Get The App

કાચબાનું મોત કાચબાની મોજ .

Updated: Jun 13th, 2025

GS TEAM

Google News
Google News
કાચબાનું મોત કાચબાની મોજ                                      . 1 - image


- પાણીનું ભૂત લાગે છે. પાણીનો ચોર કે ડાકુય હોય. એને પકડો, એને કાઢો, એને મારો, એને હાંકો.'

- પાણીનો એ ભૂત તરત હાથમાં આવી ગયો

- ચૂલામાં નાખો, પહાડ પર ફેંકો, જોરથી પછાડો,

- હરીશ નાયક

રાજકુમારીને પાણી ગમે, પાણીમાં નહાવાનું ગમે, રમવાનું ગમે, છબછબિયાં ગમે, પાણી ઉડાડવું ગમે.

રાજાજીએ મોટો હોજ બનાવી દીધો. રાજકુમારીને કહે ; 'હવે નિરાંતે નહાજો, મઝા કરજો.'

રાજકુમારી સાહેલીઓ સાથે મઝા જ કરતી હતી.

સાહેલીઓ કહે ; 'કુંવરીબા! પાણીમાં થોડી વધારે મઝા હોય તો?'

'વધારે મઝા?' રાજકુમારી કહે ; 'તે વળી કેવી?'

'રાજાજીને કહીએ, ચાલો.'

રાજકુમારી સાહેલીઓ સાથે રાજાજી પાસે ગઈ કહે ; 'અમારે વધારે મઝા જોઈએ, પાણીમાં.'

રાજાએ સભા ભરી. તેઓ કહે ; 'પાણીમાં વધારે મઝા કેવી હોય?'

દરબારીઓ કહે ; 'માછલીઓ.'

'હાહાહાહા...' રાજાજીએ હસી દીધું. પાણીમાં નાની મોટી રંગબેરંગી માછલીઓ આવી ગઈ, વધારે મઝા થઈ ગઈ પણ...

માછલી સાથે એક કાચબો આવી ગયો.

હવે કાચબો કોઈએ જોયેલો નહિ. તે તો માથું બહાર કાઢે, અંદર ખેંચી લે. પાણીની ઉપર આવે, નીચે જતો રહે. વળી પાળી પર આવે કે પગથિયે બેસે.

દીકરીઓ ડરી ગઈ. હોજમાં નહાવાનું ઓછું થઈ ગયું. રાજાજી સુધી ફરિયાદ પહોંચી ; 'રાજાજી, રાજાજી, પાણીમાં કંઈક છે.'

'શું છે?'

'સૂરસૂરિયું.'

'તે વળી શું?'

'મોઢું બહાર કાઢે, અંદર ખેંચી લે છે. ઉપર આવે, નીચે જાય. અમને તો ડર લાગે છે. એ સૂરસૂરિયાથી અમને બચાવો. પાણીનું ભૂત લાગે છે. પાણીનો ચોર કે ડાકુય હોય. એને પકડો, એને કાઢો, એને મારો, એને હાંકો.'

રાજાજીએ દરબારીઓને ભેગા કરી દીધા. પૂછી જોયું ; 'સૂરસૂરિયાને હાજર કરો!'

બધા ડરતા હતા, પણ કામ સહેલું હતું. પાણીનો એ ભૂત તો તરત હાથમાં આવી ગયો. કાચબાને દરબારમાં રજૂ કરી દેવાયો.

રાજા કહે ; 'મારો એને, મારી નાખો.'

પણ મારવો કેવી રીતે?

એક કહે ; 'એને તીરથી મારો...'

'તલવારથી તલવારથી બીજો કહે.'

'ગરમ પાણીમાં જ શેકી નાખો ને.' વળી કોઈકે કહી દીધું.

'ચૂલામાં નાખો, પહાડ પર ફેંકો, જોરથી પછાડો, ફાંસીએ દો....' જાતજાતના ઉપાયો આગળ થયા પણ એક દરબારીનો દીકરો

નદીમાં ડૂબી ગયો હતો. તે કહે ; 'એને નદીમાં ફેંકી દો. પાણીમાં ઝબકોળી દો. રેલમાં તણાવી દો, વહેણમાં વહાવી દો.'

હમણાં સુધી ચૂપ રહેલો કાચબો કહે ; 'ભલા માણસો, ઉદાર માણસો, ઉપકારી માણસો, મારો એવો શો ગુનો છે કે મને પાણીમાં ફેંકી દો છો? બીજી કોઈ પણ રીતે મરવા હું તૈયાર છું, પણ મને પાણીમાં ન મારો. નદીમાં નહિ જ. હું હોજમાં ડરતો હતો. એટલે જ બહાર આવી જતો હતો. ના, મને પાણીમાં પાછો નાખશો નહિ. એટલા ઘાતકી ન બનશો. દયા કરો, દયા કરો....'

રાજાજી કહે ; 'એનું મોત પાણીમાં જ છે, નાખો એને પાણીમાં.....'

'વહેતા પાણીમાં....'

'દૂર દોડી જતા પાણીમાં....'

'નદીના પાણીમાં....'

'દરિયાના પાણીમાં....'

બધાંએ ભેગા થઈને કાચબાને ઉપાડી લીધો. હેઈસાં હેઈસાં કરતાં તેઓ નદીએ ગયા અને ફેંકી દીધો કાચબાને પાણીમાં. તે જે જગાએથી આવી ગયો હતો. તે જગાએ પાછો પહોંચી ગયો.

પોતાના સાથીઓને, કુટુંબકબીલાને મળીને તે કહે;

'મૂરખ લોકો, મૂરખ લોકો

જુઓ કેવા મૂરખ લોકો...

કાચબાને ફેંકે પાણીમાં લોકો

ડારવાને, મારવાને, મૂરખ લોકો

કાચબાની સહેલ છે પાણીમાં, લોકો

કાચબાની મોજ છે પાણીમાં, લોકો

કાચબાનું જીવન છે કાચબાનું સરગ

પાણી પાણી છે પાણી, ઓ લોકો!' 

Tags :