Get The App

ભજન ગાવા છોડીને ભેંસનું ધ્યાન રાખો !

ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઈ

Updated: Mar 17th, 2020

GS TEAM

Google News
Google News

સંત તુકારામના નિંદકને એક નવી તક મળી ગઈ. આજ સુધી તો તુકારામના ઘેર એ અભંગ સાંભળવા જતો અને જેવાં ભજન પૂરાં થતાં કે તરત બહાર નીકળીને સંતની નિંદા કરવા લાગતો. નિંદા કરનાર હંમેશાં નવી તક શોધતો હોય છે. એક નવી સુંદર તક આ નિંદકને મળી ગઇ. બન્યું એવું કે તુકારામની ભેંસ ચરતી ચરતી એના વાડામાં પેસી ગઈ અને થોડું ઘાસ ખાઈ ગઈ.

ટીકા કરવાની તક શોધનારને સામે ચાલીને ગુસ્સે થવાનો અવસર મળ્યો. આથી એ તુકારામને અપશબ્દ કહેવા લાગ્યો. એમને કહ્યું, 'તમે રોજ ભગવાનની ભક્તિ કરો છો, પરંતુ તમારી ભક્તિ એ તો દંભ અને આડંબર છે. હવે ભજન ગાવાં મૂકી દો. પહેલાં ભેંસનું ધ્યાન રાખો. સમજ્યાને બગભગત.'

તુકારામ મૌન રહ્યા એટલે નિંદકે જોરથી બરાડા પાડતા કહ્યું, 'મારી વાત તમને સંભળાય છે ? તમે પાખંડીઓની અને કર્મકાંડીઓની ટીકા કરો છો, સૌથી મોટા પાખંડી તો તમે છો.'

તુકારામ શાંતિથી સાંભળી રહ્યા એટલે પેલાનો ગુસ્સો ફાટી નીકળ્યો. બાજુમાં જ બાવળની શૂળ હતી, તે લઇને તુકારામની પીઠમાં ભોંકી દીધી. નિંદકનો ગુસ્સો માંડ ઠર્યો. સંત તુકારામે હળવેથી શૂળ બહાર કાઢી નાખી અને પીઠમાં નીકળેલા લોહીને લૂછી નાખ્યું.

સાંજ પડી. ભજનની વેળા થઈ. પેલો નિંદક આવ્યો નહીં. તુકારામે જોયું કે ભજન સાંભળવા આવનારા સહુ કોઈ હાજર હતા, માત્ર પેલો નિંદક હાજર નહોતો, તેથી ઊભા થઇને એને ઘેર ગયા. બે હાથ જોડી વિનંતી કરી અને કહ્યું,

'ભાઈ, મારી ભૂલ થઈ હોય તો મને સજા કર, પરંતુ એને કારણે તું પ્રભુભજન સાંભળે નહીં તે કેમ ચાલે ? મારા પરનો ગુસ્સો ઈશ્વર પર ઉતારે, તે કેમ ચાલે ? ચાલ, ભજન સાંભળવા ચાલ.'

સંતની ઈશ્વરભક્તિ જોઇને નિંદક શરમ અનુભવવા લાગ્યો. એ તુકારામની સાથે ભજન સાંભળવા માટે પાછો આવ્યો.

ભજન પૂરાં થતાં એણે તુકારામને કહ્યું, 'મને માફ કરો. મેં એક નહીં, પણ અનેક દુષ્કૃત્ય કર્યાં છે. આપના જેવા અક્રોધી સંત પર શબ્દ અને શૂળના પ્રહાર કરીને મેં મહાપાપ કર્યું છે. મને માફ કરો.' તુકારામ તો હસીને અભંગ ગાવા લાગ્યા.

Tags :