Get The App

દેશભક્ત.... .

Updated: Jan 24th, 2020

GS TEAM

Google News
Google News
દેશભક્ત....                                                   . 1 - image


આ બનાવ પછી એ ડિટેક્ટીવ ફ્રાંસમાંથી અદ્રશ્ય જ થઈ ગયા. લોકો વિચારવા લાગ્યા કે શું એમના કોઈ દુશ્મનેે તેમને મારી નાંખ્યા કે તેમનું અપહરણ કર્યું હશે...?

જે કેસની સફળતા મારી કીર્તિમાં વધારો કરનાર હતી તે સિદ્ધિ પામવાને બદલે પેરિસ છોડીને ફ્રાંસના એક નાના ગામડામાં મારું જીવન પસાર કરી રહ્યો છું. અહીં કોઈ મને ફ્રાંસના પ્રખ્યાત ડિટેક્ટીવ તરીકે ઓળખતું નથી

સાચો દેશભક્ત કેવો હોય ? સાચી દેશ ભક્તિ કેવી હોવી જોઈએ ? નીચે જણાવેલ એક સાચી ઘટના પરથી સમજી શકાશે.

આ વાત પેરિસની એક જાણીતી અને મોટી કહેવાતી બેંકની છે કે જ્યારે બેંકમાં લૂંટારાઓએ લૂંટ ચલાવી. ઘણું બધું લૂંટાઈ ગયું અને તેમાં કેટલાય માનવીઓની હત્યા તો થઈ. કેટલાય ઘાયલ થયા અને કેટલાંક પોતાનો જીવ બચાવી ભાગી ગયા. પોલીસ ખાતા તરફથી દોડધામ મચી ગઈ જાણે આકાશ પાતાળ એક કરી નાંખ્યા પરંતુ ગુન્હેગારનો પત્તો લાગ્યો નહિ. આથી એ કેસ તે સમયના પ્રખ્યાત ડિટેક્ટીવ જે ''શેરલોક હોમ્સ ઑફ ફ્રાન્સ'' ગણાતા હતા તેમને સોંપવામાં આવ્યો.

આ ડિટેક્ટીવ ખૂબ જ હિંમતવાન, નિષ્ઠાવાન અને દેશભક્ત હતો. ડિટેક્ટિવ પોતાની આગવી રીતથી તપાસની શરૂઆત કરી. થોડાં જ દિવસોમાં ડાકુઓની તે ટોળકીને રિંગલીડર સાથે પકડી પાડી તેમણે પુરાવાઓ એવા રજુ કર્યા કે ગુનેહગાર છટકી શકે તેમ ન હતું. મુકદમો ચાલ્યો ને રિંગલીડરને ફાંસીની આકરી સજા થઈ અને બાકીનાને જન્મટીપની સજા થઈ.

આ ડિટેક્ટીવ પાસે જેટલા કેસ આવ્યા હતા તેમાં મોટા ભાગના કેસમાં ડાકુઓને ફાંસીની સજા થઈ હતી. આ ડિટેક્ટીવની બીજી ખાસિયત એ હતી કે તેણે પકડેલા ગુનેહગારોને ફાંસી આપવાની હોય ત્યારે તે પોતે અવશ્ય હાજર રહેતો. બેંકમાં લૂંટ ચલાવી તેના રિંગલીડરને ફાંસી આપવાની તૈયારી સંપૂર્ણ રીતે થઈ ગઈ. મેજીસ્ટ્રેટ, સરકારી ડૉક્ટર, ફાંસી આપનાર વગેરે પૂર્ણ તૈયારી સાથે જેલમાં હાજર થઈ ગયા.

ડિટેક્ટીવ હંમેશાં એ સમયે હાજર થઈ જ જતા તેઓ સમયના પાબંદ હતા. એક મિનિટ પણ તેઓ કદી મોડા પડતા નહિ. પરંતુ આજે જ્યારે આ ગુનેહગારને ફાંસી આપવામાં આવી ત્યારે તેઓ ગેરહાજર હતા તેથી બધાને ખૂબ આશ્ચર્ય થયું. મેજીસ્ટ્રેટ પોતે પણ વિચારવા લાગ્યા કે એવું તે શું બન્યું હશે કે જેથી તેઓ હાજર ન રહ્યા.

આ બનાવ પછી એ ડિટેક્ટીવ ફ્રાંસમાંથી અદ્રશ્ય જ થઈ ગયા. લોકો વિચારવા લાગ્યા કે શું એમના કોઈ દુશ્મનેે તેમને મારી નાંખ્યા કે તેમનું અપહરણ કર્યું હશે...? થોડો વખત લોકો તર્કવિતક કરતા રહ્યા, કર્ણોપકર્ણ ચર્ચા થતી રહી પરંતુ સમયના અનંત પ્રવાહની સાથે લોકોના મનમાંથી એ વાત વિસરાતી ચાલી. પેલા મેજીસ્ટ્રેટ સાહેબ પણ નિવૃત્ત થઈ ગયા. પરંતુ વર્ષો વહી જવા છતાં બેંકની લૂંટનો પ્રસંગ તેઓ ભૂલ્યા નહોતા અને ડિટેક્ટીવે બતાવેલ બાહોશીને તેઓ વારંવાર યાદ કરતા કારણ કે એ ડિટેક્ટીવ તેમના મિત્ર પણ હતા.

વર્ષો વીતી ગયાં...મેજીસ્ટ્રેટ સાહેબ એક વખત સવારની ચા પીતાં ટપાલમાં આવેલ પત્રો જોતા હતા. એક કવર પરના હસ્તાક્ષર પરિચિત લાગતાં તેમણે એ પત્રને ખોલીને વાંચ્યો. જેમાં લખ્યું હતું કે,

વહાલા મેજીસ્ટ્રેટ સાહેબ,

કુશળ હશો.

વર્ષો પછી આ પત્ર હું તમને લખી રહ્યો છું. આપ મને યાદ કરતા હશો કે નહિ તે હું જાણતો નથી. પરંતુ એક મિત્ર તરીકે હું તમને હંમેશાં યાદ કરતો હતો ને યાદ કરું છું. તમને પત્ર લખવા વિચારતો હતો પણ આ પહેલાં લખી શક્યો નહિ. હવે તો હું વૃદ્ધ થઈ ગયો છું. મારું મૃત્યુ નજીક આવી રહ્યું છે. મૃત્યુના ભણકારા સંભળાઈ રહ્યાં છે. આથી મને થયું કે હવે મારે તમને સાચી વાત જણાવવી જ જોઈએ.

વર્ષો પહેલાં પેરીસની બેંક પર પડેલ ધાડની વાત તો આપને યાદ હશે જ એમ માનું છું. લૂંટના રિંગલીડરને આપે જ ફાંસીની સજા ફરમાવી હતી. મેં જ એ રિંગલીડરને અને તેના સાથીઓને શોધીને આપ સમક્ષ રજુ કર્યા હતાં. કોઈપણ ગુનેહગારને જ્યારે ફાંસી અપાતી ત્યારે હું સમયસર અચૂક હાજર રહેતો પરંતુ આ રિંગલીડરને ફાંસી અપાઈ ત્યારે હું હાજર ના રહ્યો અને મેં મારો નિયમ તોડયો.

હા, તે દિવસથી હું અંધકારમાં વિલીન થઈ ગયો. જે કેસની સફળતા મારી કીર્તિમાં વધારો કરનાર હતી તે સિદ્ધિ પામવાને બદલે પેરિસ છોડીને ફ્રાંસના એક નાના ગામડામાં મારું જીવન પસાર કરી રહ્યો છું. અહીં કોઈ મને ફ્રાંસના પ્રખ્યાત ડિટેક્ટીવ તરીકે ઓળખતું નથી. હું તે દિવસે હાજર ન રહ્યો તેની પાછળ જે એક રહસ્ય હતું. તે રહસ્ય આજે આપ સમક્ષ આ પત્ર દ્વારા ખુલ્લું કરું છું.

જે રિંગલીડરને પકડીને મેં દેશના કાનૂનને સુપ્રત કર્યો હતો તે બીજો કોઈ નહિ પણ મારો એકનો એક પુત્ર હતો. મેં મારું સમગ્ર જીવન દેશની વફાદારીપૂર્વક સેવા કરવામાં વિતાવ્યું હતું. મારા જ પુત્રએ દેશનો આવો દ્રોહ કર્યો એ કલંક જીરવવું મારે માટે અસહ્ય હતું. આથી દેશ પ્રત્યેની અંતિમ ફરજ બજાવી હું અપ્રસિદ્ધિના અંધકારમાં વિલીન થઈ ગયો. હું મૃત્યુ પામું તે પહેલાં મારો આ ભેદ તમારા જેવા મિત્ર સમક્ષ ખુલ્લો કરતો જાઉં છું.

આપની કુશળતા ચાહતો

હેનરી લાતુર....

ડિટેક્ટીવનો આ ખુલ્લા હૃદયનો પત્ર વાંચતા મેજીસ્ટ્રેટની આંખમાંથી વહેતાં અશ્રુથી એ પત્ર ભિંજાઈ ગયો હતો.

- તારક દિવેટીયા

Tags :