વાચકની કલમ .
આવો નમન કરીએ
પ્રત્યેક વ્યક્તિમાં ખુદા છે,
આવી દ્રષ્ટિ રાખી આવો નમન કરીએ...
મળે જે સામે ભલે જવા હોય તેવા,
બે હાથ જોડી આવો નમન કરીએ...
સારી નજરથી જોશો તો,
ખુદા જરૂર દેખાશે એક દિવસ,
આવો નમન કરીએ...
ભલે દર્શન નથી આપ્યા
ખુદાએ ક્યારેય કળિયુગમાં,
પણ સાચા હૃદયથી આવો નમન કરીએ...
સાચા અને સારા માણસને
ખુદા સદા ઓળખે છે,
માટે કામ, ક્રોધ, લોભ, મોહ,
ઈર્ષા મુકી આવો નમન કરીએ...
નરેશ દામોદરા
(લુણીધાર, અમરેલી)
સ્વાર્થી ભ્રમર
સુમન!
તારામાં રૂપ છે, રંગ છે,
રસ છે, ગંધ છે -
માટે જ તું સૌને ગમે છે.
આ બધું છે તેથી -
ભ્રમર ગૂંજ્યા કરશે,
આસપાસ રસ ચૂસવા,
ને પછી ફેંકી દેશે
શેરડીના સાંઠાની જેમ,
ડૂચો કરીને!
કોઈ સુંદરીને કહી દે,
નામ છે,
એ ભ્રમરનું
દુનિયા સ્વાર્થી દુનિયા.
સુમન ઓઝા
(ખેરાલુ)
સદ્ભાવનાની સરિતા
ઈર્ષ્યા છે, વેરઝેર છે,
ક્રોધ છે, અભિમાન છે.
નફરત છે, લોભ લાલચ છે,
સૌના સ્વભાવમાં
દયા નથી, લાગણી નથી.
સદ્ભાવના નથી, સ્નેહ નથી
સૌના વર્તનમાં
દુ:ખ દર્દ ક્યાંથી ટળે?
આશા અરમાન ક્યાંથી ફળે?
શાંતિ મનને ક્યાંથી મળે?
ટેન્શનમાં રહે છે સૌ - પળે પળે,
વિચાર કરો, પ્રભુની પ્રસન્નતા
ક્યાંથી થાય જીવમાં?
સતીશ ભુરાની
(અમદાવાદ)
એક જ વિષય છે તુ
ખૂબ લખ્યુ
'તુ' નામનાં
મહાકાવ્યના વિષયે
એક અસ્તિત્વ છે
એક વ્યક્તિત્વ છે
સહજ અલગ મારુ
ને લખી લખી ઉતારવુ
એક જ 'તુ' નામનો વિષયે
દિન પ્રતિદિન વર્ષો વર્ષ
એ ભાવ લાગણી પ્રેમ
સમંદર થૈ
છલક્યો નિત
પછી...
આજે લાગે છે જાણે
કોઈ શીખવી ગયું
એ લખેલા કાગળનું વિમાન
ઉડાડવાનું એને...
પણ એને ક્યાં ખબર છે
મારી લાગણીઓ તો
રોજ ક્રેશ થાય છે
તારી યાદોનાં રનવે ઉપર
શાંત છે વાતાવરણ તોય...
'મીત' (સુરત)
સ્મીત આપી, તો જો
તારા મન મોહક ચહેરાને
સ્મિત તો આપી જો,
સંસાર સાગર પાર કરવાને
તરાપો તો બની જો.
નકારાત્મક વિચારોને
હકારમાં તો બદલી જો,
પ્રેમાળભર્યું વાતાવરણ
તારા હૃદય ઉરમાં છલકાવી જો.
ઉદાસીનતાની ઓથાર
નીચેથી નીકળી તો જો,
તૃષાતુરના હૈયાને એકાદ
પ્રેમાળ શબ્દથી નવાજી તો જો.
ઉપવને કલરવ કરતાં મોર,
પપીહાને કોયલને સમજી તો જો,
પ્રેમાળભર્યું વાતાવરણ
જીવન ઉપવને બનાવી તો જો.
ભાવનાઓના ઘોડાપૂરને
યુવાનીના ઉંબરે દોડાવી તો જો,
દારુણ દુ:ખભરી દાસ્તાન
કોઈને સંભળાવી તો જો.
પ્રેમાળ નયનોની અમી
દ્રષ્ટિ તો પ્રેમ થકી નાખી તો જો,
ગાલોના ખંજનોમાં સ્નેહાળ
સ્મિત તો પાથરી જો.
પરેશ જે પુરોહિત
(કલોલ)
વિધિએ લખ્યાં લેખ એવાં
મારી કિશ્મતમાં ચાર બૈરાં
બે તો હતી શિવની પૂજારન
તીસરી મળી મહાકાળીનો અંશ
ચોથીની ન પૂછશો વાત
ગામ માથે ધિંગાલાં કરે
સમાજ કેરા નિયમ પ્રમાણે
ચોથે પૂરાયા ચોક ચાર
બૈરાં પર ન ભરોશો કરવો
કહી ગયો મારો પાલનહાર
પ્રલેયને મળી ગયા ભરથાર
ભડકે બળ્યો મારો સંસાર
ગઈ જુવાની ઘડપણ આવ્યું
કામભરોશે ગાડું ચાલ્યુ
કોણ લેશે મારી સંભાળ
કોણ ઉઠાવશે મારી નનામિ
સંસાર ત્યજી મહાદેવ પણ
બેસી ગયો કૈલાશ પર્વત પર
કાળા માથાનો માનવી હુ તો
ફયાસ ગયો માયાઝાળમાં
સાચી કહુ દિલની વાત
નથી બનવું ભૂત-પિશાચ
જપુ છું હું તો શિવની માળા
સદાય રહેવું તેમની સંગાથ.
રામજી ગોવિંદ કુંમડિયા
(વિદ્યાવિહાર, મુંબઈ)
રાધા-કૃષ્ણ=મીરાં-શ્યામ
બ્રહ્માંડમાં સૌથી વધારે પ્રિય નામ શ્રીકૃષ્ણ!
જેને સૌ વધારે પ્રેમ કરે વ્હાલ કરે
એવા શ્રીકૃષ્ણ.
કૃષ્ણ એટલે સૌને ગમે એનો
હસતો સુંદર ચહેરો!
કૃષ્ણના હજારો નામ તેમા સૌને ગમે એવા
ખાસ નામ-ઘનશ્યામ, મોહન,
માધવ, શ્યામ!
કૃષ્ણના રહેવાના સ્થળ, ગોકુળ,
વૃંદાવન, મથુરા, દ્વારકા
રાધા એટલે પવિત્ર સુંદર પ્રેમની પરાકાષ્ઠા!
મીરા એટલે કૃષ્ણ માટે મિલનની આરજૂ
મીરાં એટલે શ્યામ માટે વિરહની વેદના!
રાધા એટલે પ્રેમ દિવાની, પ્રેમની દેવી,
મીરા એટલે પ્રેમ પુજારણ, પ્રેમની પ્યાસી!
શુદ્ધ પ્રેમનું સર્વોત્તમ શિખર એટલે રાધાજી
રાધાજીનું નામ હૃદયને શાતા આપનારુ છે!
જેણે કૃષ્ણના નામની માળા પહેરી હોય,
માધવના નામની વીંચી
પહેરી હોય એ મીરાંએ
જીવનભર શ્યામની પ્રતિક્ષા કરી છે!
મીરાં અને શબરીની પ્રતિક્ષાની
તોળે કોઈ ન આવે!
એક પ્રેમની દેવી, બીજી પ્રેમ દિવાની, એક મિલનની આરજુ બીજી વિરહની વેદના!
રુકમણી પાસે સાનિધ્ય છે રાધાજી પાસે સ્મરણ છે મીરાં પાસે રચણ છે!
જગદીશ બી.સોતા
(મુલુંડ, મુંબઈ)
અમે
અમે તો વાદળ છીએ...
જરાક ટહુકશો ત્યાં વરસી પડશું...
અમેં તો બીજ છીએ...
જરાક સીચશો ત્યાં અંકુરી પડશું...
અમે તો પંખી છીએ...
જરાક વગડો બનશો ત્યાં ઉમટી પડશું...
અમે તો ઘેલા છીએ...
જરાક બોલાવશો ત્યાં ઉભરી પડશું...
અમે તો ઋજુ છીએ...
તમે જરાક દુ:ખી થશો ત્યાં રડી પડશું...
જસમીન દેસાઈ ''દર્પણ''
(રાજકોટ)
અપ્સરા
આબેહૂબ શિલ્પસી અપ્સરાં,
સાચા રૂપમાં... ખીલી જ ધરાં.
સ્થિતિ પ્રજ્ઞા થયા સૌ... રૂપથેલાં,
દીપી ઊષ્માં મહેલોને છાપરાં.
થીજી ગયાં ઈચ્છાના રક્તકણો,
હૃદયથી વરસ્યા છે તિક્ષ્ણ કરાં.
કાગજ, કલમ સ્પંદનો પૂજા કરે,
પાંપણ ઝીન ખોલવા થ્યાં બ્હાવરાં.
કૈ તિજોરી આ સૌંદર્યને સાચવે?
ચાંદની થૈ ફેલાવો સંકેતો આંકશે.
વિનોદચંદ્ર બોરીચા (બીનું)
(મુંબઈ)