વરરાજા - પોખીંગ ? .
સ્માઈલરામ - સાંઈરામ દવે
કેટલી બધી અવ્યવસ્થાઓમાં પણ વ્યવસ્થિત મજા કરતા N.R.I ને મેં નજરે જોયા છે. તેમના વતન પ્રેમને વંદન
આપણે ત્યાં જાજા ભાગના લગન ગોરબાપાએ કાઢી આપેલા મુહુર્ત પ્રમાણે જ થાય છે. વધુ પડતા સુધરી ગયેલા કે લીટી સુધી ભણી ગયેલા લોકો ચોઘડિયાનો ઘડો લાડવો કરી નાંખે છે. શાસ્ત્રોેક્ત લગ્નવિધિમાં આપણું એન્ટરટેન્ટમેન્ટ ઉમેરાઈ છે એટલે કેટલીક વિધિઓમાં ગતિવિધીઓ જોવા મળે છે.
જેમ કે વરકન્યા પ્રથમ વાર હાર પહેરાવે ત્યારે ક્રેઇન ની જેમ એકબીજાને ઊંચકવાની વિધિ થાય છે. ભારેખમ કન્યાના ભાઈઓ કે મામાઓ ઉત્સાહમાં કન્યાને ઊંચકી તો લ્યે પણ પાછળથી મામાનો મણકો ખસી જવાના દાખલા નજરો નજર જોયેલા છે. નાના શહેરોમાં તો જ જ્ઞાાતિની વાડીમાં જ લગ્ન સમારંભો યોજાતા યોજાતા હોય છે. હરખપદુડા વરરાજાના ભેરૂડાંઓએ ઓછી હાઇટવાળી વાડીમાં જેવો વરરાજાને ખભા ઉપર ઊંચો કર્યો અને ઉપર પંખો વરના માથામાં ભટકાણો.
દુર્ઘટના એ બની કે ચીપકીને ચોંટાડેલી વરની માથાની વીગ પાંખના પાંખીયે ચોંટી ગઈ. વીગ ની સાથે આબરૂ પણ પંખે ચોંટી ગઈ અને ઘૂઘરાળા વાળ વાળો વરરાજો ચમકતી ટાલ સાથે છોભીલો પડી ગયો. પોઈન્ટ શુડ બી નોટેડ કે આવા ટાલીયા સાથે હું ન જ પરણું ! કહીને કન્યા મંડપ છોડી ગઈ અને લીલા તોરણે જાન પાછી આવી. વરરાજાને ઊંચો કરવામાં બીચાકડો સાવ ઊંચો મુકાઇ ગયો.
N.R.I ગુજરાતીઓ સૌથી વધારે કમુરતામાં લગન નક્કી કરે છે. જેને ચોઘડીયા કરતાં જોબમાં રજા ક્રિસમસને લીધે ડિસેમ્બરમાં જ મળે છે. વળી પ્રેકટીકલી જુઓ તો કમુરતામાં ચરોતર-મહેસાણા-બરોડા કે અમદાવાદની તમામ વાડી કે પાર્ટીપ્લોટ સસ્તા ભાવે મળી જાય છે. કેટરીંગ અને મંડપ ડેકોરેશન પણ અડધો અડધ ભાવમાં રેડી ટુ વર્ક હોય છે. લગ્નગીત- ડાયરો કે ડાંડીયારાસના કલાકારો પણ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. વળી એક દી માં એક જ પ્રોગ્રામ હોવાથી બે ચાર ગીતો એક્સ્ટ્રા પણ ગાઈ દે છે.
N.R.I. વરકન્યા મોસ્ટલી બંને અમેરિકા કે ઇંગ્લેન્ડમાં જ બોર્ન એન્ડ બ્રોટપ થયેલા હોય છે. જેના વડિલો એ ગુજરાતમાં 'ધરાર લગ્ન' ગોઠવેલા હોય. બીચાકડા બાઘા જેવા બંને વરકન્યા જેને આગળ શું વિધિ કરવાની છે અને તે શું કામ કરવાની છે તેની કશી ગતાગમ હોતી નથી પગાર કરતાં જેમ મોંઘવારી વધારે હોય અને વિકાસના પડછાયામાં જેમ મંદી વધારે હોય એવો માપ બારો લાંબો ઝભ્ભો શઇૈં વરરાજા ને પરાણે પહેરાવ્યો હોય છે. સ્કીન ટાઈટ લેગીસ અને ટી શર્ટમાં જ ઉછરેલી કન્યાને મોંઘીદાટ ચણીયા ચોળી પહેરાવાય છે. જેમાં ચુંદડી કેવી રીતે રાખવી એની ખુદ કન્યાને જ ખબર હોતી નથી. વળી 'લેટ્સ એન્જોય ઇંડિયન મેરેજ' કહીને ચાર પાંચ ફોરેનરો N.R.I. ના લગનમાં અચુક હાજર હોય છે.
જે ફોરેનરોને દરેક વિધિ જાણવામાં વરરાજા કરતાં વધુ ઉત્સુકતા હોય છે. હું અને અતુલ ચરોતરના આવા જ એક ગામડામાં મિત્રના દિકરાના લગનમાં રોકાયા અને પછી તો જે થઈ છે કાંઈ...!
પીઠી ચોળતી વખતે એક ફોરેનરે જિજ્ઞાાસાથી અતુલને પુંછયું કે વોટ ઈટ ધીસ ? અતુલે રાફડીયુ ઇગ્લીશ ફાડયુ કે ધીસ ઇસ પીઠી ! પેલો કહે વોટ ? થોડુ દિમાગ કસીને અતુલે હાથે બનાવેલું અંગ્રેજી વાક્ય ઉવાચ્યું કે 'ધીસ ઇઝ પાર્લર વીધી ધોસ વરરાજા વુ ઇઝ આફ્રિકન, ધીસ વીધી મેક્સ હીમ યુરોપીયન !'(અતુલ નો કહેવાનો ભાવ હતો કે આફ્રિકન જેવો કાળો વરરાજો પણ યુરોપીયન જેવા ગોરો પીઠી ચોડવાથી થઈ જાય.) પણ પહેલો ફોરેનર જૂની કબજીયાત જેવું મોં લઈને અતુલની સામોજ ઉભો રહ્યો. ડીડન્ટ ગેટ ઈટ ! વાય વીધી ડુ ઝ ધીસ ? ફોરેનર બોલ્યો કે વિધી શું કામ કરે આ બધું ?
ત્યારે બીજા એક બહેને અમારું જ્ઞાાન વધાર્યું કે કન્યાનું નામ વીધી છે, એટલે આ મહેમાન ગોટે ચડેલા છે. મેં વળી એ બહેનને જ પૂછયુ કે તમે ? બહેન કહે હું સિદ્ધિ છું વીધીની મોટી બહેન..! મારી દાઢીના વાળ ઠઈડાય ને બેઠા થઈ ગયા કે વિધી કે સિદ્ધિ સહેજપણ સીધી લાગતી નથી ભલું થજો વરરાજાનું !
N.R.Iના લગનમાં એક સુખ હોય છે કે જાન બહારથી નથી આવતી પાર્ટીપ્લોટની અંદરથી જ આવે છે. મોસ્ટ ઓફ મહેમાનો વિદેશથી આવેલા હોવાથી સગા સંબંધીઓ જ બહારથી આવે છે. વર-કન્યાને વેવાઈ બધા સાથે મળીને પ્રસંગ માણે છે.
નકામી બાબતો માં ખોટું લગાડવાનો N.R.I લોકો પાસે સમય જ નથી હોતો. વળી વિદેશની ફાઈવ સ્ટાર હોટલમાં ગગા કે ગગીને પરણાવવા સક્ષમ હોવા છતાં આ મિત્રો પોતાના વતનમાં પ્રસંગ એટલે જ ઉજવે છે જેથી વતન સાથે તેઓ કનેક્ટ રહી શકે. કેટલી બધી અવ્યવસ્થાઓમાં પણ વ્યવસ્થિત મજા કરતા N.R.I ને મેં નજરે જોયા છે. તેમના વતન પ્રેમને વંદન.
છેડા-છેડી જોઈને વળી એક ફોરેનરે પૂછયુ કે ઈઝ ધીસ અરોબ ?(આ દોરડું છે?) અતુલ મને કાનમાં કહે ગાળીયા નું અંગ્રેજી શું થાય ? મેં કહ્યું રામ જાણે ? આપણે તો ગાળીયા નાંખ્યા છે ટ્રાન્સલેટ કરવાનો સમય જ નથી મળ્યો ? અતુલે તો'ય ક્યાંકથી ગોતી લીધું એ કહે યસ ધીસ ક્લોથ કનેકટીંગ પીપલ. ત્યાં વરરાજો બોલ્યો લાઈક નોકીયા ? મેં ઈશારો કર્યો કે ભાઈ તું રહેવા દે.
એટલી વારમાં તો વરના સાસુમા આવીને વરને પોંખ્યો. ઇંડીયા પીંડીયાના ચારે'ય દિશામાં ઘા કર્યા. એક ફોરેનર તો એ શું નાખ્યું એ ચેક કરવા દૂર નાંખેલું ઈંડીયુ ચાખી પણ આવ્યો. વરરાજાએ સાસુમાને લાંબી વિધી થતા પૂછયું કે વોટ આર યુ ડુઈંગ? ત્યાં અતુલ ઉલળીને બોલ્યો 'પોખીંગ' વરરાજા 'પોખીંગ' પોખીંગ કે જોકીંગ મેં કહ્યુ અત્યારે પોખીંગ મેરેજ બાદ જોકીંગ પણ પોખીંગ શબ્દ એક પણ ફોરેનરોની ડિક્સનરી બહારનો હોવાથી એ લોકોએ આશાભરી નજરે મારી સામે જોયું. મેં મારી રીતે ઈંગ્લીશમાં ઉત્તર વાળ્યો કે મધર ઈન લો ચેકીંગ એન્ડ સ્કેનીંગ ગ્રૂમ્સ માઇન્ડ એન્ડ ઇન્ટેલિજન્સી ઇટઝ કોલ્ડ 'પોંખણા' ઓહ ગોટ ઈટ કરતા ફોરેનરો થોડું સમજી શક્યા તેના સ્માઈલ સાથે ઉભા રહ્યા.
વર-કન્યાએ ખૂબ સરળતાથી એક બીજાને હાર પહેરાવ્યા ઉંચાનીંચા કરવાનો સવાલ જ નહોતો કારણકે વરરાજો પહેલેથી ટાલીયો જ હતો. પરંતુ એટલું તો અમને પણ લાગ્યું કે આ N.R.I વરઘોડીયાને આ વિધી શા માટે થાય છે તેની ખબર નથી છતાં પુરા ભાવથી પુરી આસ્થાથી એ લોકો દરેક વિધીને પવિત્રતાથી પૂર્ણ કરે છે. અને આપણી જ વિધી માટે નાક ના ટેરવે સૂગ ચડાવી બેઠા છીએ.
ક્યાંક એવું તો નહી થાયને કે ભવિષ્યમાં આપણી વિધીઓ અને સંસ્કારો શું હતા એ આપણને N.R.I શીખવવા અને યાદ કરાવવા આવશે? જો જો હો એટલા બધા સુધરી ન જાતા.
સાંઇરામના સ્માઇલરામ.......
ઝટકો :
પરિવાર માટે રવિવારે
WIFI વાપરો પણ
WIFI એટલે વિધાઉટ
ઇન્ટરનેટ ફેમેલી ઇન્ટરેકશન.
પુ. દિપકભાઈ દેસાઇ (દાદાભગવાન પરિવાર)