સૂર્યપ્રકાશ વિના જીવતો મનીપ્લાન્ટ
વિષુવવૃત્તમાં આવેલા પુષ્કળ વરસાદવાળા રેઇનફોરેસ્ટમાં નાના છોડથી માંડીને તોતિંગ વૃક્ષોની ગીચ ઝાડી હોય છે. જમીન પર ઊગતા નાના છોડને સૂર્યપ્રકાશ માંડ માંડ મળે અને સતત ભેજવાળા વાતાવરણમાં વિકાસ કરવો પડે છે. દરેક સજીવ પર્યાવરણ સાથે અનુકુલન સાધીને વિકાસ કરે છે, સજીવ ખોરાક અને રક્ષણ મેળવવા વિવિધ રસ્તાઓ આપમેળે ખોળી કાઢે છે.
વર્ષા જંગલમાં મોટા વૃક્ષોની છાયામાં ઊગતા છોડ ઓછા સૂર્યપ્રકાશમાંય પાણીમાંથી ખોરાક મેળવવાનું શીખી ગયા અને તેમાંથી જન્મ્યો મની પ્લાન્ટ, આપણા ઘરમાં પાણી ભરેલી બોટલમાં પણ મનીપ્લાન્ટ વિકાસ પામે વળી તેને જમીન કે ખાતરની પણ જરૂર નથી. માત્ર પાણી જ એનો ખોરાક. પાણીમાં તેના પૂરતા ક્ષાર અને ખનીજ તો હોય જ છે એટલે તે ઘરમાં સૂર્યપ્રકાશ વિના પણ વિકાસ પામે છે.
મનીપ્લાન્ટ ઘરમાં રાખવાથી પૈસાની તંગી પડતી નથી તેવી માન્યતા છે, પરંતુ તેના પાન ગોળાકાર અને જાડા સિક્કા જેવા હોવાથી તેનું નામ મનીપ્લાન્ટ પડયું છે. મનીપ્લાન્ટના ગોલ્ડનપોથોસ, હન્ટર્સ રોબ, આઈવી એરમ, સિલ્વરવાઈન જેવા અનેક નામ છે. મની પ્લાન્ટમાં સારી રીતે કાળજી લેવાય તો ૨૦ મીટર ઊંચા અને બે ઇંચના વ્યાસના થાય છે. તે કાયમ લીલી રહેતી વનસ્પતિ છે.