વાર્તા: સત્ય ઘટના પર આધારિત
પોલીસ ટુકડીને જોઈને પુરુષોત્તમના હાંજા ગગડી ગયા હતા. તેની આંખો ફાટી ગઈ હતી. ડરનો માર્યો તે થરથર ધુ્રજી રહ્યો હતો. ઈન્સ્પેક્ટરે તેને જીપમાં બેસવાનો ઈશારો કર્યો. થોડે દૂર જઈને તેમણે જીપ ઉભી રાખી. ''સંતોષીનું ખૂન તેં અને સુહાસે સાથે મળીને કર્યું છે ને?''
સવારના નવેક વાગ્યાના સુમારે થાણેના ઘોડબંદર રોડ પર આવેલા કાસરવડવલી પોલીસ થાણાના ફોેનની ઘંટી વાગી. ઇન્સ્પેક્ટર સુરાસેએ રિસિવર ઉપાડી 'હલ્લો' કહ્યું ત્યાં સામે છેડેથી કોઈનો ગભરાયેલો અવાજ સંભળાયો. ''સાહેબ, હું ભાયંદરપાડથી બોલું છું. અહીંયા રેતીબંદર પરથી મળેલી એક ગુણીમાંથી ભયંકર દુર્ગંધ આવી રહી છે. લાગે છે તેમાં કોઈની લાશ હશે.'' ઈન્સ્પેક્ટર સુરાસે ફોન કરનારને કાંઈ પૂછે તેનાથી પહેલા ફોન કપાઈ ગયો. ઈન્સ્પેક્ટર સુરાસે પોેતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા.
તેમણે ત્રણ કોન્સ્ટેબલોને સાથે લઈને રેતી બંદર તરફ જીપ મારી મુકી. લોકોના ટોળા વ્ચચેથી માર્ગ કાઢતાં ઈન્સ્પેક્ટર અને ત્રણે કોન્સ્ટેબલ ગુણી પાસે પહોંચ્યા. તેમને રસ્તો આપવા બાજુ પર ખસેલા બધા લોકોએ નાક પર રૂમાલ દબાવી રાખ્યો હતો. ઈન્સ્પેક્ટર સુરાસેએ કોેન્સ્ટેબલને ઈશારા વડે ગુણી ખોલવાનું કહ્યું. બે કોન્સ્ટેબલે એક હાથે નાક પર રૂમાલ દબાવી રાખીને બીજા હાથે ગુણી ખોલી તો અંદરથી એક યુવતીની ફૂલી ગયેલી લાશ મળી આવી.
તેના હાથમાં માત્ર લીલા રંગની કાચની બંગડીઓ હતી, આ સિવાય તેના અંગ પર કોઈ ઘરેણા નહોતા. મૃતક પરિણીત છે કે કુંવારી તે કળવું પણ મુશ્કેલ હતું. પંચનામું કરી શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું. ઈન્સ્પેક્ટર સુરાસેએ ત્યાં જમા થયેલા લોકોને જ મૃતકની ઓળખ વિશે પૂછપરછ કરી પણ તેને ઓળખનારું કોઈ ન નીકળ્યું.
છેલ્લા થોડા દિવસ દરમિયાન અહીંથી કોઈના ગુમ થવાની ફરિયાદ પણ નહોતી નોંધાઈ. આમ છતાં ઈન્સ્પેક્ટર સુરાસેએ આસપાસ આવેલા અન્ય પોલીસ થાણાઓમાં કોઈના ગુમ થવા વિશેની ફરિયાદ આવી છે કે કેમ તેની તપાસ કરી. પણ છેલ્લા બે-ચાર દિવસમાં આવો કોઈ કેસ નોંધાયો નહોતો. હવે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે ત્યાર પછી જ તપાસ આગળ વધી શકે તેમ હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચીને ઈન્સપેક્ટર સુરાસે એક તારણ પર પહોંચ્યા હતા કે આ હત્યામાં ઓછામાં ઓછા બે જણ સંડોવાયેલા હતા. યુવતીની હત્યા બંને હાથે ગળું દબાવીને કરવામાં આવી હતી. હત્યારો જ્યારે તેનું ગળું ભીંસી રહ્યો હતો ત્યારે તેના બંને હાથ પાછળથી કોઈકે પકડી રાખ્યા હતા. તેની ઉપર બળાત્કાર ગુજારવામાં નહોતો આવ્યો. છત્રીસ કલાક પહેલા યુવતીને સ્વધામ પહોંચાડી દેવામાં આવી હતી.
હાથમાં રહેલી લીલા રંગની કાચની બંગડી પરથી એમ લાગતું હતું કે યુવતી પરિણીત હશે. પણ ગળામાં મંગળસૂત્ર કે અન્ય આભૂષણોની ગેરહાજરીથી ખાતરીપૂર્વક કાંઈપણ કહેવું મુશ્કેલ હતું. ''આ હત્યા લૂંટની હોવી જોઈએ.'', 'ઈન્સ્પેક્ટર સુરાસે મનોમન વિચારી રહ્યાં હતાં. ''મૃતક યુવતીએ કાં તો લૂંટારાઓને જોઈ લીધાં હશે, અથવા તેના પોેતાના સંબંધીઓએ જ તેને ઘરેણાંની લાલચમાં મારી નાખી હશે. તપાસ ક્યાંથી અને શી રીતે કરવી? એકેય કડી સાંપડી નથી રહી.'' ઈન્સપેક્ટર ગડ બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં.
ઉડતી ઉડતી ખબર ઘોડબંદરના માજીવાડા ગામે પહોંચી. નળ પર પાણી ભરવા એકઠી થયેલી સ્ત્રીઓ અંદરોઅંદર વાત કરી રહી હતી. ''રેતી બંદર પરથી એક યુવતીનો પાણીમાં ફૂલી ગયેલો મૃતદેહ ગુણીમાં બાંધેલો મળી આવ્યો હતો. કાસરવડવાલી પોલીસ થાણાના ઈન્સ્પેક્ટર લાશને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, પણ કોઈ કડી જડતી નથી. બાપ રે, શું જમાનો આવ્યો છે. ઘરેથી નીકળેલું માણસ ઘરે પાછું ફરે ત્યારે ખરું.'' પાણી ભરવા ઊભેલી ઈન્દુ બાઈના કાને આ વાત પડતાં જ તેના પગ તળેથી જમીન ખસી ગઈ. તેના ચહેરાનો રંગ ફીક્કો પડી ગયો.
તેના હાથ-પગ કાંપી રહ્યાં હતાં. તેણે પોતાની જાતને પરાણે સંભાળી. એક બાલ્દી પાણી ભરીને તેણે પોતાના ઝુંપડા તરફ ગતિ કરી. પાણીની બાલ્દી ઘરમાં મુકીને તે સીધી બહાર નીકળી રિક્ષામાં બેઠી. રસ્તામાં કાવેસરમાં રહેતા તેના માનેલા દિયરને રિક્ષામાં બેસાડયો. કાવેસરથી કાસરવડવલીના બે-ત્રણ મિનિટના રસ્તામાં તેણે પોેતાના મનની શંકા દિયર સમક્ષ વ્યક્ત કરી દીધી.
પોલીસ થાણામાં પ્રવેશીને તેણે ઈન્સ્પેક્ટર સુરાસે સમક્ષ લાશ જોવાની વાત કરતાં ઈન્સ્પેક્ટરને પળભર માટે આંચકો લાગ્યો. પણ તે વખતે વધુ કાંઈ પૂછવાને બદલે તેણે હવાલદારને ઈન્દુ બાઈ સાથે શબની ઓળખ કરવા મોકલી આપ્યો.
શબના ચહેરા પરથી કોન્સ્ટેબલે કપડું ખસેડયું ત્યારે મૃતકનો ચહેરો જોઈને ઈન્દુબાઈ ચીસ પાડી ઉઠી. ''મારી સંતોષીના આ હાલ કોણે કર્યાં?'' ઈન્દુ બાઈની વાત સાંભળી કોન્સ્ટેબલે તેની સાથે આવેલા તેના દિયર સામે જોયું. ત્યારે તેણે કહ્યું કે આ મારી માનેલી ભાભી છે અને લાશ તેની દીકરીની છે. પોક મુકીને રડતી ભાભીને માંડ છાની રાખીને બધાં પાછા પોલીસ થાણામાં પહોંચ્યા. ઈન્સ્પેક્ટર તે વખતે વધુ કાંઈ પૂછપરછ કર્યા વિના લાશનો કબજો ઈન્દુ બાઈને સોંપ્યો. સંતોેષીના અંતિમ સંસ્કાર પછી ઈન્સ્પેક્ટર સુરાસે તેના ઘરે પહોંચ્યો.
''તમારી દીકરીની લાશ મળી ત્યારે તેની હત્યા થયાને છત્રીસ કલાક થઈ ગયા હતા તોય તમને ખબર ન પડી.'' ઈન્સ્પેક્ટરે ઈન્દુ બાઈની પૂછપરછ શરૂ કરી. ''મારી દીકરી તો તેના સાસરે વસઈમાં રહતી હતી. મને શી રીતે ખબર પડે કે તેની હત્યા થઈ ગઈ છે કે તે ગુમ થઈ ગઈ છે.'' ઈન્દુ બાઈએ ઈન્સપેક્ટરને ઉત્તર વાળ્યો.
'' તો પછી આ લાશ તમારી દીકરીની હશે એવી શંકા તમને શી રીતે પડી?'' ઈન્સપેક્ટરે ચોખ્ખા શબ્દોમાં શંકા વ્યક્ત કરી. ''ગુરુવારે હું નળ પર પાણી ભરી રહી હતી ત્યારે મને કોઈક યુવતીની લાશ મળ્યાના સમાચાર સાંભળવા મળ્યા. એ દિવસે સવારના પહોંરમાં મારો જમાઈ સુહાસ મારા ઘરે આવી પહોંચ્યો હતો. તેણે આવીને મને પૂછ્યું કે 'સંતોષી ક્યાં છે? હું એને લેવા આવ્યો છું.' સુહાસની વાત સાંભળીને મને નવાઈ લાગી. સંતોષી તો અહીં આવી જ નહોતી.
મેં સુહાસને આ વાત કહી ત્યારે તેણે મને કહ્યું હતું કે 'મેં ગઈકાલે એને અહીં આવવા માટે બસમાં બેસાડી હતી. તેને તમને મળવાની બહુ ઈચ્છા હતી. તેણે કહ્યું હતું કે સાંજે પાછી આવી જશે. પણ તે ન આવી એટલે હું તેને લેવા આવ્યો. જ્યારથી અમે મારા માતા-પિતાથી નોખા રહેવા ગયા છીએ ત્યારથી તે વારંવાર અહીં આવવાની જિદ્દ કરે છે.' 'પણ એ તો અહીં વારંવાર આવી જ નથી.' મેં સુહાસને કહ્યું હતું. 'તો પછી તમારું બહાનું કાઢીને એ પોતાની બહેનપણીને મળવા જતી હશે. તમે ચિંતા ન કરો.
હું એની સહેલીઓ પાસે પૃચ્છા કરી લઈશ' આટલું કહીને સુહાસ તરત જ નીકળી ગયો હતો. ત્યાર પછી મોડેથી મને લાશ મળ્યાની ખબર મળી ત્યારે મારું મન અમંગળની આશંકાથી ભરાઈ ગયું. મારી સંતોષી આમ બહેનપણીના ઘરે જવા ખોટું બોલે એવી નથી. તે પોતાના ઘરેથી નીકળી હતી, પણ અહીં નહોતી પહોંચી, તો ક્યાંક રસ્તામાં જ તેને કાંઈ થઈ નથી ગયું ને? મનમાં આવેલી આ શંકા દૂર કરવા જ હું લાશ જોવા દોડી ગઈ હતી.'' ઈન્દુ બાઈએ સઘળી હકીકત કહી સંભળાવી.
''સુહાસે એમ કહ્યું કે અલગ રહેવા ગયા પછી તે વારંવાર પિયર આવવાની જિદ્ કરતી હતી. અને ઈન્દુ બાઈ કહે છે કે તે વારંવાર અહીં આવી જ નથી. તો શું તે પિયરના બહાને તેના કોઈ પ્રેમીને મળવા જતી હશે?'' ઈન્સ્પેક્ટર મનોમન વિચારી રહ્યાં. ''પણ એ શી રીતે બને?'' તેમને પોતાનો જ વિચાર બોદો લાગ્યો. ''પોસ્ટમોર્ટમના રિપોર્ટ મુજબ તેના મોતને ૩૬ કલાક થઈ ગયા હતા. અને સુહાસ કહે છે કે તેણે બુધવારે તેને બસમાં બેસાડી હતી. તો પછી ક્યાંક સુહાસે જ તેનું કાસળ નથી કાઢ્યું ને? ત્યાર પછી ઈન્દુ બાઈને ઊંધા રવાડે ચડાવીને સમગ્ર તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન નથી કરી રહ્યો ને?'' ઇન્સ્પેક્ટરને હત્યાના કડી મળતી લાગી.
કડી સાંપડતા ઈન્સ્પેક્ટર ટીમ સાથે વસઈ જઈ પહોંચ્યા. સુહાસના કાચા મકાનનો દરવાજો બંધ હતો. પોલીસ ટુકડીને આવેલી જોઈને બાજુના મકાનમાં રહેતી સુહાસની માતા બહાર આવી. તેને ઈન્સ્પેક્ટરના આવવા સામે કોઈ નવાઈ ન લાગી. તેણે ઈન્સ્પેક્ટરને કહ્યું કે સુહાસ બહાર ગયો છે. તેને પાછાં ફરતાં બે-ત્રણ કલાક લાગશે. ઈન્સ્પેક્ટર માટે આ સારી તક હતી.
તેમણે, એકદમ સહજતાપૂર્વક વાત કરતાં હોય તેમ સુહાસની માતાને પૂછ્યું કે ''બુધવારે સંતોેષી બહાર ગઈ હતી?'' ''બુધવારે સવારથી જ મેંં સંતોષીને જોઈ નહોતી. મેં સુહાસને સંતોષી વિશે પૂછ્યું ત્યારે તેણે મને કહ્યું હતું કે તેને તેના પિયરે જવું હતું. તેથી હું તેને બસમાં બેસાડી આવ્યો છું. અને ગુરુવારે તો તેની હત્યાની ખબર મળી.'' સુહાસની માતાએ કહ્યું હતું. ''મંગળવારે સંતોષી અહીં જ હતી.'' ઈન્સ્પેક્ટરે તપાસ આગળ ધપાવી. ''હા, મંગળવારે રાત્રે સુહાસનો મિત્ર પુરુષોત્તમ આવ્યો હતો. બંને જણ પીવા બેઠા હતા.
ખાસ્સી વાર દારૂ પીધા પછી બંનેએ ભોજન લીધું. દસ વાગી ગયા હતા. પણ સુહાસ અને પુરુષોત્તમ પાનાં રમવા બેઠા. પછી એ લોકો કેટલા વાગ્યા સુધી પાનાં રમતા હતા તે મને નથી ખબર. હું સુવા જતી હતી ત્યારે સંતોષીએ મને એમ કહ્યું હતું કે 'મને પણ બહુ ઊંઘ આવે છે, પણ સુહાસ સુવાને બદલે પાનાં રમવા બેસી ગયો છે.' સંતોેષીની આંખોમાં ઊંઘ ભરી હતી.'' સુહાસની માતાએ માહિતી આપી.
''કેસની કડી મળી રહી હતી. સંતોષીને મારવામાં ઓછામાં ઓછો બે જણનોે હાથ હતો. બીજો શખ્સ પુરુષોત્તમ હોઈ શકે.'' ઈન્સ્પેક્ટરેે ત્યાં બેસી રહેવાને બદલે પુરુષોત્તમના ઘરે જવાનું નક્કી કર્યું. પોલીસ ટુકડી પુરુષોત્તમના ઘરે પહોંચી ત્યારે તેના ઘરના લોકોને નવાઈ લાગી હતી. ઈન્સ્પેક્ટરે બધાને ધરપત આપતાં કહ્યું હતું કે 'ગભરાવાની જરૂર નથી. આ તો સંતોષીની હત્યાની તપાસનો ભાગ માત્ર છે. પોલીસ ટુકડીને જોઈને પુરુષોત્તમના હાંજા ગગડી ગયા હતા. તેની આંખો ફાટી ગઈ હતી.
ડરનો માર્યો તે થરથર ધુ્રજી રહ્યો હતો. ઈન્સ્પેક્ટરે તેને જીપમાં બેસવાનો ઈશારો કર્યો. થોડે દૂર જઈને તેમણે જીપ ઉભી રાખી. ''સંતોષીનું ખૂન તેં અને સુહાસે સાથે મળીને કર્યું છે ને?'' તેમણે પુરુષોત્તમને સીધું જ પૂછી લીધું. ''ના, ના એની હત્યામાં મારો કોઈ હાથ નથી.'' પુરુષોત્તમે ગભરાઈને કહ્યું. ''તો પછી સુહાસે પોતાનો ગુનો કબૂલવા સાથે તારું નામ શા માટે આપ્યું?'' ઈન્સ્પેક્ટરે જાળ નાખી. પુરુષોત્તમને લાગ્યું કે હવે આબાદ સપડાયો છું. આમ છતાં તેણે હત્યામાં પોતાનો હાથ ન હોવાનું રટણ જારી રાખ્યું. ઈન્સ્પેક્ટરે ચાલ બદલી. ''જો તું સાચું બોલીશ તો તમને માફીનો સાક્ષીદાર બનાવીશું.' માફી મળવાની લાલચે પુરુષોત્તમે વટાણા વેરવા માંડયા.
''સુહાસને ગામ બહાર ઝુંપડું બાંધીને રહેતી એક સ્ત્રી સાથે લગ્ન પહેલાથી આડા સંબંધો છે. વિશાખા નામની આ સ્ત્રીને તેના પતિએ છોડી દીધી છે. તેના નાદે ચડેલો સુહાસ પોતાની બધી કમાણી વિશાખા પાછળ લૂટાવી દેતો. તેથી તેના મા-બાપે વિચાર્યું કે સુહાસના લગ્ન કરી નાખીએ તોે તે સુધરી જશે. પણ એવું બન્યું નહીં. સંતોષી ભાભી એકદમ સરળ અને ઋજુ સ્વભાવના હતા. સુહાસને સુધારવાના તેમના બધા પ્રયત્નો બેકાર ગયા હતા. એક વર્ષમાં તેમણે સુહાસને સારી રીતે ઓળખી લીધો હતો.
સંતોષી ભાભીની માતાએ તેના પિતાના નિધન પછી ખૂબ સંઘર્ષ કરીને ત્રણે પુત્રીઓને મોટી કરી હતી. બાપ વગરની દીકરીઓને ઓછું ન આવે અને સાસરામાં તેમને મહેણાં ન સાંભળવા પડે એટલે તેણે નથ, બુટ્ટી, વીંટી અને હાર જેવા સોેનાના ઘરેણાં પણ ભાભીને આપ્યા હતા. હવે પિયરમાં પાછા જઈને તે પોતાની માતાને દુ:ખી કરવા નહોતી માગતી. '' આટલું કહેતાં પુરુષોત્તમ પોરો ખાવા અટક્યો.
''પણ તેની હત્યા તમે શી રીતે કરી?'' ઈન્સ્પેક્ટરે વધુ પૂછપરછ આદરી. ''ભાભી ચૂપચાપ સુહાસની સાચી-ખોટી હરકતો સહન કરી રહ્યાં હતાં. એવામાં વિશાખાની નજર ભાભીના હાર પર પડી. તેણે સુહાસ પર એ હાર લાવી આપવાનું દબાણ કર્યું. વિશાખા પાછળ આંધળા બનેલા સુહાસે હાર મેળવવા ઘણાં પ્રયત્નો કર્યાં. ભાભીને એ વાતનો ખ્યાલ આવી જતાં તેઓ હાર પોેતાની માતા પાસે મુકી આવ્યા. પરંતુ ગણેશોત્સવ હોવાથી તે હાર લઈ આવ્યા હતા.''
''રાત્રે અમે પાનાં રમવા બેઠાં ત્યારે તેમને સખત ઊંઘ આવતી હતી. તેઓ જરાક આડા પડયા ત્યાં તેમને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. સુહાસે મને બચપણની દોસ્તીના સોગંધ આપી હાર મેળવવામાં મદદ કરવાનું કહ્યું. નશાની હાલતમાં હું તેને સાથ આપવા તૈયાર થઈ ગયો. પણ મને એ વાતની કલ્પના નહોતી કે તે તેમની હત્યા કરી નાખશે.
તેણે મને સંતોષીના હાથ પાછળથી પકડવાનું કહ્યું. મેં તેના હાથ પકડયા એટલે તેણે તેને એક ઝાટકે બેઠી કરી. તેના ગળા પાસે સુહાસના હાથ ગયા ત્યારે મને લાગ્યું કે તે તેનો હાર ઉતારી લેશે. પણ તેણે તેનું ગળું એટલા જોરથી દબાવ્યું કે ભાભીનો શ્વાસ રુંધાઈ ગયો.''
''આ જોઈને હું ગભરાઈ ગયો. પણ સુહાસે મને ધમકી આપી કે જો કોઈ જોઈ જશે તોે આપણે બંને પકડાઈ જઈશું. પછી સુહાસે તેના અંગ પરથી બધા દાગીના ઉતારી લીધાં. આ ઘરેણાં તે વિશાખાને આપી આવ્યો. પાછા આવીને એણે ભાભીની લાશ ગુણીમાં નાખીને ગુણી સીવી કાઢી.''
''રાતના અંધકારમાં અમે ગુણી લઈને ચૂપચાપ બહાર નીકળ્યા. રસ્તા પરથી જતી એક લોરી ઊભી રાખી. તેને કહ્યું કે ભાયંદર પાડામાં અમારા એક સંબંધીના ઘરે લગ્ન છે એટલે અનાજની ગુણી લઈને જવાનું છે. તેણે અમને ટ્રકમાં પાછળ બેસાડયા. અમે રેતી બંદર ઉતર્યાં અને ગુણી દૂર પાણીમાં ફેંકી આવ્યા. પછી ઘરે આવીને સૂઈ ગયા.'' પુરુષોત્તમે વાત પૂરી કરી.
''પણ પોલીસને ગેરમાર્ગે દોરવા સુહાસે ચાલેલી ચાલ તેના માટે ફાંસીનો ફંદો બની જશે. તેણે બુધવારે સંતોષીને બસમાં બેસાડવાની વાત ઉપજાવી કાઢીને પોતાના જ પગ પર કુહાડી મારી છે. હવે તે અમારા હાથમાંથી છટકીને નહીં જઈ શકે.' ઈન્સ્પેક્ટરે જીપ સુહાસના ઘર તરફ મારી મુકી.
(સ્થળ અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે)