ઉતરાણ ગઈ, સંભારણા મૂકી ગઈ
હું, શાણી અને શકરાભાઈ - પ્રિયદર્શી
બાબલાને આ બધી પરી સાથેની આળપંપાળ ગમતી નહોતી. પરીમાં આવો ભણેલો ગણેલો વિશાલ શું મોહી ગયો હશે ?
ઉતરાણ વીતી ગયા પછી ચારેક દિવસે પેથાભાઈએ ઉતરાણનાં સ્મરણો વાગોળવા એક નાની પારિવારિક પાર્ટી ઘરમાં જ ગોઠવી હતી. એમાં પ્રોફેસર પ્યારેલાલ તો 'ચીફ ગેસ્ટ' હોય જ. અને પ્રોફેસર પ્યારેલાલ માટે ગાઢ સંબંધનાં બે કુટુંબો એવા હતાં કે એ સારામાઠા દરેક પ્રસંગે એમાં હોય જ. બંને પરિવારોમાં પ્યારેલાલ સેજા - હતા.
રવિવારે બંને કુટુંબો ભેગા મળ્યા. એક ખાસ બધાને ગમતી વાત એ હતી કે વિશાલની ભાવી પત્ની રશ્મિને ય અમદાવાદની ઉતરાણ માણવા ખાસ આગ્રહપૂર્વક બોલાવી હતી. વિશાલે મોબાઈલમાં જ એને પૂછ્યું હતું કે તમારા- તારા વડોદરામાં ઉતરાણ કેવી ચગે ?
'ઠીક ઠીક પણ તારા અમદાવાદમાં પતંગનો જે ભચિડી ઉન્માદ' છે એટલો વડોદરામાં નહિ.
ફેન્ટાએ જ રસિક શરૂઆત કરી : 'રશ્મિ તે વિશાલની ફિરકી બરાબર પકડી હતી.'
પ્રોફેસર પ્યારેલાલે હસતાં હસતાં 'કોમેન્ટ' કરી કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનનો રથ કૃષ્ણે સંભાળ્યો હતો.
રશ્મિ મલક મલક થઈ ગઈ. તરત જ બાબલાએ (પેથાભાઈનો 'સુપુત્ર') કોમેન્ટ કરી : 'પહેલા જ પેચમાં વિશાલનો પતંગ કોઈએ ખેંચી કાઢ્યો.'
'પણ' ફેન્ટાને આ ટકોર ગમી નહિ એટલે બોલી પડી : 'એ પછી તો વિશાલે રશ્મિની રાહબરીમાં ચાર પાંચ પતંગોને હવામાં રઝળતા કરી મૂક્યાને !'
પેથાભાઈની બાજુના મકાનમાં શકરાભાઈનો પરિવાર હતો. એમાં સહુથી વધારે ઉત્સાહ નાનકડી પરીનો.
એણે બૂમ મારી : 'વિશાલભાઈ !' એકદમ વિશાલનું ધ્યાન એના તરફ દોરવાયું. એણે એકદમ ફેન્ટાને કહ્યું : 'મમ્મી' પરીને અહીં લઈ આવને ! બધાં સાથે એને ય મઝા પડશે. મંજરીને એમ પરીને બારોબાર પેથાભાઈના પરિવારમાં મોકલતાં સંકોચ થયો પણ રશ્મિએ જ ખાસ મોબાઈલ પર તાકીદ કરી : 'પરીને મોકલોજ એના વિના વિશાલ ઝૂરી રહ્યો છે.'
રશ્મિની ટકોરે બધાને હસાવી પાડયા. વિશાલને પરી કેટલી બધી વહાલી હતી તેનો લગભગ બધાને અનુભવ હતો. પરી આવતાં જ વિશાલે એને વહાલથી ઊંચકીને હૃદય સાથે જોડી દીધી.
પ્રોફેસર પ્યારેલાલ કહે : 'જન્મોજન્મની લેણાદેણી હોય છે.'
વિશાલ પરીનું કપાળ ચૂમતા કહે : 'પરી મારી બહુ નાની બહેન છે. કેટલાં બધાં વર્ષનો અંતરાય છે ? મને તો એ મારી દીકરી જ લાગે છે.'
વિશાલે પરી પર જે વહાલ વરસાવ્યું ! એના નાજુક હાથમાં પતંગની દોરી પકડાવી. પતંગને સહેલ કરામત અને અકસ્માત પરીના પતંગની દોરીમાં એક પતંગ ઝડપાઈ ગયો અને સીધો હવાઈ માર્ગે ઉપડી ગયો. બધાંએ પરીને વધાવવા તાળી પાડી. પરી શરમાઈ ગઈ પરીના હાવભાવ, એની શરમ, વિલાસ સાથે એનો અનુબંધ બધાં પ્રેમથી વધાવી રહ્યા.
બાબલાને આ બધી પરી સાથેની આળપંપાળ ગમતી નહોતી. પરીમાં આવો ભણેલો ગણેલો વિશાલ શું મોહી ગયો હશે ?
પેથાભાઈએ શકરાભાઈને અને શાણીબહેનને ય પેચ લડાવતાં જોયાં. શકરાભાઈના હાથમાં પતંગ ડોલમડોલ થાય. શકરાભાઈ મુંઝાઈ જાય. શાણીબહેને ફિરકી ઝાલી હતી. મંજરીને એ કહે કે હું તારા પપ્પાની ડ્રાઈવર !
મંજરીએ પણ પપ્પાની ફિરકી પકડીને પપ્પાને ખુશ કરી દીધા. મુન્નો કોઈનીય તમા રાખ્યા વિના આપમેળે એક પછી એક પતંગો ચગાવતો જ રહ્યો. એને થયું મંજરી પપ્પાની ચમચી છે, એમની ખુશામત કર્યા કરે છે.
મંજરી કોઈના પતંગની કપાયેલી દોરી એના ધાબામાં પડે તો તીણા દાંતે કાતરી લેતી. શાણીબહેનને કહેતી - 'આપણા ધાબામાં દોરી પડે એટલે ટેક્સ કાપી જ લેવાનો.'
મુન્નો કહે : 'ઉંદરડી !'
શકરાભાઈ કહે : 'મફતની વસ્તુ સહુને વહાલી લાગે. અમે ય નાના હતા ત્યારે પતંગ પકડવા છાપરા પર દોડાદોડ કરતા હતા.'
મુન્નો મમ્મી તરફ જોઈ રહ્યો : 'પપ્પા વળી છાપરા પર દોડાદોડ કરે ? અને તે ય પતંગ પકડવા ?'
મંજરીએ ટપાર્યો : 'એ દિવસોમાં પપ્પા કિશોર હતા અને બધાંની જેમ એમને ય પતંગ લૂંટવાની મઝા પડતી હશે ને ?'
શકરાભાઈ હસી પડયા : 'સાચી વાત છે મફતનો પતંગ વધારે વહાલો લાગે.'
પેથાભાઈના ધાબામાં એક મોટો પતંગ કપાઈને આવતો હતો. એકદમ ફેન્ટા ઉંમર વટાવીને કિશોરીની જેમ દોડી અને પછડાઈ. એમાં એના પગને મોચ આવી ગઈ.
પટલાણી 'અરે, અરે બોલી પડયા. રશ્મિ એકદમ એમની પાસે ગઈ. પાછળ વિશાલે ફેન્ટાને બેઠી કરી પણ બધાનો મૂડ ઉડી ગયો.'
બાબલો કટાક્ષમાં કહે : 'લંગડી થઈને ? જાણે જિંદગીમાં પતંગ દીઠો ના હોય !'
વિશાલે પપ્પાને જરા કચવાટથી કહ્યું : 'પપ્પા અત્યારે આ બધું બોલવાનો વખત છે ? જરા સમય તો જુઓ !'
એ ગુસ્સે થઈ ચાલવા માંડયો. ફેન્ટાએ દુ:ખથી પૂછ્યું : 'ક્યાં જાવ છો ?'
'મારા 'ફ્રેન્ડો'ને ઘેર અહીં ઘરડાઓમાં શી મઝા પડે ?' એણે મમ્મી પપ્પાને લક્ષમાં રાખીને કહ્યું.
પેથાભાઈને ફિટકાર થયો. 'વહુને કેટલી પીડા થાય છે અને નાલાયક... !'
પણ બાબલો વળી ઘરમાં કોઈનું ય ક્યાં સાંભળે તેવો હતો ?
રશ્મિએ પણ પતંગની થોડી મોજ માણી લીધી. વિશાલ એની ફિરકી પકડનારો - ડ્રાયવર !
પરી પણ બધાની સાથે હળી મળી ખુશ ખુશાલ હતી.
રશ્મિએ પણ પરીને લાડ કરી લીધાં.
ફેન્ટાને ચાલવામાં મુશ્કેલી પડવા લાગી.
ઉતરાણ પછી બધાં સંભારણા વાગોળવા ભેગા મળ્યા ત્યારે ય એની પીડા જણાઈ આવતી હતી.
રશ્મિએ આયોડેક્સ મંગાવી સાસુના પગે હળવી માલીશ કરી.
ફેન્ટા સંકોચાઈ ગઈ : 'રશ્મિ ! તું તો અત્યારથી જ ઘરની વહુ બની ગઈ.'
'છું જ ને ! વિશાલ સામે જરા મલકીને એ બોલી. વિશાલે અંગુઠો બતાવી થમ્ઝઅપ કર્યું, ઓ.કે. રશ્મિએ અને મંજરીએ પેથાભાઈના પરિવારમાં મિજબાનીનો હવાલો લઈ લીધો બધાને પ્રેમથી ગરમા ગરમ ઉંધિયું અને જલેબી જમાડયાં.'
પરી વિશાલભાઈની સાથે જ હતી. 'હેં વિશાલભાઈ ઉતરાણ રોજેરોજ આવતી હોય તો કેવી મઝા આવે ?'
વિશાલે એને બોકી ભરી દીધી.