ડીસીપી મમતા ઠાકુર .
કોકેન, હશીશ, ગાંજો વિગેરે કોલેજોની બહાર ખુલ્લેઆમ વેચાતા હતા. મમતા મેડમને કમિશનર ઓફીસથી ઓર્ડર આવ્યો કે, આ ગેંગને કોઈપણ હિસાબે પકડી પાડો
'સાહેબ, હું વરસોથી પોલીસખાતામાં સર્વિસ કરૂ છું. હવે છેલ્લે નિવૃત્તિના સમયે મને પોરબંદરથી અમદાવાદ બદલી આપો. મારો એકનો એક દીકરો અમદાવાદની કોલેજમાં છેલ્લા વરસમાં ભણી રહ્યો છે. મારા પતિ પણ તેની પાસે ભણાવવા રહે છે' એસ.પી. મમતા ઠાકુર ગુજરાત રાજ્ય ગાંધીનગરના સચિવાલયમાં આવી ગૃહમંત્રીને વિનંતી કરી રહ્યા છે.
'પણ અમદાવાદ માટે તો બધાની ડિમાન્ડ છે હું તમને ક્યાંથી મૂકું ?' ગૃહમંત્રી પટેલ સાહેબે પ્રશ્ન કર્યો.
'મારે હવે નિવૃત્તિના છેલ્લા બે વરસ જ બાકી છે. અને સરકારી ધોરણ મુજબ છેલ્લે કર્મચારીને તેના કુટુંબ સાથે રહેવા બદલી આપવામાં આવે છે' મમતા ઠાકુર કરગરતા બોલ્યા.
'સારું વિચારીશું' કહીને મંત્રીએ તેમણે જવા કહ્યું. પોલીસખાતામાં મમતા ઠાકુરનો દબદબો હતો.તેમની કાર્યનિષ્ઠા માટે આખા રાજ્યમાં નામ હતું. ભલભલા ચમરબંધી હોય કે કરોડપતી પણ કોઈની શેહશરમ રાખ્યા વગર તે ગુનેગારને પકડી દઈ અંદર કરવામાં માહિર હતા. ખ્યાતનામ ગુંડાઓના તેમના હાથે એન્કાઉન્ટર થયા હતા. તેથી જ ગુનેગારોમાં પણ તેમના નામની રાડ બોલતી હતી. રાજકારણીઓના કાળાધોળા કામ પણ અમદાવાદથી થતાં હોઈ બધા તેને દૂર રાખવામાં જ ભલાઈ સમજતા. અને એટલે જ તેને ભરૂચ, આહવા ડાંગ, પોરબંદર વિગેરે જગાએ પોસ્ટીંગ મળતું હતું. હાઈકોર્ટના હુકમથી છેવટે ગૃહમંત્રાલય ઓર્ડર આવ્યા અમદાવાદમાં ગુનાખોરી બહુ જ વધી ગઈ છે. તેની સખત કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારી મુકવામાં આવે. તેથી મમતા ઠાકુરને અમદાવાદ ડીસીપી તરીકે બદલીનો ઓર્ડર આવી ગયો.
અમદાવાદ પશ્ચિમના નવરંગપુરા, પાલડી, સેટેલાઈટ વિગેરે વિસ્તારોમાં છોકરીઓની છેડતી અને બળાત્કારના કિસ્સા વધી ગયા હતા. મમતા ઠાકુરે આવતાંવેત સખ્તાઈથી કામ ચાલુ કરી દીધું.
તેમનો એકનો એક દીકરો રૂપેશ પણ પોલીસ અધિકારીનો પુત્ર હોવાથી વકરી ગયો હતો. કોલેજમાં મારામારી, છેડતી, રેગીંગ વિગેરે ગુનાઓમાં તેના નામની રાડ હતી. મમતા મેડમને ખ્યાલ આવી ગયો હતો કે હવે રૂપેશ તેના હાથમાં નથી. કાબૂ બહાર જતો રહ્યો છે. તેણે અમદાવાદ આવતા વેત રૂપેશને બોલાવી ઠપકાર્યો. 'બેટા, તું ભણવાને બદલે રખડપટ્ટી ને તોફાનમાં વધારે ધ્યાન રાખે છે'.
'ના, મોમ, તને કોઈએ ખોટું કહ્યું છે, હું તો ફાઈનલ વર્ષમાં મહેનત કરીને ફર્સ્ટ કલાસ લાવવા માગું છું.' રૂપેશે ફેંકી, હજુ તેનાથી આગલા વર્ષના એટીકેટી વિષયો પણ પાસ થતા ન હતા.
નવરાત્રીના દિવસોમાં પોલીસના દાબ અને બંદોબસ્ત વધી ગયા હતા. એસ.જી. હાઈવેના દરેક પાર્ટી પ્લોટમાં ધંધાકીય ગરબાનું આયોજન કરેલું હતું. બસો ને પાંચસો રૂપિયાના પાસથી કમાવાનું સાધન બની ગયા હતા. સુંદર લાઈટીંગ અને જાણીતાં ડીજે હોમ પછી સુંદરીઓનું ઝુંડ તો આવેજ ને ! કોલેજની રૂપકન્યાઓની મહેંદી પાર્ટી પ્લોટ પર લાઈનો લાગતી. સુંદર રૂપવતીઓ પાછળ તેને પટવવા ભમરાઓ તો આવવાના જ છે.
શહેરના કોલેજીયનોમાં હમણાથી નશીલી વસ્તુઓના સેવનનો વ્યાપ વધી ગયો હતો. કોકેન, હશીશ, ગાંજો વિગેરે કોલેજોની બહાર ખુલ્લેઆમ વેચાતા હતા. મમતા મેડમને કમિશનર ઓફીસથી ઓર્ડર આવ્યો કે, આ ગેંગને કોઈપણ હિસાબે પકડી પાડો,. આપણું યુવાધન વેડફાઈ રહ્યું છે. મેડમે તેના વિસ્તારના દરેક અધિકારીઓને આ ગુનેગારોને પકડવાના સાવધ કરી દીધાં.
અચાનક એક સાંજે ખબર આવ્યા. મેમનગરની ચાલીમાં કોકેનની કરોડોનો માલ વિદેશથી આવેલ છે. મેડમે તરત જ ઈન્સ્પેક્ટર ઝાલાને ટીમ સાથે ઓર્ડર કર્યો. 'જીપ નિકાલો, તરત જ અડ્ડા પર રેડ પાડો.'
મેમનગરની ચાલીમાં રેડ પડતા. પાછલી બાજુએથી ત્રણ યુવાનો હાથમાં માલ લઈ હાઈવે તરફ ભાગી રહ્યા હતા. ઈન્સ્પેકટર ઝાલાને તેમનો પીછો કર્યો. ત્રણે લીડરના હાથમાં માલ હતો. દૂરથી તેનો ચહેરો ઓળખાતા ખબર પડી 'અરે ! આતો રૂપેશ ઠાકુર. મેડમનો દીકરો. તેને પકડીશું તો મેડમ બગડશે' તેથી તે ઊભા રહી ગયા.
મેડમે જોતા બૂમ પાડી 'ઝાલા, પકડો, તહોમતદારોને પકડો.'
'ના મેડમ તેનો લીડર તમારો દીકરો જ છે. જવા દો.'
આ સાંભળી મેડમ અચકાઈ ગયા. 'આ ગેંગનો લીડર મારો રૂપેશ જ છે ! હવે તેને ખ્યાલ આવ્યો. આટલા બધા રૂપિયા ક્યાંથી લાવે છે ?' તેણે વિચાર્યું જવા દો. તેના આંતરિક સદાચારી મને ઠપકો આવ્યો. 'મમતા, તું ફરજ ચુકી રહી છે. પોતાના, ઘરનાને યુદ્ધમાં જોઈ અર્જુન પણ પાછો પડી ગયો હતો. પણ ભગવાન શ્રીકૃષ્ણએ તેને ધર્મ અને કર્મ સમજાવી તૈયાર કર્યો હતો. તારો દીકરો છે. તોશું થયું. પકડી લે તેને અને ફરજ બજાવ. કર્મ કર.'
ડીસીપી મેડમે તરતજ રિવોલ્વર કાઢીને દોટ મુકી 'રૂક જાવ, નહીતર ગોળી મારી દઈશ.'
ભાગતા ભાગતા રૂપેશ હસતાં હસતાં કહ્યું. 'મમ્મી, તું મને શું મારવાની' તેના હાથમાં બે કિલો કોકેઈનનો કરોડોનો માલ હતો. તે વહેમમાં જ હતો. કે મમ્મી છે એટલે વાંધો નહિ આવે. અને તે દોડતો જ રહ્યો. પાછળ રહી ગયેલા ઈન્સ્પેક્ટર ઝાલા અને બીજા પોલીસમેનો ચકિત બની આ ખેલ જોઈ રહ્યા હતા. હવે મેડમ પાસે બીજો કોઈ રસ્તો જ ન હતો. ગુનેગાર તેની નજર સામે જ છટકી જાય તે કેમ ચાલે ?તેણે રૂપેશના પગનું નિશાન લઈ ટ્રિગર દબાવ્યું. હાથ ધુ્રજી રહ્યા હતા પણ મન મક્કમ હતું.
'મમ્મી,' કહેતા રૂપેશ ડાબા પગમાં ગોળી વાગતા ધડામ દઈને પડયો. મેડમે ઓર્ડર કર્યો. 'પકડી લો આ ગુનેગારને. પછી તેને સારવાર માટે મોકલી આપો.'
લોહીથી ખરડાયેલા પગને મેડમે પોતાનો રૂમાલ કાઢી પાટો બાંધી લોહી બંધ કરી દીધું અને હાથમાં હાથકડી નાખતા રડી પડયા.
'મમ્મી, હું તારો દીકરો છું આ શું કર્યું ?' કહેતા રૂપેશ રડી પડયો.
'મારે માટે તો દરેક તહોમતદાર સરખા જ છે. ફરજ અને કર્મ એજ મારી અગ્રિમતા છે.' કહેતા મમતા મેડમ પણ રડવા જેવા થઈ ગયા.
'જલ્દી, સારવાર માટે એમ્બુલેન્સ બોલાવો' ઈન્સ્પેક્ટર ઝાલા અને બધા જ પોલીસમેનોના મનમાં મેડમની નિષ્ઠા અને કર્મને સલામી ભરતા આંખમાં પાણી આવી ગયા.
- હર્ષદ કામદાર