Magazines

ધાર્મિક ઉપવાસનું વૈજ્ઞાનિક મહત્ત્વ .

By GS TEAM
18 Aug 20256 mins read
ધાર્મિક ઉપવાસનું વૈજ્ઞાનિક મહત્ત્વ                           .

- દુનિયાના લગભગ તમામ ધર્મોમાં  ઉપવાસનું  અનેરું મહત્ત્વ છે. માંદા માણસને ઝડપથી સાજો  કરવા તેનું શરીર જ તેની પાસે પરાણે  ઉપવાસ કરાવે છે આને બદલે જો આપણે જ ઉપવાસનું મહત્ત્વ સમજીને તેનો યોગ્ય અમલ કરીએ તો માંદા પડવાનો  અવસર ભાગ્યે જ આવે. 

ભારે  શરદી થઈ હોય, માથું ચડયું હોય કે તાવ આવ્યો હોય ત્યારે સામાન્ય રીતે આપણને કશું ખાવાનું મન થતું નથી. મનગમતી વાનગી સામે પડી હોય તો પણ  તે ઝાપટવાનો  ઉત્સાહ થતો નથી.  આવા  સમયે આપણે વસવસો કરીએ  છીએ  કે માંદા પડયો એમાં ભૂખ મરી ગઈ. પરંતુ હકીકત આનાથી જુદી છે. આપણા કરતાં આપણું શરીર વધારે બુદ્ધિશાળી છે.  આપણે જલદીથી સાજા થઈ  જઈએ તે માટે  તે   એવી સ્થિતિ પેદા  કરે છે જેનાથી આપણે   અકરાંતિયાની જેમ આલતૂ-ફાલતૂ ચીજો પેટમાં પધરાવતાં  કામચલાઉ બંધ થઈ  જઈએ. આથી પાચનતંત્ર પર કામગીરીનો  બોજ ઘટે છે. આ સમયનો તે ઉત્તમ સદ્ઉપયોગ કરે છે. ખોેરાક પચાવાના કામમાંથી છૂટ્ટી મળે એટલે પાચનતંત્ર   શરીરમાં જમા રહેલા કચરાનો નિકાલ લાવવાનું શરૂ કરીને શરીર શુદ્ધ કરે છે.  ફક્ત માણસ જ નહિ પશુ પક્ષીઓ  પણ માંદા પડે ત્યારે ભૂખ ઓછી થઈ ગઈ હોવાનું  અનુભવે છે.

માંદા માણસને ઝડપથી સાજો  કરવા તેનું શરીર જ તેની પાસે પરાણે  ઉપવાસ કરાવે છે આને બદલે જો આપણે જ ઉપવાસનું મહત્ત્વ સમજીને તેનો યોગ્ય  અમલ કરીએ તો માંદા પડવાનો  અવસર ભાગ્યે જ આવે. દુનિયાના લગભગ તમામ ધર્મોમાં  ઉપવાસનું  અનેરું મહત્ત્વ છે. જેૈનોમાં  પર્યુષણ વખતે ઉપવાસ કરવાની પરંપરા છે. તો ઈસ્લામના  અનુયાયીઓ  પવિત્ર રમઝાન મહિનમાં રોઝા રાખે છે. 

હિન્દુ તથા બૌદ્ધ ધર્મમાં પણ વારે તહેવારે ઉપવાસ કરવાની પ્રથા છે. મહાત્મા ગાંધીએ શારીરીક રીતે ચુસ્ત રહેવા તથા  સ્વાતંત્ર્યની લડત લડતી વખતે આત્મવિશ્વાસ  ટકી રહે તે માટે ઉપવાસનો હાથા તરીકે ઉપયોગ  કર્યો હતો. તેમણે ફક્ત બ્રિટિશરો સામે લડવા જ ઉપવાસનું   શસ્ત્ર  અજમાવ્યું હતું એ વાત અર્ધસત્ય છે. ઉપવાસના ખૂબી પૂર્વકના ઉપયોગને કારણે જ ઢળતી ઉંમરે તેઓ જુવાનને શરમાવે તેવી ઝડપથીૈ ચાલતાં.

શારીરિક તંદુરસ્તી માટે ઉપવાસનો  ઉપયોગ કરતા પહેલા તેની પાછળનું  વિજ્ઞાન સમજી લેવું જોઈએ. ઉપવાસ એટલે આપણા પાચનતંત્રને  થોડા સમય  માટે રજા પર ઉતારી દેવું, એટલે  કે અમુક સમય  સુધી  ખાવાનું બંધ કરવું. ઘણાં લોકોની  દલીલ છે કે આપણા શરીરને સતત કાર્યશીલ  રાખવા ઉર્જાની જરૂર પડે છે અને આ ઊર્જા આપણને ખોેરાકમાંથી મળે છે. તો પછી ખાવાનું બંધ  કરીએ તો શરીરને મળતી ઊર્જાનો  પૂરવઠો  પણ બંધ થાય. તોે શરીર રોજિંદી કામગીરી  કઈ રીતે કરી શકે? પરંતુ હકીકત આનાથી વેગળી   છે.

ખોેરાકના  માધ્યમથી મળતી ઊર્જા શરીરમાં નવા નવા કોષ ઉત્પન્ન  કરે છે. પરંતુ આ ક્રિયા દરમિયાન કચરાનું પણ ઉત્પાદન થાય છે જે કોષની કામગીરીમાં બાધારૂપ બને છે. આપણે જે પણ ખાઈએ તે સઘળું હોજરીમાં  જમા થાય છે અને પાચનક્રિયા દરમિયાન ફેફસાં  અને કિડનીની જેમ  હોજરી પણ કચરાના નિકાલનું  કામ કરે છે. પણ ઉપવાસ  દરમિયાન ખોરાક લેવાનુ ંબંધ હોઈને   હોજરીને બાકી રહેલો કચરો ફગાવી દેવાનો સમય મળે છે. હોજરીના આ કાર્યને  ફૂરસદના સમયમાં ઘરની સાફસૂફી કરતી ગૃહિણી સાથે સરખાવી  શકાય. શરીરને  હરતું  ફરતું રાખવા જે ઊર્જાની  જરૂર પડે તે આ બાકી  રહેલા કચરાનું દહન કરીને મેળવી  લેવાય છે. ત્યારબાદ જ શરીરની ચરબીને ખપમાં લેવાય છે. ઉપવાસ  દરમિયાન  કચરાનો નિકાલ થઈ ગયો હોવાથી કોષની  કામગીરીને નડતો    અવરોધ   ઘટે છે.   આથી  શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. રક્ત શુદ્ધ થાય છે અને ત્વચાનો રંગ પણ ઊઘડે છે. કોઈ ઉપવાસી સાધુના  દર્શને જઈએ ત્યારે આપણને આ બાબતની  સત્યતાની ખાત્રી થાય છે.

નેચરોપથીમાં વિશ્વાસ ધરાવતા  લોકો  તો સદીઓથી ઉપવાસના  ગુણો  ગાઈ રહ્યા છે. હવે એલોપથીને પણ ઉપવાસનું મહત્ત્વ સમજાવા લાગ્યું છે. તાજેતરમાં  જ યુનિવર્સિટીૈ ઓફ પીટ્ઝબર્ગના સંશોધનકારોએ શોેધી કાઢ્યું છે કે થોડા સમય માટે ઉપવાસ કરતાં લોકોના રક્તમાં  રહેલા શ્વેતકણોની સંરક્ષણ શક્તિમાં વધારો થાય છે.  એક દશકા અગાઉ આફ્રિકાના  ભૂખમરો વેઠતાં લોકોની તબીપી ચકાસણી કરવામાં આવીા તોે માલૂમ પડયું  કે તેમને સામાન્ય  લોકો કરતાં મેલેરિયા  અને ટી.બી.  થવાની શક્યતા ઓછી થઈ હતી.

પાંડુરોગ, તાવ, માથાનો દુ:ખાવો, અતિસાર   અને ડિપ્રેશન જેવી સમસ્યાઓથી છૂટકારો પામવા યોગ્ય દવા સાથે ઉપવાસ કરવો  પણ  જરૂરી  છે. કંઈ  બીમારી ન  હોય તો પણ અઠવાડિયામાં એકાદ-બે વાર એક ટંકનો ઉપવાસ ખેંચી કાઢવાનું સલાહભર્યું  છે.  ઉપવાસ દરમિયાન ફળનો રસ  લેવાય તો વાંધો  નહિં. જો કે કોઈ ઋષિમુનીની જેમ લાંબા સમય સુધી નકોરડા  ઉપવાસ ખેંચી કાઢવાનું ગાંડુ સાહસ કરવાની જરૂર નથી. ઉપવાસ કરતાં પહેલાં પોષણયુક્ત આહાર જેવા કે સલાડ, બાફેલા અને ફણગાવેલા કઠોળ તથા ફળોનો  રસ  લેવો જોઈએ.

ઉપવાસને  કારણે  શરીરમાં  શક્તિનો સંચાર થાય છે. ઉપરાંત વજન પણ  ઘટે છે. નિષ્ણાતો કહે છે કે વૈજ્ઞાનિક ઢબે બનાવેલા સમયપત્રક અનુસાર ઉપવાસ કરવાથી વૃધ્ધાવસ્થા  પાછળ ઠેલાય છે. ઉપવાસ  શરીરને  તો શુદ્ધ બનાવે જ છે સાથે સાથે મગજને પણ ઠંડુ રાખે છે. ગુસ્સો ઓછો થાય છે અને આત્મવિશ્વાસમાં વધારો થવાથી નિર્ણય શક્તિ વધે છે.

 વૈજ્ઞાનિક ઢબે ઉપવાસ કરવાની પદ્ધતિ

* ઉપવાસની  શરૂઆત કરતાં પહેલાં  પચવામાં ભારે હોય એવો ખોરાક ન ખાવો જોઈએ.  જે દિવસે   ઉપવાસની શરૂઆત  કરવી  હોય તેના બે ત્રણ દિવસ અગાઉથી જ આહારમાં  સલાડ અને ફળ  જેવો પૌષ્ટિક ખોેરાક સામેલ કરી દેવો જોેઈએ.

* ઉપવાસ દરમિયાન  હોજરીમાં જમા રહેલા કચરાને સંપૂર્ણ રીતે સાફ કરવામાં ત્રિફળા ચૂર્ણ મધ કે હૂંફાળા  પાણી સાથે લેવાથી મદદ મળશે.

* ઉપવાસ વખતે દિવસના ઓછામાં ઓછું આઠ ગ્લાસ  હુંફાળું પાણી  પીવું જોઈએ. આ પાણીમાં  લીંબુ કે મધ  પણ ઉમેરી શકાય. નકોરડા ઉપવાસ કરતા ફક્ત ફળોનો રસ પીને  ઉપવાસ કરવો ફાયદાકારક છે.

* ઘણા લોકોને ઉપવાસ  દરમિયાન  શરીરમાં અશક્તિ વર્તાય છે અને કોઈ કોઈને ચક્કર આવવાની ફરિયાદ પણ  રહે છે. આવા સમયે શ્રમવાળું કામ કે વ્યાયામ કરવાનું ટાળવું  જોઈએ.

* પહેલીવાર ઉપવાસ કરતા હોઈએ ત્યારે સીધું જ  નકોરડા ઉપવાસ કરતી  ઉતરી જવું નહિ. શરૂઆત એક ટંકના ઉપવાસથી  કરવી. આદત પડયા પછી કાળક્રમે  એકસાથે બે-ત્રણ દિવસના ઉપવાસ   કરી શકાય. શરૂઆતના તબક્કાનાં ઉપવાસ  દરમિયાન ફળોનો રસ પીવો ફાયદાકારક છે કારણ કે ફ્રૂટ જ્યૂસ શરીરમાં બાકી રહેલાં  કચરાનો  નિકાલ લાવવામાં મદદરૂપ બને છે.

ક્યારે ઉપવાસ ટાળવો જોઈએ?

સામાન્ય તંદુરસ્તી ધરાવતી વ્યક્તિઓ ધારે તો એકાદ અઠવાડિયાનો ઉપવાસ  આરામથી ખેંચી શકે, પરંતુ જો ચક્કર આવવા કે હૃદયના  ધબકારા અસામાન્ય થઈ જવા જેવી ફરિયાદ સતાવે  તો ઉપવાસનો  અંત લાવી  તબીબની સલાહ લેવી.

* ગર્ભવતી મહિલાઓએ ભૂલેચૂકે  ઉપવાસ પર ઉતરવાનું સાહસ કરવું નહિ. કારણ કે આ એ અવસ્થા છે જેમાં માતા તથા ગર્ભસ્થ શિશુ બંનેને  પોષણયુક્ત આહારની  જરૂર છે.

* ક્ષય, કેન્સર રક્તદાબ અને શ્વાસોચ્છવાસની  બીમારીથી પીડાતા દરદીઓ ઉપવાસ ટાળવા જોઈએ. વિટામીનની ખામીને કારણે  કોેઈ બીમારી હોય તેવા  લોકોને પણ  આજ  સલાહ  છે. આ ઉપરાંત   કિડની  અને હોજરીની સમસ્યા સતાવતી હોય તો ઉપવાસથી દૂર રહેવું.

ભૂખ એટલે શું? એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

ઘણાં લોકો ઉત્સાહમાંને ઉત્સાહમાં ઉપવાસ તો શરૂ કરી દે છે પરંતુ બે-ત્રણ દિવસમાં જ તેઓની  હિંમત ભાંગી પડે  છે. આનું  કારણ  પૂછતાં  મોટા ભાગના લોકો જણાવશે કે શું કરીએ? ભૂખ પર કાબૂ ન રહેવાને કારણે ઉપવાસ તોડવા  પડયાં. પણ આ ભૂખ ખરાં  અર્થમાં  કઈ બલાં છે એની તેઓને જાણ હોેતી નથી. જઠરની દિવાલનું ચોક્કસ લયમાં થતું સંકોચન અને વિસ્તારણ ભૂખ્યા થયા હોવાની લાગણી પ્રસરાવે છે. આ સંકોચન-વિસ્તરણનો ગાળો સેકન્ડથી માંડીને ત્રણ મિનિટ સુધીનો  હોય છે.  અને  તે દર પંદર મિનિટે આકાર લે છે. બે-ત્રણ  દિવસ સુધી જો ખાવાથી વંચિત રહીએ તો સંકોચન-વિસ્તરણની  ક્રિયા થવાનો  ગાળો ટૂંકો થતો જાય છે.  

સંકોચન અને વિસ્તરણ વચ્ચેનો સમય વધતો  જતો  જાય છે. આ એ સમય છે જ્યારે મન પર કાબુ રાખવો જરૂરી છે. થોડા જ સમયમાં  આ ક્રિયા ફરી પૂર્વવત્  થઈ જશે. ઉપવાસ  વખતે ભૂખ લાગે તો એક-બે ગ્લાસ હૂંફાળુ પાણી પીવાથી ભૂખ સંતોષાશે.

ઉપવાસનો અંત ક્યારે આણવો

હોજરી તથા આંતરડામાંનો  ઝેરી કચરો સંપૂર્ણ રીતે શરીરની બહાર નીકળી જાય ત્યારે ઉપવાસનોે અંત આણવો. જીભ પર છારી બાઝી જાય, પેશાબનો રંગ ઘેરો બને, ઉબકા આવે કે ઊલ્ટી થાય અથવા તો હળવો તાવ આવે તો સમજવું કે ઉપવાસથી  જેટલો ફાયદો મેળવવાનો હતો તેટલો મળી ગયો અને હવે વધુ ખેંચવામાં માલ નથી.

- નયના