mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સાચો કર્મયોગી : ભગવાન સાથે સંબંધ જોડવાથી હંમેશા સુખ મળે છે

Updated: Jul 21st, 2021

સાચો કર્મયોગી : ભગવાન સાથે સંબંધ જોડવાથી હંમેશા સુખ મળે છે 1 - image


- ભગવાન સાથે સંબંધ જોડવાથી હંમેશા સુખ મળે છે. તેઓ કદાપિ આપણો ત્યાગ કરતા નથી. બધા જ કર્મો ઇશ્વરને અર્પણ કરી દો.

ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવત્ ગીતામાં 'કર્મયોગ'ની સુંદર અને સૂક્ષ્મ વ્યાખ્યા કરી છે. કર્મો આપણને બંધનમાં બાંધે છે તેમજ કર્મોની શૃંખલા નિરંતર ચાલતી જ રહે છે. કર્મોનું પરિણામ પણ અવશ્ય ભોગવવું પડે છે સારા કર્મોનું પરિણામ શુભ અને કુકર્મોનું પરિણામ હંમેશા દુઃખદાયક જ હોય છે.

જીવાત્મા શરીર રહે ત્યાં સુધી કોઈને કોઈ કર્મ કરતો જ રહે છે. અને કર્મફળની શૃંખલા જન્મજન્માંતરો સુધી ચાલતી રહે છે. આથી એક પ્રશ્ન થાય કે શું કર્મબંધનમાંથી કદાપિ મુક્ત થઈ જ ન શકાય ? ભગવાન આના ઉપાય તરીકે બતાવે છે,' કર્મયોગ' કર્મ એવી રીતે કરવું જોઈએ કે કર્મ કરવા છતાં આપણે તેનાં બંધનમાં ન બંધાઈએ. આ ઉલ્લેખ ઇશાવાસ્યમિદં સર્વ.. શ્લોકમાં મળે છે. આ સમગ્ર જગત ઇશ્વરની સત્તાથી, ઇશ્વરીય ચેતનાથી વ્યાપ્ત છે. ઇશ્વરે જ આ જગત બનાવ્યું છે. આપણે કર્મયોગના સૂત્રો વિશે ચિંતન કરીએ.

૧) આસક્તિનો ત્યાગ : ત્યાગપૂર્વક, અનાસક્તિ પૂર્વક સુખોનો ઉપભોગ કરવો. ગીધ પક્ષી લાલચું હોય છે તે સડેલા મડદાના માંસ પ્રત્યે પણ આસક્ત થઈ જાય છે. આવી ગીધ જેવી દૃષ્ટિ આપણી અંદર ન આવવી જોઈએ. જો આસક્તિ નહિ હોય તો તે કર્મ આપણને બંધનમાં બાંધી શકે નહિ. આ આસક્તિને કારણે જ માણસે તેનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે. આસક્તિ જ બધા વ્યાધિઓનું મુશ્કેલીઓનું મૂળ છે.

મહાભારતમાં ભીષ્મપિતાની વાત આપણે જાણીએ છીએ. તેઓ પ્રતિજ્ઞાા અને વચનોથી બંધાતા ગયા. પોતાના પરિવારની આસક્તિથી બંધાતા રહ્યા કે ક્યાંક મારા પરિવારમાં અનર્થ ન થઈ જાય, અનિષ્ટ ન થઈ જાય. આવું વિચારવામાં જ ભીષ્મપિતામહ આસક્તિના બંધનોમાં બંધાતા ગયા. ખરેખર તો રાજા બનવાનો અધિકાર તો તેમનો હતો. પરંતુ આસક્તિ અને પિતાને આપેલા વચનને કારણે તેમનું સમગ્ર જીવન કાંટાઓથી ભરેલું અને દુઃખદ રહ્યું. છેવટે તેમણે બાણશૈયા ઉપર સુવુ પડયું. ખોટી આસક્તિ જ ન હોય તો કોઈ પણ જાતનું બંધન આપણને બાંધી શક્તું નથી.

૨) રાગ તથા દ્વેષનો ત્યાગ : ' કર્મયોગનું બીજુ સૂત્ર છે, 'રાગ તથા દ્વેષનો ત્યાગ. રાગ એટલે કોઇના પ્રત્યે સારો ભાવ પોતાપણાની ભાવનાને 'રાગ' કહેવામાં આવે છે. જે આપણને કોઈ વ્યક્તિ, વસ્તુ કે ઘટના સાથે બાંધે છે. જ્યારે 'દ્વૈષ' આપણને તેનાથી દૂર લઈ જાય છે. તેના પ્રત્યે વિરકિત પેદા કરે છે. આ પ્રેમ એ રાગ છે અને વેર એ દ્વેષ છે. આ બન્ને બાબતો બંધનમાં બાંધે છે, જે બીજા જન્મમાં તે સાથે આવશે. આ બંધન એક જ જન્મમાં પુરુ થઈ જતું નથી. આથી 'રાગદ્વેષ'નો ત્યાગ કરીને કર્મ કરવું એ જ કર્મયોગ.

૩) કર્તાપણાનો ત્યાગ : આ કર્મયોગનું ત્રીજુ સૂત્ર છે. ક્રિયાનું પરિણામ નથી હોતું. પરંતુ કર્મનું પરિણામ હોય છે. 'હું પણું' હોય છે ત્યાં સુધી મનુષ્યમાં અહંકાર રહે છે.

અહંનો તથા કર્તાપણાનો ભાવ ન હોય એવું કર્મ મનુષ્યને કર્મના બંધનમાં બાંધતુ નથી. કર્મ કરનાર કોણ છે અને કર્મ ક્યાંથી આવી રહ્યા છે. તે આપણે જોઈ શક્તા નથી. અંતરાત્મા કદાપિ કર્મમાં લિપ્ત થતો નથી અને તેનાથી કોઈ કર્મ થતું નથી. કર્મનો ખેલ તો પ્રકૃતિના સત્, રજ, તમ ત્રણ ગુણ અને ચિત્તની વૃત્તિઓ દ્વારા જ થાય છે. અને આપણાં ચિત્તમાં આ ત્રણે ગુણો હોય છે.

તમે એવું માનો છો કે તમે કર્મ કરી રહ્યા છો તમે કોણ છો ? શું તમે ઇન્દ્રિયો છો ? શરીર છો ? ચિત્ત તથા મન છો ? બુધ્ધિ તથા અહંકાર છો ? શરીર છો ? કે તમે ઇશ્વરના અંશ રૃપ આત્મા છો ? મનુષ્યને સાચું ભાન અને સાચું જ્ઞાાન હોય તો તેને સમજાશે કે કર્મ તેના દ્વારા થઈ રહ્યું નથી. કર્મ પ્રકૃતિમા જ થઈ રહ્યું છે. કોઈપણ કર્મ જીવાત્માને અંતરાત્માને સ્પર્શતું નથી. પરિણામ પણ તેને સ્પર્શતું નથી. આથી કર્તાપણાના ભ્રમનો ત્યાગ કરી દેવો. આમ કરવાથી સાચા અર્થમાં 'કર્મયોગી' બને છે.

૪) સમતાનો ભાવ : 'કર્મયોગ'નું ચોથું સૂત્ર છે. 'સમતાનો ભાવ' સદ્ આ પોતાના તથા પારકાનો ભાવ ઉત્પન્ન કરે છે. કોઈ પોતાનું કે પરાયુ હોતું નથી. મનનો રાગદ્વેષ દૂર થાય તો સમતા ભાવ જાગશે. ભગવાન કહે છે જે મને સર્વત્ર જુએ છે તે સાચો કર્મયોગી છે. સમતાની જે સ્થિતિમાં જે કર્મ કરવામાં આવે છે તે કર્મયોગી બની જાય છે.

૫) કુશળતાપૂર્વકકર્મઃ યોગઃ કમસુ કૌશલમ્, કુશળતા પૂર્વક કર્મ કરવું. આ પાંચમાં સૂત્ર માટે  તન તથા મન બન્નેને એકાગ્ર કરવા જોઈએ. પરંતુ કાયમ આવું થઈ શક્તું નથી. આપણે સપના જોઈએ છીએ અને માત્ર ફળની આશા રાખીએ છીએ. જેમકે પરીક્ષાની તૈયારી વખતે આટલા ટકા આવશે, ખૂબ આનંદ થશે, ઘરવાળા ખુશ થશે, નોકરી મળશે, સારો પગાર આવશે વગેરે. આમ કર્મ સાથે સપના જોડાઈ જાય છે. ફળની અપેક્ષામાં મન વિખરાઈ જાય છે. આથી ભગવાન શ્રીકૃષ્ણ ફળની ઇચ્છા વગર કર્મ કરવાનું કહે છે. આપણે એવું વિચારી એ છીએકે ફળની ઇચ્છા ન રાખીએ તો પછી કર્મ શા માટે કરીએ ?

આપણે લોભ કે ભયને કારણે કર્મ કરીએ છીએ. સાચો કર્મયોગી લોભ અને ભયથી પર હોય છે. તે સંપૂર્ણ મન દઈને પૂરેપૂરી તલ્લીનતાથી પોતાનું કામ કરે છે. આપણે કર્મ તો કરવું જોઈએ પરંતુ બંધનમાં બંધાવું ન જોઈએ. આજ કર્મની કુશળતા છે.

૬) કર્મો ભગવાનને અર્પણ કરવા : છઠ્ઠા સૂત્ર મુજબ બધા કર્મો ભગવાનને અર્પણ કરી દો. ભગવાનથી વધારે પ્રિય કોઈ નથી. ભગવાન કહે છે, ' તું જે ખાય છે, હવન કરે છે, દાન કરે છે, તપ કરે છે. સવારથી સાંજ સુધી જે કંઈ કર્મ કરે છે તે બધું જ તું મને અર્પણ કરી દે. આપણાં કર્મોજ સંચિત થતાં લાંબા ગાળે સંસ્કાર બની જાય છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે,' ઇશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશી.'

ભગવાન સાથે સંબંધ જોડવાથી હંમેશા સુખ મળે છે. તેઓ કદાપિ આપણો ત્યાગ કરતા નથી. બધા જ કર્મો ઇશ્વરને અર્પણ કરી દો.

કામ કરતા જ્ઞાાન શ્રેષ્ઠ છે, જેને જીવનમાં ન ઉતારીએ તો નિરર્થક છે. જ્ઞાાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. ધ્યાન કરતા 'કર્મ ફળનો ત્યાગ' વધારે શ્રેષ્ઠ છે. કારણકે ત્યાગ કરવાથી તરત જ શાંતિ પ્રાપ્ત થાય છે.

- હરસુખલાલ સી.વ્યાસ

Gujarat