તાવ વિશેની સાચી-ખોટી માન્યતાઓ
શરીરની 'ગરમી'ને યોગ્ય રીતે જાણો

જ્યારે કોઈ માંદગીને કારણે તાવ આવી જાય ત્યારે લોકો એવું માની લેતાં હોય છે કે શરીરની ગરમી ઘટાડવાથી માંદગીમાં રાહત મળશે. તેને માટે તેઓ એસ્પીરીન કે અન્ય તાવ ઘડાટવાની દવાઓ લે છે. પણ સંશોધન જણાવે છે કે માંદગીમાં આવેલાં તાવની દવા દ્વારા છેડછાડ કરવાથી માંદગી ઘટતી નથી પણ વધી જાય છે.
તાવ, તમારા શરીરની માંદગી ઉપરાંત પણ ઘણી બધી વસ્તુઓ વ્યક્ત કરે છે. ચેપ સામે રક્ષણ મેળવવા માટેનું તે એક સાધન છે. શરીરમાંના વિષાણુ અને ક્યારેક તો કેન્સરના કોષો સામે લડવા શરીરની રોગપ્રતિકારક શક્તિ રાસાયણિક સંદેશ વાહકો છોડે છે, જે તમારા મગજને શરીરનું ઉષ્ણતામાન વધારવા કહે છે.
તે આગળ જતાં રોગપ્રતિકારક તાકાતને ઉત્તેજે છે, જે રાસાયણિક ફેરફારો દ્વારા શરીરમાં ઘૂસેલા જીવાણુઓ સામે લડે છે. સંશોધનો કહે છે કે તાવ ઘટાડવાથી શરીરની લડવાની શક્તિ ઘટે છે અને માંદગી એકાદ-બે દિવસ વધારે વધે છે. તાવ ઘટાડવાની દવાઓ જાતે જ રોગ લંબાવવામાં મદદરૂપ થવા માંડે છે. તાવ વિશેની કેટલીક માન્યતાઓ દૂર કરવાનો પ્રયત્ન અહીં રજૂ કરવામાં આવ્યો છે.
શરીરનું સામાન્ય ઉષ્ણતામાન ૯૮.૬ ડિગ્રી ફેરનહીટ હોવું જોઈએ: આ વાત ખોટી છે: આ માન્યતા ૧૯મી સદીમાં કરાયેલા સંશોધન પર આધારિત છે. વૈજ્ઞાાનિકો હવે જાણે છે કે શરીરનું ઉષ્ણતામાન વિવિધ પરિસ્થિતિઓ, જેવી કે જુદી જુદી વ્યક્તિઓ, તેમની ઉંમર, દિવસનો કે રાત્રિનો સમય, માસિક સ્ત્રાવનો સમય, થર્મોમીટરનો પ્રકાર વગેરે ઉપર નિર્ભર હોય છે.
૧૯૯૨માં યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડે કરેલા સંશોધન મુજબ સામાન્ય સ્વસ્થતા ધરાવતાં ૧૪૮ લોકોનું વહેલી સવારનું શરીરનું ઉષ્ણતામાન ૯૭.૬, બપોરે, ૯૮.૫ ( જે ઓછામાં ઓછું ૯૬ અને વધુમાં વધુ ૧૦૦.૮ સુધી પહોંચ્યું હતું) ડિગ્રી ફેરનહીટ હતું. બગલ અને ગુદામાં મપાતા ઉષ્ણતામાનમાં એક એક ફેરનહીટનો ફરક હોય છે.
વધારામાં, માસિક સ્ત્રાવ પહેલા, સ્ત્રીના શરીરનું ઉષ્ણતામાન વધુ રહેતું હોય છે. તો જેમ જેમ સ્ત્રીની ઉંમર વધતી જાય તેમ તેમ તેના શરીરનું સામાન્ય ઉષ્ણતામાન ઘટતું જાય છે. સ્વસ્થ માણસ પર સવાર, બપોર, સાંજ સતત ત્રણ દિવસ સુધી પોતાના શરીરનું ઉષ્ણતામાન નોંધે છે તો જુદું જુદું હોઈ શકે છે. આકરી કસરત કરનારનું ઉષ્ણતામાન પણ તાત્પૂરતું વધી જાય છે. તેથી કસરત કર્યા પછી ત્રણ કલાક બાદ અને ઠંડુ કે ગરમ પીણું પીધા પછી પાંચ મિનિટ બાદ શરીરનું ઉષ્ણતામાન માપવું.
ત્વચાને સ્પર્શ કરવાથી ખબર પડી જાય કે વ્યક્તિને તાવ છે કે નહીં: આ વાત ખોટી છે. વર્ષ ૨૦૦૩માં ભારતમાં ૨૦૦ બાળકોના અભ્યાસથી જણાયું હતું કે, ૬૦ ટકા બાળકોને તેમના માતા-પિતાએ સ્પર્શીને તાવ હોવાનું કહ્યું હતું અને તેમને તાવ નહોતો. ૨૭ ટકા સામાન્યતા અનુભવતા લોકોને ખરેખર તાવ હતો. તાવ છે કે નહીં તે ડોક્ટરો વધુ સારી રીતે નક્કી કરી શકે છે અને કપાળ કરતાં પેટ પર હાથ મૂકવાથી તાવ છે કે નહીં તે જલદી ખબર પડે છે, પણ દાક્તરી સલાહ મુજબ થર્મોમીટર જ શ્રેષ્ઠ ઉપાય છે.
તાવ આવે તો કેમિસ્ટની દુકાનેથી મળતી દવાઓ લઈ શકાય: આ માન્યતા ખોટી છે. એસ્પરીની, પેરાસીટામોલ, આઈબ્યુપ્રોફેન અને નેપ્રોક્ષેન દવાઓ તાવ ઘટાડે છે પણ તેની આડઅસરો હોય છે. બાળકોમાં જો ચેપ હોય તો એસ્પીરીનને કારણે જીવલેણ રેપેઝ સિન્ડ્રોમ નામની બીમારી થઈ શકે છે.
વર્ષ ૨૦૦૪માં ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ ૧૮૦૦ બાળકો પર અભ્યાસ કર્યા બાદ આઈબ્યુપ્રોફેન બાળકો માટે સલામત હોવાનું નોંધ્યું હતું. જો વયસ્ક વ્યક્તિને હાયપર ટેન્શન, હૃદયરોગો, અલ્સર અને કીડનીની સમસ્યા હોય તો બને ત્યાં સુધી પેરાસીટામોલ દવા લેવી. અન્ય દવાઓથી સમસ્યા વધી શકે. હૃદયરોગના દર્દીઓ અને સગર્ભાવસ્થા ધરાવતી સ્ત્રીઓ પેરાસીટામોલ લઈ શકે.
ઠંડા પાણીથી નહાવાથી તાવ ઊતરતો નથી પણ વધે છે: આ વાત સાચી છે. ઠંડા પાણીથી નહાવાથી ત્વચાનું તાપમાન ઘટે છે. પણ શરીરનું અંદરનું ઉષ્ણતામાન એમ જ રહે છે. ઠંડુ પાણી ક્યારેક ધુ્રજારી ઊભી કરે છે, જે શરીરનું તાપમાન વધુ કરી નાખે છે. દવાઓ લેવા છતાં જો તાવ ચાલુ જ રહે તો સામાન્ય પાણીથી સ્પોન્જ બાથ કરાવવો. દવા લીધાના એકાદ કલાક પછી સ્પોન્જ બાથ લેવામાં આવે તો તેની અસર સારી પડે છે.
ખૂબ તાવથી બ્રેઈન ડેમેજ (મગજને નુકસાન) થાય: આ વાત ખોટી છે. ૧૦૬ ડિગ્રીથી વધુ તાવ હોય તો મગજને નુકસાન થવાનું જોખમ વધે છે. પણ મેનેન્જાઈટીસ, એન્સીફેલીટીસ કે અન્ય ચેપ અસામાન્ય હોય છે. તે મૂળ રોગ રૂપ હોય છે, તાવ રૂપે નથી. મોટાભાગના કિસ્સાઓમાં ૧૦૪ ડિગ્રી અથવા ૧૦૫ સુધી તાવ વધે છે પણ પછી તેથી વધુ થતો નથી. નાના બાળકોમાં તાપમાન ઝડપથી વધતાં તેમને ડરથી આંચકી આવે છે. બાળકોને તેનાથી અસુવિધા થાય એટલે તરત જ તાપ ઉતરે તેવા પ્રયત્નો કરવા જોઈએ.
તાવ એ બેક્ટેરીયાના ચેપની નિશાની છે એટલે તરત જ દવા લેવી જોઈએ: ખોટી વાત છે. વિષાણુથી થતા ઘણાં રોગોમાં તાવ આવે છે. તેની ઉપર તાવની દવા અસર કરતી નથી. તેથી તાવ કયા પ્રકારનો છે તે નક્કી કરી ડોક્ટર દવા આપે છે.
તાવ આવે એટલે ડોક્ટર પાસે જવું જરૂરી છે: આ માન્યતા ખોટી છે. સામાન્ય સ્વસ્થ માણસ, જેમને ગંભીર લક્ષણો હોતાં નથી તેમને વાયરલ ફીવર હોય તો ઘણું બધું પાણી પીવાથી ડિહાઈડ્રેશન થતું નથી અને માંદગી ઊતરી જાય છે. પણ જો તાવ ત્રણ દિવસ કરતાં વધુ સમય સુધી આવે અથવા એની સાથે અન્ય લક્ષણો જોડાયેલા હોય તો ડોક્ટરની સલાહ લેવી.
પણ જો વ્યક્તિ ખૂબ વૃધ્ધ હોય, હૃદયરોગ, કેન્સર કે અન્ય બીમારીથી પીડાતું હોય અને તેને તાવ આવે તો તરત જ ડોક્ટરની સલાહ લેવી. અમુક લક્ષણો એવાં હોય છે કે તાવ નહીં આવવાં છતાં સતત ચાલુ રહે છે. તેવા સમયે તાવની રાહ જોવાને બદલે ડોક્ટરને મળવું.
તાવ આવે ત્યારે સંપૂર્ણ આરામ કરવો: આ માન્યતા ખોટી છે. તાવથી તમને નબળાઈનો અને આળસનો અનુભવ થાય છે, તેથી તમે આરામ કરવાનું પસંદ કરો છો પણ તેમાં સંપૂર્ણ આરામ કરવો પડે તેવી પરિસ્થિતિ હોતી નથી. તેથી તાવ આવવા છતાં તમને સારું લાગતું હોય તો સામાન્ય કાર્યો કરી શકાય. પણ તાવ હોય ત્યારે ભારે કસરત કરવાનું ટાળવું કારણ કે તેનાથી નબળી પડેલી રોગપ્રતિકારક શક્તિ વધુ નબળી પડે છે. તેમ છતાં બીજાને ચેપ લાગે નહીં તે માટે લોકોથી દૂર રહેવું.

