબતે પણ એમ જ થયું. હમણાં હમણાં બોલીવૂડ અભિનેત્રીઓ તેમ જ રેમ્પ પર વૉક કરતી મોડેલોના કપાળે વિવિધ પ્રકારના ચાંદલા જોવા મળે છે. જોકે કયા પોશાક સાથે કેવો ચાંદલો કરવો તેની કોઠાસૂઝ હોવી જરૂરી છે. આવી સ્થિતિમાં કેટલીક વખત તેમને તેની ગતાગમ ન પડે તો તેમનો લુક બગડી જાય છે.
થોડા સમય પહેલા ક્રીતિ સેનને કરેલા ચાંદલાની જ વાત કરીએ તો તેણે ઓફ્ફ વાઇટ કલરના ફ્લેપવાળા ફ્લોઇંગ ગાઉન સાથે આઠઆના જેવડો ગોળ-મરૂન ચાંદલો કર્યો હતો. તેમાં વળી તેણે વચ્ચે પાથી પાડીને વાળ ખુલ્લા રાખ્યાં હતાં. આ લુક તેને જરાય નહોતો શોભતો. વાસ્તવમાં આ લુક ગાઉન માટેનો નહીં, બલ્કે પરંપરાગત રીતે પહેરાતી સાડી માટેનો હતો. જો તેણે એક બાજુ પાથી પાડીને વાળ ખુલ્લાં રાખવા સાથે સાવ જ નાની બિંદી લગાવી હોત તો તેનો દેખાવ ખીલી ઉઠત.
ફેશનિસ્ટો કહે છે કે જો તમને આ પ્રકારના પોશાક સાથે બિંદી લગાવવી જ હોય તો સાવ જ નાની બિંદી લગાવો. તે પણ કપાળની બિલકુલ વચ્ચે નહીં, બલ્કે આઇબ્રોની સહેજ ઉપર. જો તમને આંખે ઉડીને વળગે એવો ચાંદલો લગાવવો હોય તો લાંબી બિંદી લગાવો.જોકે આવા ડ્રેસ સાથે કાં તો ચાંદલો કરવો જ નહીં, અને કરો તો એટલો બધો આકર્ષક ન કરવો કે લોકોનું ધ્યાન તમારા પોશાક પરથી ખસીને બિંદી પર અટકી જાય.તેઓ વધુમાં કહે છે કે શક્યત: મરૂન ચાંદલો કરવાનું ટાળો. આ રંગ નવવધૂ માટે બાકી રાખો. નવોઢાને આવા ચાંદલા સાથે કાનમાં મોટા ઝૂમખાં પણ ખૂબ સુંદર લાગશે. પરંતુ અન્ય મહિલાઓએ આકર્ષક ચાંદલા અને ઝૂમખાનું સંયોજન ટાળવું.
કોઇપણ નવવધૂ માટે સરસ મઝાનો ચાંદલો ફરજિયાત ગણાય. ખાસ કરીને મરૂન રંગનો. આવી બિંદીમાં નવોઢા ખીલી ઉઠે છે. નવોઢાના ઘરેણાં પણ ભારે હોવાથી તેની બિંદી આંખે ઉડીને વળગે એવી હોવી જોઇએ.કદાચ તેથી જ આપણે ત્યાં દુલ્હનૂના શણગારમાં પીર મહત્વની બની રહે છે.
લગ્નમાં આવનારી અન્ય મહિલાઓ પોતાની સાડી કે અન્ય પોશાકને અનુરૂપ ચાંદલા લગાવી શકે. જો કોઇ યુવતી ચાંદલો કરવા ન માગતી હોય તો મોટો ટીકો પહેરી લે. આમ કરવાથી કપાળ ભર્યું ભર્યું લાગશે.જો તેઓ ચાંદલો કરે તો તેમની એક્સેસરી તેને મેચ થતી હોવી જોઇએ.
સામાન્ય રીતે પશ્ચિમી પોશાક સાથે યુવતીઓ બિંદી કરવાનું ટાળે છે. પરંતુ તમે ચાહો તો ટી-શર્ટ અને ડેનિમ સાથે કપાળ પર નાનકડો ચાંદલો ચોંટાડી શકો. અલબત્ત, તમારું ટી-શર્ટ સિંગલ રંગનું હોવું જોઇએ. કલરફુલ ટી-શર્ટ સાથે ચાંદલો સારો નહીં લાગે. ચાંદલાની પસંદગી કરતી વખતે તમારા ચહેરાનો આકાર પણ ધ્યાનમાં લો. જો તમારો ચહેરો હૃદયાકારનો હોય તો તમારા કપાળે ગોળ બિંદી શોભશે. પરંતુ લાંબો ચહેરો ધરાવતી યુવતીએ લાંબો-પાતળો ચાંદલો કરવો.
ચાંદલાનો ઉઠાવ લાવવા અન્ય મેકઅપ સાવ આછો રાખો. જો તમે આઇશેડો સાથે ચાંદલો કરશો તો બંનેમાંથી એકે શણગાર ઉડીને આંખે નહીં વળગે. તેથી બિંદી કરવી હોય તો માત્ર આઇલાઇનર લગાવો. આઇશેડો લગાવવાનું ટાળો. આ સિવાય ચાંદલાના રંગ સાથે શોભી ઉઠે એવી લિપસ્ટિક લગાવો.
તમને જાણીને આશ્ચર્ય થશે કે હવે હિપ્પી લુકના શોખીનો પણ ચાંદલા ચોંટાડતા થયાં છે. જગતભરમાં મ્યુઝિક ફેસ્ટિવલ્સમાં હિપ્પી લુક સામાન્ય છે. હવે આવા કાર્યક્રમોમાં ભાગ લેતી મહિલાઓ પણ ચાંદલા કરવા લાગી છે. મઝાની વાત એ છે કે તેમને આપણી નવવધૂઓ લગાવે એવી પીર પણ અત્યંત પ્રિય છે. ઘણાં મ્યુઝિક ફેસ્ટિવલ્સમાં મહિલા પરફોર્મર્સ પીર લગાવતી જોવા મળી છે.
- વૈશાલી ઠક્કર