Get The App

સુખનો ઉપાય- સત્સંગ .

Updated: Jan 15th, 2020

GS TEAM

Google News
Google News
સુખનો ઉપાય- સત્સંગ                 . 1 - image


શ્રીજીસંકલ્પ મૂર્તિ જીવનપ્રાણ બાપાશ્રીએ વચનામૃત ગ્રંથ તેના મધ્ય પ્રકારના ૫૪માં વચનામૃતની ટીકામાં કર્યો છે કે, સત્ય એવા જે ભગવાન, સત્ય એવા જે સંત, સત્ય એવો જે ધર્મ અને આ ત્રણેનું જેમાં વર્ણન હોય એવું જે શાસ્ત્ર. આ ચારનો સંગ કરવો તેનું નામ સત્સંગ કર્યો કહેવાય.

તુલસીદાસજીએ કહ્યું છે કે, એક ઘડી આઘી ઘડી, આધી મેં પુનિ આધ;

તુલસી સોબત સંતકી, કટે કોટિ અપરાધ

ચોવીસ મિનિટની એક ઘડી, આધી ઘડી એટલે બાર મિનિટ. આધી મેં પુનિ આધ એટલે છ મિનિટ પણ જો સાચા સંતની સોબત કરવામાં આવે તો જન્મો જન્માંતરના અપરાધ બળીને ભસ્મ થઈ જાય છે અને શાશ્વતિ શાંતિ પ્રાપ્ત થાય છે.

કરીએ નિત્ય સત્સંગ તો, બાધા સકલ મિટ જાય ;

ઐસા અવસર ના મિલ, દુર્લભ નર તન પાય ;

ભગવાનને પામવાનો સરળ અને સચોટ ઉપાય શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં સ્વમુખવાણી જે વચનામૃત ગ્રંથ તેના છેલ્લા પ્રકરણના બીજા વચનામૃતમાં બતાવ્યો છે કે, સર્વે સાધનના ફળરૂપ તો આ સત્સંગ છે, તે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે એકાદશ સ્કંધમાં કહ્યું છે જે, અષ્ટાંગ યોગ તથા સાંખ્ય વિચાર તથા શાસ્ત્ર પઠન તથા તપ, ત્યાગ, યજ્ઞાને વ્રતાદિકે કરીને હું તેવો વશ થાતો નથી જેવો સત્સંગે કરીને વશ થાઉં છું, માટે અમને તો એમ ભાસે છે જે, પૂર્વ જન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગ કરીને થયો હશે અને આજ પણ જેને જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગે કરીને જ થાય છે. તેથી સર્વે સાધન કરતાં સત્સંગ તે અધિક છે.

પરંતુ આપણને વળી એક પ્રશ્ન થશે કે, ભગવાનને પ્રસન્ન કરવા માટે સત્સંગ સર્વ સાધન કરતાં અધિક છે પણ સત્સંગ કહેવાય કોને ? તો સત્સંગની સરળ અને સચોટ વ્યાખ્યા શ્રીજીસંકલ્પ મૂર્તિ જીવનપ્રાણ બાપાશ્રીએ વચનામૃત ગ્રંથ તેના મધ્ય પ્રકારના ૫૪માં વચનામૃતની ટીકામાં કર્યો છે કે, સત્ય એવા જે ભગવાન, સત્ય એવા જે સંત, સત્ય એવો જે ધર્મ અને આ ત્રણેનું જેમાં વર્ણન હોય એવું જે શાસ્ત્ર. આ ચારનો સંગ કરવો તેનું નામ સત્સંગ કર્યો કહેવાય.

શાસ્ત્રોમાં સત્સંગનો અપાર મહિમા વર્ણવ્યો છે. પાણીથી શરીરનું સ્નાન, ભક્તિથી મનનું સ્નાન અને સત્સંગથી બુધ્ધિનું સ્નાન થાય છે. ગાંડીતુર બનેલી નદી સેંકડો ગામોનો ધ્વંશ કરી નાખે છે. તેમ બેકાબુ યુવાની પણ જીવનને અસ્વસ્થ કરી નાંખે છે. તોફાની નદી પર બંધ બાંધવામાં આવે તો એ જ નદી હજારો ગામોને સુજલાં સુફલાં બનાવી શકે. તેમ યુવાનીના ધસમસતા પ્રવાહ પર જો સત્સંગનો બંધ બાંધવામાં આવે તો એ જ યુવાશક્તિ સમગ્ર સૃષ્ટિને નંદનવનમાં પલટાવી નાખવા સમર્થ થઈ શકે.

જેમ આપણી પાસે કોઈ વાહન હોય અને તેમાં કચરો ભરાય અને રસ્તામાં અટકી પડાય ત્યારે તેને સર્વિસ સ્ટેશન લઇ જવું પડે છે અને ત્યાં સર્વિસ કરાવવી પડે છે. તેવી જ રીતે સત્સંગ એ હૃદયનું સર્વિસ સ્ટેશન છે. જ્યાં સત્સંગ થતો હોય ત્યાં જઈને આપણે બેસીએ તો આપણું હૃદય નિર્મળ થાય અને હૃદયમાં ભગવાનનો આવિર્ભાવ થાય.

સત્સંગ માત્ર પાંચ કે દસ મિનિટ કરવાથી આપણા દોષો ટળતા નથી. જેમ પાણી ઉપર લીલ બાઝી ગઈ હોય અને તેની ઉપર તમે પથ્થર મારો એટલે લીલ ખશી જશે. પરંતુ થોડો સમય પછી લીલ પાછી આવી જશે. તેમ સત્સંગ થોડીવાર કરીએ એટલે મનને શાંતિની અનુભૂતિ થશે. પરંતુ પાછી થોડા સમય પછી અશાંતિ આવીને ઉભી રહેશે.

તેથી જેટલો વધુ સત્સંગ કરીએ એટલી વધુ શાંતિ મળે છે. આપણે પૈસા કમાવામાં કેવો આગ્રહ રાખીએ છીએ ? થોડાથી સંતોષ થાય છે ? બધાને વધારે જ જોઈએ છે. તો સત્સંગ કેમ વધારે કરવાનું વિચારતા નથી ? એમાં આપણે થોડામાં પતાવાની વાત કરીએ છીએ. ઉતાવળ છે. મોડું થાય છે માટે સત્સંગનો સમય ઘટાડો.અરે ! સત્સંગનો સમય ઘટાડવાની નહીં, પરંતુ વધારવાની જરુર છે. આપણે જેટલો વધુ સમય કરીશું તેટલા આપણા દોષો વધુ જલ્દીથી ટળશે અને સદ્ગુણો વૃધ્ધિ પામશે.

- સાધુપ્રેમવત્સલદાસજી કુમકુમ

Tags :