રોજે રોજના સંતાપથી થતો માનસિક તનાવ કેવી રીતે દૂર કરશો?
હેલ્થ ટીટ્બિટ્સ - મુકુન્દ મહેતા
20 મિનિટ એકચિત્તે તમને ગમતું સંગીત સાંભળો. સંગીતમાં જાદુ છે. તેનાથી તમારું બ્લડ પ્રેશર ઓછું થશે.
માનવામાં ના એવી વાત છે કે આજકાલ સૌ કોઈને કોઈ કારણસર જે 'માનસિક તનાવ' થાય છે તેની શોધ જમાનાના પ્રખ્યાત 'એન્ડોક્રાઈનોલોજિસ્ટ' 'હેન્સ સેલ્યે'એ ૧૯૫૬ની સાલમાં કરી હતી એક વાત સાચી છે કે માનસિક તનાવના લક્ષણો તો 'સેલ્યે' એ કરેલી શોધ પહેલા પણ હતા. નવી શોધખોળો (રીસર્ચ)ને લીધે રોજના સંતાપથી થતો માનસિક તનાવ દૂર કરવાના થોડા ઉપાયો જાણીએ.
૧. સૌથી શ્રેષ્ઠ ઉપાય સંતાપથી થતા માનસિક તનાવને 'હસી' કાઢવાનો છે.
ડોક્ટરોએ અને વૈજ્ઞાનિકોએ આજ સુધીમાં કરેલા પદ્ધતિસરના પ્રયોગો પછી નક્કી કરેલી વાત એટલી કે જ્યારે તમે ખુલ્લા દિલનું ખડખડાટ હાસ્ય (બેબી લાફ્ટર) સાચું હોય કે કૃત્રિમ કરો છો ત્યારે શરીરમાં એવા 'એન્ડોર્ફીન્સ' નીકળે છે કે જેને લીધે માનસિક તનાવ લાવનારા કોર્ટીસોલ અને એડ્રેનલિન નામના હોર્મોન ઓછા નીકળે છે અને તમારો માનસિક તનાવ એકદમ ઓછો થઈ જાય છે. અહીં મને એક સરસ વાત યાદ આવી.
ભક્તે ભગવાનને પુછ્યું કે ''હે પ્રભુ હું તમારી પુજા કેવી રીતે કરું?'' ત્યારે પ્રભુએ જવાબ આપ્યો કે ''તું રોજ કારણ હોય કે ના હોય ખૂબ હસવા માંડ અને બીજા જે મળે તે બધાને પણ હસવા કહે એટલે મારી પુજા થઈ ગઈ ગણાશે.''
૨. તમને ખૂબ ગમતું સંગીત સાંભળો :
કોઈને ફિલ્મ સંગીત ગમે. કોઈને શાસ્ત્રીય સંગીત ગમે. દિવસમાં ૨૦ મિનિટ એકચિત્તે તમને ગમતું સંગીત સાંભળો. સંગીતમાં જાદુ છે. તેનાથી તમારું બ્લડ પ્રેશર ઓછું થશે. સંગીતથી કોર્ટિસોલનું પ્રમાણ ઓછું થશે, તનાવ ઓછો થશે.
૩. તમારી જાત સાથે વાત કરો :
સવાલ પૂછીને શોધી કાઢો કે માનસિક તનાવ શા માટે છે? ઘરના મેમ્બરની તબિયતની ચિંતા છે? બાળકોની ચિંતા છે? તમારું કામ પૂરું નથી થયું? ઘર ચલાવવા માટેની મુશ્કેલી છે? પેલી કહેવત ખબર ના હોય તો જાણો. ''જેટલું ઓઢવાનું હોય તેટલી જ સોડ તાણો'' તમારી આવક પ્રમાણે ઘર ચલાવો. કોઈપણ વખતે ખૂબ મહેનતથી કમાયેલા પૈસાને સાચવો. ગમે ત્યાં નાખી ના દેશો.
૪. ભૂતકાળ જે ગયો છે તેની ચિંતા ના કરો
''આમ કર્યું હોત તો આમ થાત'' એવી ત્રિરાશિ માંડવાની છોડી દો. ખોટી રીતે પૈસા સહેલાઈથી મેળવવા માટે કોઈ જોખમ ના લેશો જે થઈ ગયું છે તે તમારા ઈષ્ટ દેવની મરજીથી થયું છે. એમ દ્રઢતાથી માનો.
૫. ભવિષ્યકાળની ચિંતા કદાપી ના કરો :
તમારા નસીબમાં જે લખ્યું હશે તે જ થવાનું છે એમ ચોક્કસ પણે માનો. ભવિષ્યકાળમાં શું થવાનું છે કે શું થશે તે તમારા ઇષ્ટદેવના હાથમાં છે એમ શ્રદ્ધાથી માનો. તમારી અત્યારની પરિસ્થિતિ સરસ છે તેમ માનો.
૬. યોગ્ય ખોરાક ખાઓ :
ખાંડવાળા શરબતો અને મીઠાઈઓ ખાવાનું પ્રમાણ ઓછું રાખો. ટેન્શન ખાવાથી ઓછું નહીં થાય. તાજા ફળો અને લીલા શાકભાજી ખાઓ. અળસી અને ફિશ ઓઈલના સપ્લીમેન્ટસ દવાવાળાને ત્યાં મળે છે તે લેવાથી તેમાં રહેલા 'ઓમેગા-૩ ફેટિ એસિડ'થી માનસિક તનાવ ઓછો કરવામાં મદદ મળશે એવું વૈજ્ઞાાનિકો જણાવે છે.
૭. લીલી (ગ્રીન ટી) ચા પીઓ :
રોજ રેગ્યુલર ચા બે કે ત્રણ કપ પીતા હો તેને બદલે ગ્રીન ટી પીઓ. તેમાં રહેલા થીઓનીન અને બીજા એન્ટિઓક્સિડંટને લીધે માનસિક તનાવ ચોક્કસ ઓછો થશે.
૮. કસરત કરવી પડશે :
રોજના કામધંધા કે નોકરીના સમય દરમ્યાન સમય ના મળતો હોય ત્યારે પણ ઘરમાં ચાલો, સોફા કે ખુરશીમાં બેસો ને ઊભા થાઓ, લિફ્ટને બદલે દાદર ચઢો અને ઉતરો. થોડી ઘણી કસરતથી પણ મગજમાં 'એન્ડોર્ફીન' નીકળશે અને તમારો મૂડ બરાબર થઈ જશે.
૯. પૂરતી ઊંઘ લેશો :
૨૪ કલાકમાંથી ૬ થી ૮ કલાકની ઊંઘ તમને બીજા દિવસ માટે તાજામાજા કરી દેશે. ચોક્કસ સમયે ઉઠો, ચોક્કસ સમયે સૂઈ જાઓ. ઓફિસનું કામ ઘેર ના લાવો અને ઘરની વાતો ઓફિસમાં ના કરો.
૧૦. રોજ પ્રાણાયામ કરો :
માનવ શરીરમાં પ્રાણ ભરનારો પ્રાણ વાયુ (ઓક્સીજન) ચોખ્ખી હવામાં બેસીને ૨૦ મિનિટ માટે લો. તમને બે ચાર દિવસમાં ચમત્કારિક ફાયદો થશે કારણ તેના થી મન એકદમ શાંત થઈ જશે અને તનાવ દૂર થશે.