Get The App

ના હશે જેને અપેક્ષા કોઈપણ, પ્રેમમાં એ ચોક્કસપણે ફાવી જશે

સંવેદનાના સૂર - નસીર ઈસમાઈલી

Updated: Feb 25th, 2020

GS TEAM

Google News
Google News
ના હશે જેને અપેક્ષા કોઈપણ, પ્રેમમાં એ ચોક્કસપણે ફાવી જશે 1 - image


પોતે જ ઊભા કરેલા પ્રશ્નોનાં જાળામાં જ્યારે માણસ ગુંચવાતો હોય છે, ત્યારે આવું જ થતું હોય છે ખયાલ ! નહીં તો આવા ચેઈન-સ્મોકર તો તમે ક્યારેય નહોતાં. આ આઠમી સિગરેટ જલાવવા છતાં હજી તમારા રૂઆબદાર ગૌર સ્માર્ટ જવાન ચહેરા પરની ગ્લાનિની લકીરો દૂર નથી થઈ શકી. બાકી આમ તો તમે સિર્ફ શૌકીયાના સ્ટાઇલમાં દિવસમાં ત્રણ-ચાર સિગરેટો પી લેતાં એટલું જ, અને લિપ્સાને તો સિગરેટની વાસ નથી ગમતી એટલે એ લાડભર્યા સ્વરે તમને કાયમ કહેતી ખયાલ,

''તારી આ હીરોઈક સિગરેટ-છટા મને ગમે છે, પણ સિગરેટની વાસ મને ગમતી નથી ખયાલ. એ વાસ સાથે કાયમ મારાથી નહીં રહેવાય, એટલે લગ્ન પછી તારે સિગરેટ છોડી જ દેવાની હા !''

''તારા જેવી સળગ્યા વિના પણ લાલઘુમ લાગતી સિગરેટનો નશો મળ્યા પછી આ સિગરેટને હાથ પણ કોણ લગાડવાનું છે લિ !'' તમે પ્યારના નશા ભરેલા સ્વરે ત્યારે લિપ્સાને કહેતાં ખયાલ...

... લિપ્સા તમારી પોતાની જ તો પસંદ છે ખયાલ, અને તમે લિપ્સાની.

જે કંપનીમાં તમે જુનિયર પબ્લિક રીલેશન ઓફિસર છો, એ કંપનીના એક સેમિનારના આયોજનના સિલસિલામાં તમે હોટેલ 'લવલી' પર ગયેલાં, અને રિસેપ્શન કાઉન્ટર પર બેઠેલી લાંબા કર્લી જુલ્ફાં લહેરાવતી, ધવલ લીસા ચહેરાવાળી જવાન, સ્લીમ સ્લીવલેસ સ્માઈલી લિપ્સાને જોતાં જ તમને લાગેલું ખયાલ કે આ જ તમારા ખયાલોની મલેકા છે, અને તમારાથી બોલાઈ ગયેલું, 'વાઉ ! આ હોટેલનું નામ 'લવલી' કેમ છે, એ તમને જોઈને મને સમજાઈ ગયું છે. આઈ એમ ખયાલ બલસારા !'

''થેક્યુ હેન્ડસમ !'' બોલતાં ગુલાબી ગુલાબી ગલ પડતું મુસ્કરાઈને લિપ્સા શરમાઈ ગયેલી, ને તમને લાગેલું ખયાલ કે, તમારી માનીતી હિરોઈનોના મિશ્રણ સમો એક ખુબ સુરત કરીશ્માં કાઉન્ટર પાછળ મુસ્કરાઈ રહ્યો છે, અને સામા છેડે લિપ્સાને પણ તમારામાં એનો સ્વપ્ન પુરુષ દેખાયેલો અને લાગેલું કે એ સ્વપ્નપુરુષ એને આમંત્રણ આપી રહ્યો છે કે 'વેલકમ માય વેલેન્ટાઈન !...'

તમારા ડેડીને લિપ્સા સાથેની તમારી 'લવમેરેજ' પ્રપોઝલ બહુ ગમેલી નહીં ખયાલ, પણ 'લગ્નના મામલામાં સુખી યા દુ:ખી જાતે જ થવાનો હક દરેકને હોવો જોઈએ.' માનતા તમારા ડેડીએ તમારા 'લવ' સામે વાંધો નહોતો લીધો. તો લિપ્સાના મમ્મી-ડેડીએ 'દહેજ વિના મળેલા મુરતિયા'ને ઉમળકાભેર સ્વીકારી લીધો હતો.

તમારી ઓફિસનો સમય સવારના આઠથી સાંજના સાડા-ચારનો હતો ખયાલ, અને લિપ્સાની પાર્ટ-ટાઈમ 'રીસેપ્શનીસ્ટ'ની જોબનો સમય સાંજે છથી નવનો. એટલે તમારા લવ-કમ-એરેન્જડ મેરેજ પહેલાં તમે બંને રોજ સાંજે કલાક - બે કલાક માટે મળી શકતાં, અને એ 'કલાક' આંખોના જામમાં આઈસ-ક્યુબની જેમ ઓગળી જતો.

અને લિપ્સા સાથે લગ્ન. મદહોશી ભરેલી બેહોશીના બે હનીમૂની મહિના પછી જ તમારો 'લવ-મેરેજ'નો કેફ ઉતરવા માંડેલો ખયાલ, જે આજે તો તમને ચેઈન સ્મોકીંગની બેચૈન ચેઈન વડે બાંધી ચુક્યો છે. ચૌદમી ફેબુ્રઆરીનો 'વેલેન્ટાઈન ડે', જે દિવસે તમે તમારી 'વેલેન્ટાઇન' સાથે લવ મેરેજ કર્યા હતા ખયાલ એ હવે તમારા માટે 'વોલ્કેનો-ડે' (જ્વાળામુખી દિન) બની ચુક્યો છે.

રીસેપ્શનીસ્ટની જોબ તો લિપ્સાએ લગ્ન પછી તરત જ છોડી દીધેલી, પણ એની હસતી ખુબસુરતી આસપાસ મંડરાતા રહેતા પુરૂષ મિત્રમંડળને એ નથી છોડી શકી ખયાલ.

લિપ્સા સામે તમને અનેક ફરિયાદો છે, પણ તમે એના માટે કોઈને દોષ દઈ શકો તેમ નથી ખયાલ, કે ન તો ત્રણસો કિલોમીટર દૂર રહેતા તમારા ડેડી આગળ તમારું દુ:ખ રડી શકો તેમ. અને મિત્રો તો તમારી 'ખુબસુરત' જોડીને જોઈને જ તમારા 'સુખ' (!)થી જલી ઊઠે છે !

તમારે મન લિપ્સાએ આળસુ અને મોડે સુધી ઊંઘી રહેતી ઊંઘણશી, ઘરનાં નાનાં-મોટાં કામો સંભાળવા માટે તદ્દન અક્ષમ, ચિડીયલ અને ફૂવડ વ્યક્તિ છે. એ પોતાની સજાવટમાં જેટલી ચિવટ રાખે છે, અને સમય બગાડે છે, એનાથી ચોથા ભાગની ચિવટ પણ તમારા ઘર માટે રાખતી હોત તો તમારું આ ઘર કોઈ હોટલના મુસાફરના ચાલી ગયા બાદના કમરા જેવું અસ્તવ્યસ્ત ના હોત. તમે જોબ પરથી થાક્યા પાક્યા ઘેર આવો ત્યારે લિપ્સા ઘેર ના હોય ત્યારે તમને એક કળ ચડી જાય છે, અને એ આવે છે ત્યારે જે સ્લીવલેસ બાહુઓ તમને 

ક્યારેક કમળની દાંડલી જેવા લાગતા હતાં, એ અણીદાર બરછીની જેમ તમારી આંખોમાં ભોંકાઈ જાય છે. લવ-મેરેજ કર્યા પછી બોલાચાલી, ઝઘડા અને સતત તનાવ વચ્ચે તમે અને લિપ્સા 'મેરેજ-લવ' વિનાનું જીવન ગુજારી રહ્યા છો. તમને સતત એમ લાગે છે ખયાલ કે, તમે લિપ્સા સાથે લગ્ન કરવામાં ભૂલ કરી બેઠાં છો, અને એ ભુલ સુધારવાનો માત્ર એક જ રસ્તો છે - ડિવોર્સ !

... આજે પણ તમે 'ઓફિસથી આવી ગયા છો ખયાલ, પણ એક મહિલા - સંસ્થાની મિટીંગમાંથી લિપ્સા હજી ઘેર પાછી નથી આવી - ઘેર આવ્યા પછી તમે આ આઠમી સિગરેટ જલાવી રહ્યા છો ત્યારે પણ...'

ખયાલ, જોકે તમને એ જાણીને આઘાત લાગશે કે લિપ્સાને ય તમારી સામે ઓછી ફરિયાદો નથી ! એટલે તો એ એની વિદેશ સ્થિત પરિણીત મોટી બહેનને પત્રમાં લખી ચુકી છે કે,

'મોટીબેન ! વિદેશના તેં ચિંધેલ ડૉક્ટર છોકરાને પસંદ કરવાની તારી વાત ના માનીને મેં બહુ મોટી ભુલ કરી છે. જેને મેં 'હીરો' માનીને 'લવ-મેરેજ' કર્યા એ ખયાલ પતિ તરીકે તો સાવ 'ઝીરો' જ છે. એ મને પત્ની નહીં, ઘરની નોકરાણીયા 'કેર-ટેકર' જ સમજે છે.' એ એની સ્ત્રી-મિત્રો સાથે લળી લળીને વાત કરે એ મારે ચલાવી લેવાનું, પણ હું કોઈની સાથે સહેજ વાત કરું યા કોઈ ફેશનેબલ - સ્લીવલેસ વસ્ત્ર-પરિધાન કરું તો એ ગુસ્સાથી સળગી જાય છે. જાણે હું એની માલિકીની કોઈ જડ મિલ્કત હોઉં તેમ. એ એની મિટીંગોમાંથી ગમે ત્યારે આવી શકે, પણ મને બહારથી આવતાં સહેજ મોડું થયું હોય તો, 'રખડુ' અને 'બેજવાબદાર'ની ગાળોભર્યો એનો ગુસ્સો મારે જ સહન કરવાનો ! પ્રેમ-લગ્નમાં લગ્ન પછી પ્રેમ આટલો જલ્દી ઓગળી કેમ જતો હશે ?

એટલે ખયાલ તમારી જેમ લિપ્સાને ય એ સવાલ સતત મુંઝવે છે કે, જેને તમે પહાડ જેવો અવિચળ ગણતા હતાં એ તમારા બંનેના પ્રેમના સ્વપ્ન-મહેલમાં આટલી જલ્દી તિરાડો કેમ પડવા માંડી છે ? તમે બંને એ તિરાડો માટે એકબીજાને જવાબદાર ગણો છો ખયાલ, પણ હું તમને એમ કહું કે જે પરિસ્થિતિ સર્જાઈ છે, એમાં તમારા બંનેમાંથી એકેયનો કોઈ જ વાંક નથી તો ??

આશ્ચર્ય થયું ખયાલ ? પણ આ સાચી વાત છે. લગ્ન પહેલાં અનેકવાર મળવા છતાં તમે એકેય વાર લિપ્સાને નથી મળ્યા ખયાલ કે લિપ્સા તમને નથી મળી. તો પછી તમે કહેશો ખયાલ કે તેવીસ કલાક એકબીજાને મળવાની તૈયારી-તાલાવેલીમાં ગાળી, કલાક માટે રોજ એક-બીજાને કોફી-હાઉસમાં મળતા ખયાલ - લિપ્સા કોને મળતા હતાં ?

સમજાવું ખયાલ ! તમે અને લિપ્સા દિવસના તેવીસ કલાક એકબીજા સમક્ષ શ્રેષ્ઠતમ રીતે રજુ થવાની તૈયારી કરી લગ્ન પહેલાં રોજ કલાક માટે મળતા હતાં ત્યારે તમે બંનેએ એ 'રજુઆત'ના આધારે એકબીજાની અપેક્ષાગત મનોમૂર્તિઓ રચી હતી, જે વાસ્તવિક નહીં પણ લિપ્સા-ગત ખયાલી વધારે હતી. એ મૂર્તિઓ એકબીજાને મળતી હતી, તમે બંને નહીં ! હવે એ મૂર્તિઓ ચોવીસ કલાક સાથે રહેવાથી વાસ્તવના પથ્થર પર પછડાઈને તૂટી જવાથી જ તમારી સમસ્યા જન્મી છે કે, આ એ વ્યક્તિ અર્થાત એ મૂર્તિ નથી કે જેને મેં ચાહી છે. મનોમૂર્તિગત સંબંધો હંમેશા સંઘર્ષ નોતરે છે. કેમકે વ્યક્તિ એ માત્ર નખશિખ સર્વાંગ સંપૂર્ણ આપણી અપેક્ષાઓ પ્રમાણેનું શિલ્પ ક્યારેય નથી હોતી. એની સાથે એની ખામીઓનું વરવાપણું પણ અભિન્ન રીતે જોડાયેલું હોય છે જ.

એટલે વ્યક્તિને ચાહવાનો અર્થ એ થાય છે કે, એ જેવી છે તેવી, તેનો તેના તમામ પાસાઓ સાથે સ્વીકાર કરી સમગ્રતાથી ચાહવી. અને ત્યારે જ તમે જાણી શકશો ખયાલ - લિપ્સા કે, તિરસ્કાર વિના, ઈર્ષ્યા કે ક્રોધ વિના, સામેની વ્યક્તિ જે કંઈ કરે યા વિચારે તેમાં વચ્ચે પડવાની ઈચ્છા વિના, નિંદા કે તુલના વિનાના પ્રેમનો અર્થ શો છે ! આવા 'અ-ખંડ' પ્રેમની અનુભૂતિ જ તમારા બંનેની સમસ્યા-કાલિમાને પ્રેમના આનંદની લાલિમામાં પલટાવી શકશે ખયાલ-લિપ્સા, અને તમારો અત્યારનો દરેક 'વોલ્કેનો-ડે' ફરી બની જશે 'વેલેન્ટાઈન-ડે...'

(શીર્ષક સંવેદના : રાજેશ બ્રહ્મભટ્ટ - વડોદરા)

Tags :