Get The App

ગલ્ફ વોર કે પછી વર્લ્ડ વોર

વિવિધા - ભવેન કચ્છી .

વર્ષ 2020ના પ્રારંભે જ ટ્રમ્પે વિશ્વના શ્વાસ અધ્ધર કરી દીધા: મિડલ ઈસ્ટ પર મહાસત્તાની મ્હોર માટેનાં દાવપેચ

Updated: Jan 7th, 2020

GS TEAM

Google News
Google News
ગલ્ફ વોર કે પછી વર્લ્ડ વોર 1 - image


અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના હુકમથી ઈરાનની કુદ્સ સેનાના કમાન્ડર જનરલ સુલેમાનીને ડ્રોન દ્વારા કરાયેલ બોમ્બમારાથી ઉડાવી દેવાયો તે ઘટનાને આંતરરાષ્ટ્રીય રાજકારણના વિશ્લેષકો  ફરી ગલ્ફ યુદ્ધનું ટ્રીગર દબાવ્યા જેવી ગણે છે. કેટલાક તો વિશ્વ યુદ્ધના કાઉન્ટ ડાઉન તરીકે પણ જુએ છે. અમેરિકા અને સાથીઓની સામે યુદ્ધ લડવા ઈરાનને ક્યા દેશો અને જૂથો સાથ આપે તેના પર નજર કરવાથી કેવો ભયાનક તખ્તોે ઘડાઈ  શકે  તેનો અંદાજ આવી શકે તેમ છે.

ઈરાન જોડે  આ મિત્ર દેશોની સેના જંગમાં ઉતરે
ઈરાન સૌથી વધુ શિયા મુસ્લિમ ધરાવતો દેશ છે. ઈરાનની ૯૦ ટકા એટલે કે અંદાજે સાત કરોડની વસ્તી શિયા છે. જે પણ શિયા દેશો છે તેઓ અને સુન્ની બહુમતી ધરાવતા દેશોમાં વસતા  શિયાઓ પણ ઈરાનના સમર્થનમાં જોડાય. અમેરિકા તેના મિત્ર રાષ્ટ્રો સાથે યુદ્ધમાં ઉતરે તો ઈરાનના પક્ષે સીરીયા, ઈરાક, પેલેસ્ટાઈન, નોર્થ કોરિયા, રશિયા, ચીન, વેનેઝુએલા,  બોલિવિય, કતાર, સબયા, બોસ્નિયા, ક્યુબા, યમન અને આફ્રિકન યુનિયન હોઈ શકે.  

આ યાદી ઈરાનના અમેરિકા અને સાઉદી અરબની સાંઠગાંઠની વિરોધી છે. યુદ્ધના નગારા વાગે ત્યારે વિશેષ કરીને રશિયા, ચીન અને નોર્થ કોરિયા ઈરાન તરફી સેના અને સરંજામ આપે છે કે કેમ તે કહેવું કઠીન છે કેમ કે આ રાષ્ટ્રો ઉતરે તો વિશ્વ યુદ્ધ થાય તેમ જ સમજવું. હા,એક ડરામણી શક્યતા એ છે કે અમેરિકા, સાઉદી અરબ અને પશ્ચિમી દેશો ભેગા થઈને મિડલ ઇસ્ટના  નકશા પર તેમનું પ્રભુત્વ સ્થાપવા દાયકાઓથી જે કાવાદાવા કરે છે  તેનો કાયમી નિવેડો લાવતો જવાબ આપવા રશિયા અને ચીન જેવા દેશો  પાસે ઈરાનને સાથ આપવાના બહાને હિસાબ સરભર કરવાની આનાથી વધુ મોટી તક ફરી નહીં સર્જાય તેમ પણ તેઓ માનતા જ હશે.

ભલે વિશ્વમાં કુલ ૧.૬ અબજ  મુસ્લિમો પૈકી માત્ર ૧૫ ટકા જ શિયા મુસ્લિમો છે પણ વિશ્વનું મહત્તમ ૮૦ ટકાથી વધુ તેલ શિયા બહુમતી દેશો કે સુન્ની દેશોમાં જ્યાં શિયાની  વસ્તીનું પ્રભુત્વ છે તેવા પ્રાંતમાંથી મળી આવે છે. અમેરિકાને કે વિશ્વના ટોચના દેશોને શિયા કે સુન્ની કોઈના હિતમાં રસ નથી  પણ આ તેલ સામ્રાજ્ય, સમુદ્ર અને બંદરો પર તેઓનું આધિપત્ય રહે તે જ મુરાદ છે. વિશ્વનો ત્રીજા ભાગનો પ્રવાહી કુદરતી ગેસ અને ૨૫ ટકા તેલ તેમજ અખાતી સંપદા જે દરિયાઈ પટ્ટી પરથી પસાર થાય છે તે ''હોર્મુઝ સ્ટ્રેઈટ' ' પર કબજો લેવા માટેનો આ ખેલ છે જેના પર ઈરાનનો હક્ક છે. 

આ આંતકી જેવા સંગઠનો પણ ઈરાન સાથે 
ઈરાનના મિત્રો તરીકે જેમનો ચહેરો છે તેવા ઉપરોક્ત દેશો ઉપરાંત શિયા મુસ્લિમોના આતંકી જેવા હુમલા કરી શકે તેવા સશસ્ત્ર અને આગવી સેના ધરાવતા જૂથો પણ  છે જેમાં હેઝબોલ્લાહ, હમાસ, હાઉથીઝ, પેલેસ્ટાઇન લીબરેશન ઓર્ગેનાઈઝેશન, કલેક્ટીવો, ઇસ્લામિક જેહાદ મુવમેન્ટ અને બીજા ચારેક સંગઠનો ગણાવી શકાય. ઈરાનની પોતાની એક અલયાદી સેના કુદ્સ ફોર્સ છે જેનું એક માત્ર કાર્ય  ઈરાનનું હિત જોખમમાં મુકતા હોય તેવા દેશો સામે કે શિયા મુસ્લિમો પર જુલમ ગુજારનાર સુન્ની દેશો કે સંગઠનો સામે યુદ્ધ, પ્રોક્ષી યુદ્ધ કે હુમલા કરવાનું છે. 

ઈરાનના મિડલ ઈસ્ટમાં પ્રભુત્વ  ઘટાડવા માંગતા તમામ દેશો કે સંગઠનોને આ કુદ્સ ફોર્સ ભારે પડે છે. સુલેમાની આ જ કુદ્સ ફોર્સનો જનરલ હતો. ઈરાનમાં તે સેલિબ્રિટીની જેમ પૂજાતો હતો. અમેરિકાએ સુલેમાનને મોતને ઘાટ ઉતારી ઈરાનના જાણે કાંડા કાપી નાંખ્યા હોય તેવું તેનું શૌર્ય અને વ્યુહાત્મક ભેજું હતું. આ કુદ્સ  ફોર્સ અમેરિકાને જવાબ આપ્યા વગર જંપે તેમ નથી તેવું ખતરનાક છે. સુલેમાન તેઓને મન ખુદા જેટલો પ્યારો હતો. સુલેમાનની અંતિમ ક્રિયા વખતે જે લાખોની મેદની રસ્તા પર ઉતરી આવી હતી તેઓની આંખોમાં  ભારે ઝનૂન હતું.

હાથમાં ''ડેથ ઓફ અમેરિકા''નાં બેનર અને હોઠ પર તેના નારા હતા. અમેરિકા અને ઇસ્લામ દેશોના મોટાભાગના અખબારોએ એક સુર વ્યક્ત કર્યો હતો કે સુલેમાનીનો આ રીતે અમેરિકા દ્વારા આખરી અંજામ એટલે યુદ્ધનું એલાન જ સમજવું. ઈરાનના અખબારે લખ્યું કે વિશ્વએ એ રીતે જોવું જોઈએ કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિની કોઈ દેશના પ્રમુખના હુકમથી હત્યા થાય તો તેઓ કેવી અરેરાટી અનુભવે? હુકમ આપનાર પ્રમુખ પર વિશ્વ  ધિક્કાર વરસાવે જ . બસ આ જ રીતે  વિશ્વએ જનરલ સુલેમાનની હત્યાને જોવી જોઈએ.

અમેરિકાના સાથી મિત્રો કોણ 
ગલ્ફ વોર વખતે અમેરિકા જોડે જે દેશોએ ધરી રચેલી તે જ ફરી આ ગલ્ફ યુદ્ધ પાર્ટ ટુ વખતે રચાય જેમાં સાઉદી અરેબિયા અગાઉ કરતા વધુ કેન્દ્ર સ્થાને ભૂમિકા ભજવે. છેલ્લા ત્રણ દાયકામાં  સાઉદી અરેબિયા એક આથક અને સૈન્ય તાકાત તરીકે બહાર આવ્યું છે.તેમની મિડલ ઈસ્ટમાં વ્યુહાત્મક સ્થિતિ અમેરિકાને માટે યુદ્ધમાં સરસાઈ અપાવી શકે તેમ છે. આ ઉપરાંત બ્રિટન, ફ્રાંસ, ઇઝરાયેલ, ઈજીપ્ત, બહારીન, યુ .એ. ઈ., કુવૈત, કેનેડા, જોર્ડન, ઓસ્ટ્રેલીયા, યુગોસ્લાવિયા, સાઉથ કોરિયા, જાપાન, તાઈવાન, યમન, આર્જેન્ટીના, બ્રાઝીલ, બોલિવિયા, કોલોમ્બિયા, યુરોપિયન  યુનિયન, નાટો દેશો,આરબ લીગ અમેરિકાના સમર્થનમાં ઉતરે.

અલ કાયદા અને આઈ એસ આઈ એસ ઈરાન સામે પૂરી તાકાતથી ઝુકાવે 
વિશ્વ જે આંતકી જુથોથી થરથરે છે તેઓને અમેરિકા જોડે કટ્ટી દુશ્મનાવટ છે પણ જો  ઈરાનનો  અને તેનાથી વિશેષ શિયા મુસ્લીમોનો મિડલ ઇસ્ટમાંથી આ બહાને એકડો નીકળી જતો હોય તો સુન્ની સંગઠનો યુદ્ધમાં ઝુકાવી જ દે જેનો આડકતરો બહુ મોટો ફાયદો અમેરિકાને થાય. ખરેખર તો અમેરિકા અને રશિયા સુન્ની -શિયાને લડાવીને કે તેઓની લડાઈમાંથી જ તેલ અને મિડલ ઇસ્ટની કુદરતી સંપદા, સમુદ્ર પરનાં કબજાની રાજનીતિ રમે છે. અમેરિકાને શિયા કે સુન્ની કોઈ પ્રત્યે હમદર્દી નથી. 

સુન્ની એવા બિન લાદેન અને અબુ બકર બગદાદી પણ તેના દુશ્મન હતા અને શિયા મુસ્લિમ  સુલેમાન પણ. તેવી જ રીતે કોઈ આતંકી જૂથને અમેરિકા માટે  દોસ્તીનો હાથ જ ન જ હોય. આવા જૂથોને કે તેમના નેતાને પણ અમેરિકા અને રશિયા જેવા દેશ પેદા કરતા હોય છે. તેઓનો ઉપયોગ થઇ ગયા બાદ તે જ નેતાને  સમજાય કે તે આબાદ પ્યાદું બની ગયો ત્યારે  ભારે હતાશા અને રોષ સાથે તે પશ્ચિમના રાષ્ટ્રો પર  હુમલો કરાવતો હોય છે. આમ છતાં મધ્ય પૂર્વના દેશોમાં અને ઇસ્લામ દેશોની એ કમનસીબી છે કે શિયા અને સુન્ની એકબીજાનો ખાત્મો કરવામાં મદદ મળતી  હોય તો અમેરિકા અને પશ્ચિમના દેશો જોડે પણ બેસી જાય છે.

વિકસિત દેશો આ સ્થિતિનો આબાદ ફાયદો ઉઠાવે છે. શિયાની ૯૦ ટકા વસ્તીની બહુમતી ધરાવતા ઈરાન સામે યુદ્ધ છેડાય તો એવી પૂરી શક્યતા છે કે સુન્નીઓની નેતાગીરી અને તેઓના હિત માટે લડતા અલ કાયદા ,ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરીયા (આઈ એસ આઈ એસ ), તાલીબાન, અલ-નુસરત, પીપલ્સ મુજાહીદિન ઓફ ઈરાન, કુદસ્તાન વર્કર્સ એન્ડ ફ્રી પાર્ટી, હરકત અન્સાર સેનાની એક પાંખના જેવા જૂથો ઈરાન સામે મોરચો માંડે.  શિયા અને સુન્ની વચ્ચે એ હદે દુશ્મનાવટ અને વૈમનસ્યનાં બીજ રોપાઈ ચુક્યા છે કે હવે તેનો ગુણાકાર નજર સામે વધુ આવે છે.

સુલેમાની સિરિયા અને ઈરાકમાં પણ હીરો જેમ પૂજાતો હતો
રાજનીતિ કઈ હદે હલકી થતી જાય છે તેનું ઉદાહરણ એ છે કે જે આઈ એસ આઈ એસ અમેરિકા પર  તેમના વડા બગદાદીનું મોત નીપજાવવા  બદલ ફિટકાર વરસાવતું હતું તે  જ ઈરાનની સેનાના જનરલ સુલેમાનીના મોત બદલ મનોમન અમેરિકાને અભિનંદન આપતું હશે. સીરિયા પર આઈ એસ આઈ એસ ક્ર નરસંહાર અને સિતમની પરાકષ્ઠા ગુજારી તેમનું શાસન સ્થાપવાની નજીકમાં હતું ત્યારે જ સીરિયાના પ્રમુખ અસદની વહારે સુલેમાનની સેના આવી ગઈ હતી. 

સુલેમાનની રણનીતિ અને તાકાત સામે આઈ એસ આઈ એસનો સફાયો થવા માંડયો. ઈરાકમાં પણ આ સુન્ની સંગઠનની પીછેહઠ થઈ. સુલેમાન ભૌગોલિક અંતરની રીતે આઈ એસ આઈ એસ થી નજીક હતો તો પણ તેને પતાવવો તેઓ માટે શક્ય નહતું બન્યું તે કામ અમેરિકાએ પૂરું કરી આપ્યું.સુલેમાન ઈરાનમાં જ નહીં સીરીયા અને ઈરાકમાં પણ હીરોની જેમ પૂજાતો હતો. અમેરિકાને બાદ કરતા સુલેમાન વિશ્વ માટે આઈએસઆઈએસ, અલ કાયદા જેટલો ભયજનક નહોતો.

સુલેમાનનો એજેન્ડા ઈરાનનું મિડલ ઇસ્ટમાં હિત જળવાઈ રહે તે જોવાનું વિશેષ હતું. પણ અમેરિકા કોઈપણ ભોગે ઈરાનને તોડી પાડવા ભારે કટ્ટરપંથી એવા  સાઉદી અરબ જેવા દેશ સાથે બેસી ગયું છે.  સાઉદી અરબ સુન્ની છે અને શિયાઓ તેઓને કાંટાની જેમ ખુંચે છે. ઈરાન પણ તાકતવર પરમાણુ દેશ છે.  સાઉદી અરબની સૌથી મોટી અમ્રાકો રીફાઈનરી પર ડ્રોન બોમ્બ ફેંકીને ભારે નુકસાન પહોંચાડવામાં ઈરાનનો જ હાથ હોવાનું મનાય છે. ઈરાન અમેરિકાને વિએતનામ યુદ્ધ જેવા દિવસો બતાવવા પણ સમર્થ તો છે જ .

શિયા અને સુન્ની 
૨૦૧૫ના આંકડા પ્રમાણે વિશ્વમાં મુસ્લિમોની વસ્તી ૧.૮ અબજની છે જે વિશ્વની કુલ વસ્તીના ૨૪ ટકા જેટલી છે જેમાંથી અંદાજે ૮૦થી ૮૫ ટકા સુન્ની અને ૧૫થી ૨૦ ટકા શિયા છે. ઈરાન પછી બીજા ક્રમે પાકિસ્તાન સૌથી વધુ શિયા વસ્તી ૩ કરોડ ધરાવે છે. ઈરાક ,બહારીન, અઝ્બરબેઈજાન, લેબેનોન, સીરિયા ,યમન અને કુવૈત શિયા બહુમતી મુખ્ય દેશો છે. સુન્ની પ્રભાવિત મુસ્લિમ દેશોમાં પણ પાંચ ટકાથી માંડી ૧૫ ટકા શિયા વસ્તી હોઈ સંઘર્ષ અને એકબીજા પર હુમલા -સફાયો થતો જ રહે છે.સાઉદી અરબ ,ઈજીપ્ત ,જોર્ડન ,ટર્કી, અફઘાનિસ્તાન ઇનડોનેશિયા, અલ્જેરિયા, મોરોક્કો અને ટયુનીશીયા મુખ્ય સુન્ની દેશો છે. 

અમેરિકા મોટે ભાગે સુન્ની મુસ્લિમ દેશોને સાથ આપે છે. પયગંબર સાહેબના પ્રથમ અનુયાયી કોને માનવા તે બાબત મુસ્લીમોના સાતમી સદીમાં બે ફાંટા પડી ગયા હતા. તેમાં લઘુમતી શિયા એવા મુસ્લિમો હતા કે જેઓ પયગંબર સાહેબના જમાઈ અલી અબી તાલીબને પ્રથમ  ખલીફા માનતા હતા જે માટે મુસ્લિમોની બહુમતી સંમત નહોતી  જે સુન્ની કહેવાયા. વિશ્વ યુદ્ધ માટેના એક કારણનું અન્ડરકરંટ શિયા -સુન્ની વચ્ચેનો સંઘર્ષ બની શકે તેમ છે.અમેરિકા અને ચીન,રશિયા જેવા દેશો તેનો આબાદ ફાયદો ઉઠાવતા રહેશે. વર્ષ ૨૦૨૦ નો પ્રારંભ એવો થયો છે કે ગમે ત્યારે કંઇ પણ  અમંગલ થઇ શકે તેવો ફફડાટ અવિરત રહેશે. વિશ્વનું અર્થતંત્ર વધુ કથળશે તે તો નિશ્ચિત બની ચુક્યું છે. 

Tags :