તમારા મોંમાંથી ગંદી વાસ આવે તેના કોઇ ઉપાય ખરા ?
હેલ્થ ટીટ્બિટ્સ - મુકુન્દ મહેતા
સૂર્યમુખીના ચારપાંચ સૂકા બી ચાવો. લાળ સાથે મીક્ષ થાય પછી થૂંકી નાખી ગરમ પાણીના કોગળા કરો
મોંમાંથી દુર્ગંધ આવતી હોય તે કોઇને પણ ના ગમે. તમારા પ્રિયપાત્ર (તમારી પત્ની કે પતિ)ને તો કદાપિ નહીં. આ ઉપરાંત તમારી સાથે નજીક આવીને વાત કરનારાને પણ ના ગમે. મઝાની વાત એ છે કે જેને મોંમાંથી વાસ આવતી હોય તેને આ બાબતની ખબર હોતી જ નથી. કદાચ તમારા પત્ની/પતિ કહે અથવા તો નાના બેબી કે બાબાને વહાલ કરવા જાઓ તે કહે ''તમારા મોંમાંથી ખૂબ ગંદી વાસ આવે છે.''
ખરાબ વાસ કોના મોંમાંથી વધારે આવે ?
૧. સિગરેટ અને દારૂ પીનારા, પાનમાં તમાકુ ખાનારા દાંત સાફ કરવા પેસ્ટ તરીકે છીકણી લગાડતા હોય આ બધાના મોંમાંથી ના સહન થાય તેની વાસ આવે.
૨. કોઇપણ વસ્તુ ખાધા કે પીધા પછી જો મોંને કોગળા કરીને સાફ કરવાની આદત ના હોય.
૩. રાત્રે સૂતા પહેલાં બ્રશ કરીને સૂઇ ના જાઓ ત્યારે મોંમાંથી ગંદી વાસ આવશે કારણ ખોરાકના કણ જે તમારા દાંતમાં ભરાયા હશે તે સડવા માંડશે એની વાસ આવશે.
મોંમાંથી ગંદી વાસ આવતી હોય ત્યારે શું કરશો ?
૧. સારા બ્રશથી અને સારી પેસ્ટથી દાંતને બધી બાજુએથી નિરાંતે (પાંચથી સાત મિનિટ) સાફ કરો. બ્રશ કર્યા પછી જીભને ઉલીયાથી સાફ કરો.
૨. દાંત વચ્ચે જગા હોય તેને દાંત સાફ કરવાની દોરી (ડેન્ટલ ફ્લોસ)થી દાંત વચ્ચે ભરાએલા ખોરાકના કણને કાઢી નાખીને ગરમ પાણીના કોગળા કરો પછી છેલ્લે થોડી પેસ્ટ આંગળી ઉપર લઇને અવાળાને સારી રીતે દબાવી માલીશ કરો.
૩. સવારે ઊઠીને અને રાત્રે સૂતા પહેલાં એમ બે વખત બ્રશ કરો.
૪. આખા દિવસ દરમ્યાન કાંઇપણ ખાધું હોય કે પીધું હોય તો તે પછી કોગળા સારી રીતે કરો.
૫. રોજ બેથી અઢી લીટર ચોક્ખું પાણી પીશો.
૬. ખાંડ અને દૂધ વગરની કાળી ચા- ગરમ કે ઠંડી (આઈસ ટી) પીઓ અને મોંમાં ગોળ ફેરવી પછી પેટમાં ઉતારો.
૭. મોંમાં વધારે લાળ આવે તેવા પ્રયોગ કરો. (એ) એક ચમચો દહીં મોંમાં લઇ મમળાવી મોંમાં ગોળ ગોળ ફેરવો (બી) સફરજનના ટુકડા ચાવી તેનો રસ મોંમાં ગોળ ફેરવી ઉતારો. (સી) જેમાં ખાંડ ના હોય એવા 'સુગરલેસ ચુઇંગ ગમ' રોજ બે વખત ચાવો.
૮. બજારમાં મળતા માઉથવોશ લાવી અને રોજ જમ્યા પછી મોંમાં લઇ કોગળા કરો.
૯. 'એલોવેરા' (કુંવારપાઠું)નો રસ એક ચમચી લઇને મોંમાં ગોળ ગોળ ફેરવો અને પછી ખૂબ લાળ આવે તે પ્રવાહીને થૂંકી નાખી ગરમ પાણીના કોગળા કરો.
૧૦. સૂર્યમુખીના ચારપાંચ સૂકા બી ચાવો. લાળ સાથે મીક્ષ થાય પછી થૂંકી નાખી ગરમ પાણીના કોગળા કરો.
૧૧. લીંબુનું પાણી (ખાંડ વગરનું) બનાવી તેને થોડું ગરમ કરી કોગળા કરો.
૧૨. રોજ એક એલચીના દાણા ધીરે ધીરે ચાવીને ખાઓ.
બસ આટલું કરશો તો તમારા મોંમાંથી વાસ નહીં આવે અને નાના બાળકોથી માંડીને મોટા તમારી નજીક આવશે ત્યારે ફરિયાદ નહીં કરે કે તમારા મોંમાંથી ગંદી વાસ મારે છે.