Get The App

જયપુરની એક હોટલમાં અપરાધીઓએ ઘડયું એક સિક્રેટ મિશન

ક્રાઈમવૉચ - મહેશ યાજ્ઞિક

Updated: Feb 4th, 2020

GS TEAM

Google News
Google News
જયપુરની એક હોટલમાં અપરાધીઓએ ઘડયું એક સિક્રેટ મિશન 1 - image


એણે ડોરબેલ દબાવી પણ બારણું તો ખુલ્લું જ હતું.એને નવાઈ લાગી. શ્વેતામેડમનું બારણું કાયમ બંધ જ હોય.આજે ખુલ્લું કેમ?

''એ ક ખાસ કામ માટે તને આગ્રાથી જયપુર બોલાવ્યો છે. મારું પોસ્ટિંગ આગ્રામાં હતું ત્યારથી તારા બનેવી સાથે પાકી દોસ્તી છે પણ એને ફોન પર કામ કહ્યું તો એ ફસકી ગયો. પછી એણે કહ્યું કે મારા સાળા સૌરભને મોકલું છું. કોઠાકબાડાનું કોઈ પણ કામ હશે તો એ ગીલીન્ડર પતાવી આપશે.''  રોહિત તિવારીએ સિગારેટના પેકેટમાંથી એક સિગારેટ બહાર કાઢીને પોતે સળગાવી અને પછી સામે બેઠેલા સૌરભ ચૌધરી તરફ પેકેટ લંબાવ્યું. ''તું આવી ગયો છે તો સાંભળ.''

ડિસેમ્બર,૨૦૧૯ ની એક સાંજે હવામહેલ રોડ પરની એક હોટલમાં આ ચર્ચા ચાલી રહી હતી. 

''શ્યોર.'' સૌરભે પેકેટમાંથી સિગારેટ લઈને સળગાવી અને પછી રોહિત સામે જોયું. ''એક માત્ર લક્ષ્મીજીની કૃપા નથી. એ સિવાય આખી દુનિયાને નચાવવાની તાકાત છે. તું કહીશ એ કામ પતાવીશ.એક માત્ર પૈસાની વાત ના કરતો.''

''પૈસા તો હું તને આપીશ.'' પાકીટ કાઢીને રોહિતે બે હજાર રૂપિયાની દસ નોટ સૌરભ સામે લંબાવી. ''અત્યારે આ વીસ હજાર એડવાન્સ.કામ પતાવીશ તો તને માલામાલ કરી દઈશ.''સૌરભે એ રૂપિયા લઈને પોતાના ખિસ્સામાં મૂકી દીધા. પછી રોહિત સામે જોઈને એણે આત્મવિશ્વાસથી કહ્યું. ''હુકમ કર. તારું કામ બાપના બોલથી પતાવી આપીશ.'' રોહિત તિવારીએ ધીમા અવાજે બોલવાનું શરૂ કર્યું. એની વાત સાંભળીને એક સેકન્ડ માટે તો સૌરભ થીજી ગયો.આખી યોજના સાંભળ્યા પછી અર્ધીમિનિટ વિચારીને એ મલક્યો. ''આપણા વિચારોમાં ગજબનાક સામ્ય છે,રોહિત! જે ઈચ્છાને તારે અંજામ આપવો છે,એવી જ તમન્ના મારા મનમાં તો વર્ષોથી ઘૂંટાય છે!''

રોહિત હસી પડયો. ''વારા પછી વારો. તું મારું કામ પતાવી આપ. એ મામલો ઠંડો પડે કે તરત તારી ઈચ્છા પૂરી કરવાની મારી ગેરંટી. જેન્ટલમેન પ્રોમિસ!'' 

એકેએક મુદ્દાની ચકાસણી કરીને રોહિતે તૈયારી કરી રાખી હતી. એણે સૌરભને પ્લાન સમજાવી દીધો.તારીખ નક્કી કર્યા પછી હાથ મિલાવીને બંને છૂટા પડયા.  

સાતમી જાન્યુઆરી,૨૦૨૦. જયપુરના જગતપુર વિસ્તારમાં આવેલા યુનિક ટાવરના આઠેક ફ્લેટમાં ભંવરી ઘરકામ કરતી હતી. રોજની જેમ સાંજે સાડા પાંચ વાગ્યે ફ્લેટ નંબર એકસો ત્રણમાં જઈને એણે ડોરબેલ દબાવી પણ બારણું તો ખુલ્લું જ હતું.એને નવાઈ લાગી. શ્વેતામેડમનું બારણું કાયમ બંધ જ હોય.આજે ખુલ્લું કેમ? એ અંદર ગઈ. ડ્રોઈંગરૂમમાં પહોંચીને એણે બેડરૂમના ખુલ્લા બારણામાંથી અંદર નજર કરી એની સાથે જ ચીસ પાડીને એ બહાર દોડી આવી.એની ચીસાચીસ સાંભળીને પાડોશીઓ દોડી આવ્યા.

બત્રીસ વર્ષની શ્વેતા તિવારીની લોહીથી લથબથ લાશ બેડરૂમના પલંગ પર પડેલી જોઈને પાડોશીઓ હેબતાઈ ગયા. ખૂનીએ બહુ નિર્દયતાપૂર્વક શ્વેતાનું ગળું રહેંસી નાખ્યું હતું. ત્યાંથી નીકળેલું લોહી છેક ઢીંચણ સુધી રેલાઈને જામી ગયું હતું. રૂપાળી શ્વેેતાની ખુલ્લી આંખોમાં ખોફનાક મોતનો ભય થીજી ગયો હતો એટલે ચહેરો બિહામણો લાગતો હતો.

''પોલીસને ફોન કરો.'' ''પોલીસ આવીને બધું ચેક કરશે, કોઈએ અંદર જવાનું નથી.એકેય ચીજને કોઈ અડતા નહીં.'' ''એ પહેલા કોઈ રોહિતભાઈને તો ફોન કરો.'' બધા પાડોશીઓ વચ્ચે આવી ચર્ચા ચાલતી હતી ત્યારે પાડોશમાં રહેતા બહેને ચીસ પાડીને કહ્યું.''અલ્યા કોઈ શ્રીયમની તો તપાસ કરો. એ ક્યાં છે?''

શ્રીયમ એટલે રોહિત તિવારી અને શ્વેતા તિવારીનો એકનો એક દીકરો. લગ્નજીવનના સાત વર્ષ પછી એમના સંસારમાં આ પુત્રનું આગમન થયું હતું. એકવીસ મહિનાનો શ્રીયમ પરાણે વહાલો લાગે એવો રમતિયાળ અને રૂપાળો હતો. બધા પાડોશીઓ એને પ્રેમથી રમાડતા હતા. શ્વેતાની આ રીતે હત્યા કરનારે એ માસુમ બાળકનું શું કર્યું હશે? એ પ્રશ્ન બધાને મૂંઝવતો હતો.

રોહિત તિવારી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં મેનેજરના હોદ્દા પર હતો.એની નોકરી જયપુર એરપોર્ટ પર હતી. સમાચાર મળ્યા એટલે એની આફિસના બે મિત્રો પણ એની સાથે દોડી આવ્યા. 

માતાની ક્રૂર હત્યા અને એના માસુમ બાળકનો પત્તો નથી એ સમાચારની ગંભીરતા પારખીને પ્રતાપનગર પોલીસ સ્ટેશનની આખી ટીમની સાથે જયપુર પૂર્વના એડિશનલ ડેપ્યુટી કમિશનર મનોજ ચૌધરીએ આવીને તપાસનો દોર સંભાળી લીધો.ફોરેન્સિકની ટીમ ફ્લેટમાં હતી. ડોગ સ્ક્વાડ ફ્લેટ અને કમ્પાઉન્ડની વચ્ચે તપાસ કરી રહી હતી.મનોજ ચૌધરીને બાળકની ચિંતા હતી. જયપુરના છેવાડે જગતપુરમાં આવેલા આ યુનિક ટાવરની પાછળનો વિસ્તાર જંગલ જેવો હતો. ચૌધરીએ તાબડતોબ પોલીસની ટીમને બાળક શોધવા માટે કામે લગાડી દીધી.

લોહીથી લથબથ શ્વેતાની લાશ જોઈને રોહિત ત્યાં જ ફસડાઈ પડયો હતો. એના આફિસના મિત્રો એને સંભાળી રહ્યા હતા.

''એક માત્ર શ્વેેતાના મોબાઈલ સિવાય ઘરમાંથી કશુંય ગૂમ થયું નથી. ધેટ મિન્સ, હત્યારાનો ઈરાદો માત્ર હત્યાનો જ હતો.''રોહિત લગીર સ્વસ્થ થયો એટલે ચૌધરીએ એને પૂછયું. ''તમને કોઈના ઉપર શંકા છે? તમારે કોઈની સાથે દુશ્મનાવટ હતી?'' નકારમાં માથું ધૂણાવીને રોહિત ચૌધરી સામે કરગર્યો. ''સાહેબ, મારા શ્રીયમને શોધી આપો. હત્યારો એને ઉઠાવી ગયો લાગે છે. પ્લીઝ, મારા દીકરાને પાછો લાવી આપો.''

''ચિંતા ના કરો. જયપુર પોલીસ બેડાના જવાનો અત્યારે તમારા દીકરાને શોધવા મથી રહ્યા છે.એ લોકો કંઈક સારા સમાચાર લાવશે.''ચૌધરીએ એને ધરપત આપી. 

થોડી વારમાં રોહિતના મોબાઈલ પર એક એસ.એમ.એસ.આવ્યો એટલે ચીસ પાડીને એણે એ મેસેજ ચૌધરીને બતાવ્યો. ''તારા દીકરાને જીવતો પાછો જોઈતો હોય તો ત્રીસ લાખ રૂપિયા રોકડા તૈયાર રાખ'' આ મેસેજ વાંચીને ચૌધરી પણ ચમક્યો. ''સાહેબ, આ નંબર શ્વેતાના મોબાઈલનો છે.

ખૂનીએ આ મેસેજ શ્વેતાના મોબાઈલ પરથી જ કર્યો છે.''રોહિતે આવું કહ્યું કે તરત ચૌધરીએ પાસે ઊભેલા એક ઈન્સ્પેક્ટરને સૂચના આપીને રવાના કર્યો. બે કલાક પછી ફરી વાર એ જ નંબર પરથી બીજો મેસેજ આવ્યો કે પૈસા ક્યાં અને કઈ રીતે આપવાના છે એની સૂચના કાલે સવારે મળશે,ત્યાં સુધીમાં પૈસાનો બંદોબસ્ત કર.

શ્વેતાનું પિયર કાનપુરમાં હતું. ત્યાં સમાચાર પહોંચ્યા કે તરત એના પિતા સુરેશ, માતા માધુરી અને બંને બહેનો વંદના અને સપના જયપુર આવી ગયા. શ્વેતાનો ભાઈ શુભમ બેંગલુરૂમાં ઈસરોમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. એ પણ દોડી આવ્યો.

શ્વેેતાની લાશ જોઈને એ બધા ચોધાર આંસુએ રડતા હતા.''સાહેબ, આ નાલાયકે જ અમારી દીકરીને મારી નાખી છે.'' સુરેશ અને માધુરીએ પોલીસ અધિકારી સામે હાથ જોડીને ફરિયાદ કરી. ''આ રાક્ષસને પરણી એ પછી એ બાપડીએ એકેય દિવસ સુખમાં નથી વિતાવ્યો. એ લોભિયાએ માગ્યું એટલું દહેજ આપ્યું તોય એ શ્વેતા સુખી નહોતી.

લગ્નના સાત વર્ષ પછી દીકરાનો જન્મ થયેલો એટલે દીકરાના મોં સામે જોઈને માત્ર એના માટે જ મારી દીકરી આ રાક્ષસની સાથે રહેતી હતી.''બાપે ધૂ્રજતા અવાજે પોલીસને જાણકારી આપી. ''છ દિવસ પહેલા જ આ હરામીએ મને ફોન કરીને ધમકી આપેલી કે તારી દીકરીને હું મારી નાખીશ. એણે આવું કહેલું પણ સાચેસાચ એ આવું કરશે એવું તો મેં સ્વપ્નામાંય વિચાર્યું નહોતું.''

એમની આવી રજૂઆત પછી પોલીસે વધુ સાવધાન બનીને રોહિત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. બાહોશ અધિકારીઓએ પૂરી ચીવટથી રોહિત અને શ્વેતાના પાડોશીઓને વિશ્વાસમાં લઈને ઝીણામાં ઝીણી વિગતો મેળવવાનું શરૂ કરી દીધું.

બાવીસ કલાક પછી ફ્લેટની પાછળ જે ઝાડી હતી એમાંથી શ્રીયમની લાશ પોલીસે શોધી કાઢી ત્યારે બધા પાડોશીઓની આંખ પણ ભીની થઈ ગઈ. શ્રીયમની હત્યા ગળું દબાવીને કરવામાં આવેલી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ શ્વેતાનું ગળું રહેંસી નાખતા અગાઉ ખૂનીએ એના માથામાં કોઈ બોથડ હથિયાર મારીને એને બેહોશ કરી નાખેલી. રસોડામાંથી પોલીસને લોહીના ડાઘવાળો લોખંડનો દસ્તો પણ મળી આવેલો.

તારીખ દસમી જાન્યુઆરીએ પોલીસ કમિશનર આનંદ શ્રીવાસ્તવે પ્રેસ કોન્ફરન્સ બોલાવી ત્યારે આખો ઓરડો ખીચોખીચ ભરાયેલો હતો.

''અમારી ટીમના ચુનંદા જવાનોએ માત્ર ત્રણ જ દિવસમાં શ્વેતા અને શ્રીયમના ડબલ મર્ડરનો ભેદ ઉકેલી નાખ્યો છે.''કમિશનરના રણકતા અવાજમાં પોતાના સાથીઓ માટે ગૌરવ છલકાતું હતું. ''શ્વેતા અને રોહિત વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને રોહિત એને મારતો હતો એવી જાણકારી પાડોશીઓએ આપી.શ્વેેતાના માતા-પિતાએ જે કહ્યું એ સાંભળ્યા પછી અમને રોહિત ઉપર પૂરી શંકા હતી. પણ એ ચાલાક હતો. એણે પોતાની એલિબિ એટલી જડબેસલાક ગોઠવી હતી કે જ્યારે શ્વેતાની હત્યા થઈ એ સમયે એ આફિસમાં એના અધિકારીઓ સાથે મિટિંગમાં હતો. એણે કોઈને સોપારી આપી હશે એ વાતમાં અમને કોઈ શંકા નહોતી.

વળી,પોલીસને ગેરમાર્ગે દોરવા માટે એણે શ્રીયમના અપહરણ અને ખંડણીની રકમ માગવાનું નાટક ગોઠવેલું. એનો પ્લાન એવો હતો કે શ્રીયમની લાશ તાત્કાલિક ના મળે અને ત્યાં સુધી પોલીસનું ધ્યાન શ્રીયમના અપહરણ કરનાર ઉપર જ કેન્દ્રિત રહે. પરંતુ એની એ જ મૂર્ખામી એને નડી.

ખૂની શ્વેતાના જે મોબાઈલ પરથી મેસેજ મોકલતો હતો એ લોકેશન અમે શોધી કાઢયું હતું અને એના આધારે અમારી ટીમે સાંગાનેર જઈને ખૂની સૌરભ ચૌધરીને દબોચી લીધો. એ અમારી પકડમાં આવી ગયો પછી એનું મોઢું ખોલાવવાનું કામ તો અમને આવડે છે. પથ્થરની મૂત પણ મોં ખોલીને ફટાફટ બોલવા માંડે એવો કસબ અમને આવડે છે. સૌરભ ચૌધરીએ જે કબૂલાત કરી એ પછી રોહિતને પકડવામાં કોઈ તકલીફ નહોતી.''

એક સાથે આટલું બોલ્યા પછી એમણે ટેબલ પરથી પાણીનો ગ્લાસ લઈને બે ઘૂંટડા પાણી પીધું. મીડિયાના બધા માણસો જિજ્ઞાાસાથી એમની સામે તાકી રહ્યા હતા.એ બધાની સામે જોઈને એમણે આગળ માહિતી આપી.

''રોહિત અને શ્વેતાના લગ્ન જાન્યુઆરી,૨૦૧૧ માં થયેલા. પરંતુ એ બંને વચ્ચે મનમેળ નહોતો.દહેજરૂપે જે જે વસ્તુઓ એણે માગી એ શ્વેતાના મા-બાપે પ્રેમથી આપી એ છતાં શ્વેતાને એ મારઝૂડ કરતો હતો. એના મગજમાં એક જ વિચાર ઘૂમરાતો હતો કે ગમે તેમ કરીને શ્વેતાને જો જિંદગીમાંથી દૂર કરી શકાય તો ફરી વાર એનાથીયે રૂપાળી અને ધનવાન છોકરીને ઘરમાં લાવી શકાય.

નવી ઘોડી,નવો દાવ એવી એની ગણતરી હતી.લગ્નના સાત વર્ષ પછી શ્રીયમનો જન્મ થયો એ પછી એને લાગ્યું કે હવે તો મશ્કેલી વધી. એણે શ્વેતા ઉપર ત્રાસ વધારી દીધો. પત્ની અને બાળકથી મુક્તિ મેળવીને એ નવેસરથી લગ્ન કરવા હવે એ ઝનૂની બન્યો હતો. ઠંડા કલેજે એણે એ બંનેને ખતમ કરી નાખવાનો પ્લાન બનાવ્યો. આગ્રામાં એના જિગરી દોસ્તને એણે વાત કરી. આવું કામ કરવાની એ નોકરિયાત મિત્રની જિગર નહોતી એટલે એણે એના સાળાને ખો આપી.

એનો સાળો સૌરભ ચૌધરી પૈસા માટે ગમે તે કામ કરી શકે એવો હલકટ હતો. આગ્રાથી સૌરભ આવ્યો અને રોહિતે એને કામ સમજાવ્યું ત્યારે સૌરભે સામી શરત કરી કે હુંય મારી બૈરીથી કંટાળી ગયો છું. શ્વેતા અને શ્રીયમને હું ખતમ કરી નાખીશ પણ એ પછી તારે મારી બૈરીને મારી નાખવાનું જોખમ લેવું પડશે. રોહિતે એની વાત સ્વીકારી અને એ ઉપરાંત સોપારી પેટે વીસ હજાર રૂપિયા પણ આપ્યા. સાતમી જાન્યુઆરીએ રોહિતે પોતાની એલિબિ મજબૂત કરવા માટે આફિસમાં એક પછી એક મિટિંગો ગોઠવી હતી.

બપોરે અઢી વાગ્યે સૌરભ યુનિક ટાવરમાં આવ્યો. આગ્રામાં પણ એ રોહિતના ઘેર આવી ચૂકેલો હતો એટલે શ્વેતા એને ઓળખતી હતી. શ્વેતાને એને ચા-નાસ્તો કરાવ્યો. શ્રીયમ બાજુના ઓરડામાં ઊંઘતો હતો.ખાલી કપ-રકાબી મૂકવા માટે શ્વેતા રસોડામાં ગઈ ત્યારે સૌરભ એની પાછળ ગયો અને ત્યાં પડેલો લોખંડનો દસ્તો લઈને એણે શ્વેતાના માથામાં જોરથી માર્યો.

બેહોશ થઈ ગયેલી શ્વેતાને એ ઢસડીને બેડરૂમમાં લઈ ગયો અને પલંગ પર નાખી. ધારદાર છરીથી શ્વેેતાની ગરદન કાપી નાખી. એ પછી બાજુના ઓરડામાંથી એણે શ્રીયમને ઉઠાવ્યો અને એને ઊંચકીને એ ભાગ્યો. ફ્લેટની પાછળ ઝાડીમાં જઈને એણે શ્રીયમનું ગળું દાબી દીધું અને એ નાનકડી લાશને ઝાડીમાં સંતાડી દીધી.''

સૌરભની ક્રૂરતાની વાત કહીને ગળું ભરાઈ આવ્યું હોય એમ એ લગીર અટક્યા. ''રોહિતે જે પ્લાન બનાવ્યો હતો એમાં પોલીસનું ધ્યાન અને તપાસનો એંગલ બદલવા માટે શ્રીયમનું અપહરણ અને સામે ત્રીસ લાખની માગણીની વાત વધુ ચગાવવાની હતી. એ માટે શ્રીયમની લાશને લાંબા સમય સુધી જડે નહીં એ રીતે સંતાડી રાખવાની હતી. ઝાડીમાં લાશ સંતાડયા પછી તક મળે ત્યારે સૌરભ એને બીજે ક્યાંક લઈ જવાનો હતો પરંતુ અમારા એંશી કોન્સ્ટેબલ ઝાડીમાં જે રીતે તપાસ કરી રહ્યા હતા એ જોઈને એની હિંમત ના ચાલી.''

બધા મીડિયાકર્મીઓ સામે જોઈને એમણે ઉમેર્યું.''શ્વેતાના મા-બાપ ઉપરાંત પાડોશીઓએ જે માહિતી આપી એના આધારે પહેલેથી જ રોહિત ઉપર અમને શંકા હતી. કૂતરાને દસ્તો સૂંઘાડેલો એ પછી એ રોહિતની કાર પાસે જ ગયેલો. રોહિતે પહેલી વાર શ્વેતાની લાશ જોઈ ત્યારે એના ચહેરા પર આઘાત કે પીડાને બદલે છૂટકારાની લાગણી હતી એ પણ અમારા ડેપ્યુટી કમિશનર મનોજે નોંધેલું.

રોહિત લાશની નજીક ગયો ત્યારે જે પાડોશી એની સાથે હતા એ સજ્જને કહ્યું કે લાશની સામે જોઈને રોહિતે બબડેલો કે આઈ એમ સોરીશ્વેતા! રાક્ષસ જેવા રોહિતે નવી ઘોડી નવો દાવ રમવા માટે પ્લાન તો પરફેક્ટ બનાવેલો પણ પોલીસની તાકાત ઓછી આંકવામાં એ માર ખાઈ ગયો.બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને હવે સળિયા પાછળ બેસીને સજાની પ્રતીક્ષા કરે છે.''

Tags :