એક સફળ નવલકથાકારની આડેધડ ચાલતી પ્રેમ કહાની: મેરી પ્યારી બિંદુ
શરૂઆતથી શરૂ ન કરીને વાર્તા અંતથી શરૂ થઈ હેપ્પી એન્ડિંગમાં જાય છે. આ એક લીટીમાં મેરી પ્યારી બિંદુની સ્ટોરી આવી ગઈ. આયુષ્માન ખુરાના અને પરિણીતી ચોપરાની ફિલ્મ બિલ્કુલ આવી જ છે. બાળપણની લવસ્ટોરી છે. જેને સાંધવાની તેર અલગ અલગ રીતથી હિરો કોશિષ કરી રહ્યો છે. પણ કોઈ કાળે વાર્તા એકસુત્રતાનાં તાંતણે બંધાતી નથી. પોતે નવલકથાકાર છે આમ છતાં તેની હોરર કમ અશ્લીલ જ્યાદા વાર્તાઓ જેટલી તેનાં ચાહક વર્ગને પસંદ છે તેટલી તેની પ્રેમિકાને નથી.
દુનિયાની ઘણી ખરી લવસ્ટોરીઓની શરૂઆત પાડોશમાંથી થાય છે. પેરેલલ લાઈનમાં શરૂ થયેલી આ લવસ્ટોરી પ્રેમ નામના ઘરને આંગણે આવે ત્યારે તેમાંથી ઘણું ખરુ બદલી ચૂક્યું હોય છે. જૂના પ્લાસ્ટરનું સ્થાન નવા કલરે લીધું હોય, તુલસીનો ક્યારો ન હોય, એક માળે બે માળનો વેશ ધારણ કર્યો હોય, હિરોનો બેડરૂમ ભેંસનો તબેલો પણ બની ગયો હોય. યા તો પ્રેમિકાના વિવાહ થઈ ચૂક્યા હોય છે, અથવા તો પ્રેમી પોતાના શોખમાં પોતાની પ્રેમિકાને ઈન્વોલ્વ કરી માલિકને ગમતું કામ કરવા લાગ્યો હોય છે.
પ્રેમિકા ખુશખુશાલ ઝિંદગી જીવતી હોય છે અને પ્રેમીની હાલત તેરે નામના રાધે જેવી થઈ ગઈ હોય છે. જેણે પ્રેમિકાને મનાવવા માટે કેટલા પ્રયત્નો કર્યા. કોલેજમાં ફેલ ન થાય આ માટે પેપર લખાવ્યું, ટૂર પર જવા માટેના પૈસા નહોતા તો હિરોએ આપ્યા, પિતા સાથે ઝઘડો થતાં હિરોએ સાંત્વના આપી અને છેલ્લે હિરોનાં હાથમાં કંઈ નથી આવતું. મેરી પ્યારી બિંદુના પ્રમુખ પાત્ર અભિમન્યુ રોય ચૌધરીની સાથે પણ આવું જ થાય છે.
કહાની
અભિમન્યુ રોય ચૌધરી. એક સફળ સીગરેટ પીતો લેખક છે. અગણિત હોરર કથાઓ લખી તેણે લોકોનાં મન મોહી લીધા છે. ચેતન ભગત અને મસ્તરામનું મિશ્રણ કરવામાં આવે એટલે અભિમન્યુ રોય ચૌધરી ક્રિએટ થાય છે. જેમ દરેક લેખકની એક લવસ્ટોરી હોય છે અને ન હોય તો લેખક ગમે તેમ દુઃખના વાંસડા ખોડી ઉભી કરી લેતો હોય છે એવી રીતે અભિમન્યુની પણ એક પ્રેમ કહાની છે. એક દિવસ પોતાની નવી નવલકથા લખવા માટે લેખકશ્રી પરિશ્રમ કરતા હોય છે. રાઈટર્સ બ્લોગનો શિકાર બનેલા અભિમન્યુને ફોન આવે છે. ફોન ઉઠાવતા જ ખબર પડે છે કે મમ્મી અને પપ્પા ડિવોર્સ લઈ રહ્યાં છે.
એ પણ આ ઉંમરે ! અભિમન્યુ ઘરે જાય છે. તેના બંજર દિલમાં બિંદુ નામની હરિયાળી ખીલી ઉઠે છે. ફરી બિંદુ યાદ આવી જાય છે અને કહાની ભૂતકાળ કમ નેરેશનકાળમાં ચાલી જાય છે. લેખક બિંદુ અને પોતાની વાર્તા લખવાની શરૂઆત કરે છે. તો કેવી છે બિંદુ ? દરેક વાર્તાકારનાં સ્વપ્નનું પાત્ર અને દરેક ગઝલનો છેલ્લો ઉમદા શેર માસ્ટરપીસ હોય તેવી છે બિંદુ. બિંદુ સાથે મુલાકાત, બિંદુના નખરા, બિંદુની ગોઝારી હરકતો, બિંદુનું લગ્નમાંથી ભાગી જવું આ બધી મુગ્ધ-પ્રેમજાળમાંથી નીકળી છેલ્લે અભિમન્યુ બિંદુને પ્રપોઝ કરી જ નાખે છે. પણ પછી શું થાય છે ?
એક લેખકની વાર્તા
ઈરફાન ખાને કહ્યું હતું તેમ એક એક્ટર એક જ લાઈફમાં અલગ અલગ પાત્રો ભજવી દરેકની ઝિંદગી જીવતો હોય છે. તેમ એક લેખક પોતાની જ પ્રેમિકાને વારંવાર યાદ કરી એક જ પ્રકારની લવસ્ટોરી લખી આ આપણી ફેક્ટરીની નવી પ્રોડક્ટ છે તેવો વાંચકોને પરાણે અહેસાસ કરાવતો હોય છે. પણ મેરી પ્યારી બિંદુમાં એવું નથી.
અહીં લેખક ગુલઝાર બનવાના ખ્વાબ સાથે પ્રકાશક પાસે જાય છે. અને ગુલઝાર બનવાના યત્નોનો કિનારે ત્યાગ કરાવી પ્રકાશક તેને બંગાળનો ફેમસ પલ્પ ફિક્શન રાઈટર બનાવી દે છે. પ્રકાશક અને પ્રોડયુસરને ગમતી વસ્તુઓ રાઈટરે લખવી તેમ અભિમન્યુ અહીં બીજાનાં સપનાં પૂરા કરવા લાગે છે.
પરિણીતીનું લગ્નમાંથી ભાગવું એ જોતા વારંવાર સુશાંત સિંહ રાજપૂત સાથેની શુદ્ધ દેશી રોમાન્સ યાદ આવી જાય છે. શું પરિણીતીનાં કપાળમાં આવા જ રોલ લખ્યાં છે? તેવું ફિલ્મની અધવચ્ચે લાગશે અને લાગવું પણ જોઈએ. સુકાયેલા કડક પરોઠા જેવી ફિલ્મની બીજી મોટી વાત તિતર બિતર ઘુમતી વાર્તા છે.
આગળ બે તેતર, પાછળ બે તેતર તો બોલો કેટલા તેતર ? એ ઉખાણામાંથી જવાબ શોધવાની જગ્યાએ જો નાયકને નવલકથાકાર જ દર્શાવવો હતો અને ટ્રેલરમાં પણ ચેપ્ટરથી જ વાત કરવી હતી તો ડાયરેક્ટરે ફિલ્મને પ્રકરણ મુજબ દર્શાવી દેવી હતી. તેનો ફાયદો એ થાત કે વાર્તા નોન-લિનીયર સ્ટાઈલમાં પણ સારી રીતે પકડ જમાવી ચાલ્યા કરેત.
ફિલ્મમાં એક સામટી ઘણી બધી યાદો છે. દોઢ કલાકની ફિલ્મ જેટલી કહાની થકી નથી ચાલતી તેનાથી વધારે તે નરેશન દ્રારા ચાલે છે. પ્રોટોગોનિસ્ટનું નામ નરેશ રાખી દીધું હોત તો નરેશ કુમારની પ્રેમ કહાની નામથી પણ ફિલ્મ બની શકી હોત. ૮૦નાં દાયકામાં બનતી તમામ ઘટનાઓ, ૯૦નાં દાયકામાં આવતી ઉત્કૃષ્ટ યાદો અને ૨૦૦૦ની સાલ આવતા દોડતી દુનિયા ફિલ્મમાં જોવા મળે છે. દાયકાઓ બદલે છે તેમ આસપાસના લોકેશન થકી દુનિયા નથી બદલતી. જે ફિલ્મનો મેજર વીક પોંઈન્ટ છે.
આમ પણ હિરોને માત્ર ઝાડ પરથી ચડી બાજુના ઘરમાં ટારઝન થતો જ બતાવ્યો છે એટલે વધુ અપેક્ષા ન રાખી શકાય. રાખવી પણ નહીં. બંગાળના લોકેશનને નજીકથી જોવાની ઈચ્છા હોય તેમના માટે પણ એક નિરાશા જ છે. માત્ર રાતના લોકેશનો વધારે પડતા રાખી દેવામાં આવ્યા છે. કદાચ રાત્રે ઉડતો આગીયો કેમેરાની દ્રષ્ટિએ દેખાય શકશે પણ બંગાળ તો નહીં જ દેખાય. પ્રેમ કહાની ઘરમાં જ શરૂ થાય છે અને ઘરમાં જ પૂર્ણ થઈ જાય છે. પાત્રોનો ખીચડો કરી દીધો છે. અભિમન્યુના માતા-પિતા સિવાય દર્શકને કોઈ કેરેક્ટરને ઓળખવાનો અવસર સુદ્ધાં નથી મળતો.
વોકમેન, ગોળ રિંગમાં આંગળી ભરાવી મહેનત કરાવતી કેસેટો, ૧૯૮૩નો વિશ્વકપ, મોહમ્મદ રફી, કિશોર કુમાર, લતા, બપ્પી લહેરી, અને આર.ડી.બર્મનનાં ગીતો સહિત ભરચક નોસ્ટાલેજિક ફિલ્મ છે. ૮૦નાં દાયકાના પોપ્યુલર ગીતોની ભરમાર છે. છતાં ડાયરેક્ટર કે મ્યુઝિક ડાયરેક્ટર પોતાની કાબેલિયતના બળે એવું ગીત નથી રચી શક્યા જે ૮૦નાં દાયકામાં બનતા હતા અથવા તો એવું પણ ગીત નથી બનાવી શક્યા જે કુમાર સાનું સ્ટાઈલમાં ગવાય અને ઓટોમાં પ્લે પણ થઈ શકે. કુલ મળીને ૨ કલાક જેટલી લાંબી ફિલ્મમાં ગીતો જ છે અને જો ગીતો નથી તો બેકગ્રાઊન્ડ મ્યુઝિક તો ટૂન ટૂન વાગ્યા જ કરે છે.
ફિલ્મમાં જે વસ્તુ સુખદ લાગે છે તે ફિલ્મનો હેપ્પી એન્ડ છે. પરિણીતીને એન્ડમાં એક્ટિંગ કરતાં બિલ્કુલ સંઘર્ષ નથી કરવો પડતો. છેલ્લે સુધી બિંદુ ક્યાં ગઈ ? તેના સવાલો ખોજતી આંખો આખરે બિંદુને એક એવી જગ્યાએ જુએ છે જે બિંદુની ફેવરિટ જગ્યા છે.
- મયૂર ખાવડુ