સહેર બમ્બાઃ શ્રેષ્ઠ લોંચ પેડ મળતાં રાજીની રેડ
અદાકારા કહે છે કે મને આટલા સારા ફિલ્મ સર્જક અને કલાકાર ઉપરાંત આવી લવ સ્ટોરી જેવો શુભારંભ મળશે એવી કલ્પના કરવી પણ મારા માટે અઘરી હતી.
ફિલ્મ જગત સાથે સંકળાયેલા ન હોય એવા કોઇપણ નવોદિતો માટે બોલીવૂડમાં કામ મેળવવું અને ટકી રહેવું ખાસ્સું મુશ્કેલ હોય છે. અલબત્ત, એક વખતે તેઓ જાણીતા બની જાય પછી ફિલ્મ સર્જકો તેમને પોnતાની ફિલ્મોમાં લેવા તલપાપડ રહેતાં હોય છે. પરંતુ આવા નવોદિતોની કારકિર્દીનો પ્રારંભિક કાળ બહુ મુશ્કેલ હોય છે. તેમાંય જો તેમને પહેલી ફિલ્મમાં કોઇ સ્ટાર કલાકારના સંતાન સાથે કામ કરવાની તક મળે તો તેને તેનો લાભ તો મળે જ, સાથે સાથે કેટલીક હાનિ પણ અચૂક થાય.
તેનું કારણ એ છે કે લોકોનું ધ્યાન સ્ટાર કલાકારોના સંતાનો પર વધુ જાય.અલબત્ત, તેને કારણે આ નવોદિતોની ફિલ્મો જોવાય એ સૌથી મોટો ફાયદો ગણાય.તાજેતરમાં સની દેઓલના પુત્ર કરણ સાથે પોતાની સૌપ્રથમ ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ' (પીપીડીકેપી)કરનાર સહર બમ્બા પણ સિમલાથી આવી છે. જોકે તે કહે છે કે મને આનાથી વધુ સારો આરંભ ન મળત.
અદાકારા કહે છે કે મુંબઇ આવવાનો મારો નિર્ણય જોખમી હતો. હું અહીં કોઇને ઓળખતી નહોતી. ફિલ્મી દુનિયા સાથે મારો કોઇ નાતો નહોતો. પણ મેં હંમેશાંથી અભિનેત્રી બનવાના શમણાં જોયા હતાં. મેં અહીં આવીને મારા માટે રહેઠાણ તેમ જ કોલેજ શોધવા માંડયાં. મને અન્ય સાત છોકરીઓ સાથે રહેવા માટે એક રૂમ મળીે.
આ સિવાય લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવો પણ મારા માટે બહુ આકરો હતો. જોકે હું ધીરે ધીરે તેનાથી ટેવાઇ ગઇ. કોલેજ છૂટયા પછી ઓડિશન આપવા હું દરરોજ ચર્ચગેટથી અંધેરી ખાતે આવેલા આરામનગર સુધી આવ-જા કરતી. મારી સૌથી મોટી વિડંબણા એ હતી કે મારે મળવું કોને?દરમિયાન હું સંખ્યાબંધ સારા-નરસાં લોકોના સંપર્કમાં આવી.જોકે હું ક્યારેય કોઇથી ભોળવાઇ નહીં. અને આઠ મહિનાના સંઘર્ષ પછી મને પીપીડીકેપી મળી.
આ ફિલ્મ તેને શી રીતે મળી તેના વિશે જાણકારી આપતાં અભિનેત્રી કહે છે કે મેં એક જાણીતા અખબારની ફિલ્મી પૂર્તિના નામે આવતી ફ્રેશ ફેસ પેજન્ટમાં વર્ષ ૨૦૧૭માં ભાગ લીધો હતો. અને તેમાં હું વિજેતા બની. તેને કારણે પુષ્કળ લોકો મને ઓળખતાં થયાં. હું કેમેરાનો સામનો કરતી થઇ. મારો આત્મવિશ્વાસ વધ્યો.આ મારી સૌપ્રથમ સિધ્ધિ હતી.
મારી સાથે આ સ્પર્ધામાં ભાગ લેનાર મારી એક સહેલીએ મારો નંબર પીપીડીકેપીના કાસ્ટિંગ ડાયરેક્ટરને મોકલી આપ્યો હતો. ત્યાર પછી મને તેના ઓડિશન માટે બોલાવવામાં આવી. ઓડિશનના સંખ્યાબંધ રાઉન્ડ પછી આ સિનેમા માટે મારી પસંદગી થઇ. હું તેને માટે સની દેઓલની આભારી છું. મેં સ્વપ્નેય કલ્પના નહોતી કરી કે હું તેમના પુત્ર સાથે મારી સૌપ્રથમ ફિલ્મ કરીશ.
તે પોતાના સની દેઓલ સાથે કામ કરવાના અનુભવ વિશે કહે છે કે તેમના જેવા નમ્ર વ્યક્તિ મેં ક્યારેય નથી જોયા. અમે આ ફિલ્મેનું શૂટિંગ હિમાચલ પ્રદેશમાં કર્યું હતું. અને ત્યાંનું હવામાન ક્યારે બદલાય તે કળી શક્વું મુશ્કેલ હોય છે. તેથી અમારી પ્રાથમિકતા સમયસર શોટ્સ લેવાની રહેતી.
જોકે સની દેઓલ બધા સાથે પરિવારની જેમ વર્તતા. તેમણે મારી સાથે સિમલા વિશે વાતો કરીને મને એકદમ હળવી બનાવી દીધી હતી. મને તેમની સાથે વાતચીત કરતાં ક્યારેય ડર નહોતો લાગ્યો. અમે ત્યાં રોજ સવારના પહોરમાં વર્કશોપ્સ કરતાં. અને પછી સમયસર શૂટિંગ શરૂ કરી દેતાં.
તેમના માર્ગદર્શનને કારણે અમારું કામ ઘણું સરળતાથી થઇ જતું.અલબત્ત, તેઓ પરફેક્શનના આગ્રહી હતાં. તેઓ જરૂર પડયે સંખ્યાબંધ રીટેક લેતાં. પણ પોતાનું ધાર્યું કામ કઢાવીને જ જંપતા. તેમની સાથે ધીમે ધીમે મને એટલું બધું ફાવી ગયું કે હવે તેઓ મને પિતા જેવા લાગે છે. સહેર બમ્બાને લાગે છે કે તેને આના કરતાં વધુ સારો આરંભ ન જ મળત. તે કહે છે કે ઘણાં લોકો મને પૂછતાં હતાં કે કરણ એક સ્ટાર કલાકારનો પુત્ર છે.
તેથી લોકોનું ધ્યાન તેના ઉપર જ વધુ જશે. વળી આ તેની પણ શુભારંભ ફિલ્મ છે. સમજી શકાય એવી વાત છે કે સની દેઓલે પોતાના પુત્રને લોંચ કરવા આ મૂવી બનાવી છે. તો તેમાં તને ઓછું મહત્વ મળશે એવું નથી લાગતું? પરંતુ હું તેમને કહેતી કે મને આનાથી વધુ સારું લોંચિંગ ક્યાંથી મળત. મારા માટે મારો રોલ કેવો છે તે મહત્વનું હતું, તેની લંબાઇ કેટલી છે તે નહીં. અને મેં શૂટિંગ દરમિયાન અનુભવ્યું હતું કે સની દેઓલ મારી અને કરણ વચ્ચે કોઇ ભેદ નહોતા રાખતાં.
હકીકતમાં શૂટિંગ દરમિયાન મારી અને કરણની પણ સારી મિત્રતા થઇ ગઇ. તે વધુમાં કહે છે કે અમને મિત્રો બનતાં થોડો સમય લાગ્યો હતો. કરણ થોડો શરમાળ છે. તેથી આરંભના તબક્કામાં અમને એકમેક સાથે ભળતાં વાર લાગી હતી. પરંતુ ધીમે ધીમે અમે એકમેકને ઓળખતાં થયાં અને અમારી મૈત્રી વિકસી. તે જ્યારે સ્ટંટ કરતો ત્યારે બિલકુલ સની દેઓલ જેવો લાગતો. એમ લાગતું જાણે સ્ટંટ કરવાની કળા તેને વારસામાં મળી છે. તેને ક્યારેય નહોતું લાગ્યું કે તે તેના પિતાના દિગ્દર્શન હેઠળ કામ કરી રહ્યો છે.
અદાકારા વધુ એક વખત કહે છે કે મને આટલા સારા ફિલ્મ સર્જક અને કલાકાર ઉપરાંત આવી લવ સ્ટોરી જેવો શુભારંભ મળશે એવી કલ્પના કરવી પણ મારા માટે અઘરી હતી. અલબત્ત, હવે હું વિવિધ પ્રકારની ફિલ્મોમાં કામ કરવા ઇચ્છું છું.