mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

નિરપેક્ષ પ્રેમ જ ચિરંજીવ હોય છે

સ્પાર્ક - વત્સલ વસાણી

Updated: Dec 7th, 2019

નિરપેક્ષ પ્રેમ જ ચિરંજીવ હોય છે 1 - image


સંબંધમાં જેટલી સચ્ચાઈ આવે એટલો પ્રેમ સઘન બને છે. એમાં ઊંડાણ આવે છે અને પ્રેમ સાથે જો સમજ ભળે તો સોનામાં સુગંધ ભળવા જેવી સ્થિતિ થાય છે

સંબંધોનું વિશ્વ વિશાળ છે. લોહીના જેમ સંબંધો હોય છે તેમ કેટલાક લાગણીના સંબંધો પણ હોય છે.

મોટાભાગના સંબંધોને આપણે નામ આપી દીધા છે પરંતુ જીવનમાં કેટલાક એવા સંબંધો પણ હોય છે જેને નામ નથી હોતું. નામ આપવાથી સંબંધોની સીમા નક્કી થાય છે. અનામ સંબંધોને કોઈ સીમા નથી હોતી. નામ આપેલા સંબંધ સંસારના હિસ્સારૂપ હોય છે. સંસાર આખો સંબંધોની જાળ જેવો છે. સંસારના સંબંધો ક્યારેક મીઠા, રસથી ભરેલા, મુલાયમ અને ઊંડા હોય છે. તો ક્યારેક એ કડવા, શુષ્ક, કઠોર અને છીછરા પણ સાબિત થતા હોય છે.

માણસ એ એક સામાજિક પ્રાણી છે અને એટલે જન્મે ત્યારથી જ એની આસપાસ સંબંધોની જાળ શરૂ થઇ જાય છે. એ કોઇનો પુત્ર યા પુત્રી હોય છે તો કોઈ માટે ભાઈ યા બહેનનો સંબંધ જન્મતાની સાથે જ શરૂ થઇ જાય છે. જીવનની માત્રા જેમ જેમ આગળ વધે તેમ નવા નવા સંબંધોની ફૂલમાળા માણસની આસપાસ ગૂંથાતી જાય છે. પતિ યા પત્નીના સંબંધની છેડા છેડી એમના જીવન અને હૃદયને જોડતી હોય છે. તો માબાપ બનીને જીવવાની ઊંડી જવાબદારી પણ આગળ જતાં એમના જીવનમાં ઉમેરાતી હોય છે.

જગતને વધુ સુખી અને ઉત્સવપૂર્ણ બનાવવું હોય તો વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધમાં સચ્ચાઈ, પ્રેમ અને સમજનો ઉમેરો થવો જોઇએ. સંબંધમાં જેટલી સચ્ચાઈ આવે એટલો પ્રેમ સઘન બને છે. એમાં ઊંડાણ આવે છે અને પ્રેમ સાથે જો સમજ ભળે તો સોનામાં સુગંધ ભળવા જેવી સ્થિતિ થાય છે. સમજ સાથેના પ્રેમમાં સચ્ચાઈ આપોઆપ આવી જાય છે અને સાચો પ્રેમ અને જીવન અને જગતને આનંદ તથા ઉત્સવથી ભરી શકે છે.

પ્રેમના કારણે તો આપણું આ જગત સંબંધોના મીઠા સરોવર જેવું બની ગયું છે. પ્રેમની મધુર પળોના સહારે તો માણસ જીવી શક્તો હોય છે. પતિ અને પત્નીનું સમગ્ર જીવન આવી પળોના સરવાળો બનીને પસાર થાય તો પ્રેમની સાથે એમાં સમજની સુગંધ ભળી જાય છે. સમજ વિનાનું દાંપત્ય સુગંધ વિનાના ફૂલ જેવું હોય છે. ફૂલ તો એ છે જ તેટલું સુંદર હોય પણ જો એમાં સુગંધ ન હોય તો કશુંક ખૂટે છે. ફૂલ કહેતાં જ સૌથી પહેલો ખ્યાલ એની સુગંધનો આવે છે. ગુલાબનું સુગંધ સહિતનું ફૂલ આંખોને તો આનંદ આપે જ છે, સાથે સાથે  હૃદયને પણ સુવાસથી તરબતર કરી જતું હોય છે.

બે વિજાતીય પાત્રોનો સૌથી નિકટનો સંબંધ જો કોઈ હોય તો એ મૈત્રી અને દાંપત્યનો છે. પરસ્પરના ગુણ, અવગુણ, અચ્છાઈ-બુરાઈ એની તમામ વિચિત્રતાઓ આ બધાનો બેશર્ત સ્વીકાર હૃદયમાં અંકુરિત પ્રેમને સીંચીને વિશાળ વટવૃક્ષ સુધી પહોંચાડે છે. આપણી ઇચ્છાને અનુરૂપ થઇને સામેું પાત્ર ચાલે તો જ પ્રેમ કરવો એવી શર્ત પ્રેમને મૂંઝવીને ખતમ કરવાની કોશિશ છે.

આથી છબબીૅા ચજ રી ર્િ રીિ ૈજ તે કે તેણી જેવા છે તેવા જ એને સ્વીકારો. શરતી પ્રેમ લાંબો સમય ટકતો નથી. બે શર્ત અને નિરપેક્ષ પ્રેમ જ ચિરંજીવ હોય છે. સાચો પ્રેમ વ્યક્તિને વિધાયક લાગણીઓથી ભરી દે છે. જ્યારે દંભથી ભરેલો પ્રેમ અંદરથી ભયભીત હોય છે.

સુખી અને સફળ દામ્પત્ય જીવવું હોય તો જીવનસાથીની કદર કરતાં શીખો. એને પ્રોત્સાહન આપો. વ્યક્તિની કુશળતા એની વ્યવસ્થાશક્તિ અને સુંદરતાના વખાણ કરો. સામી વ્યક્તિને મઠારવાને બદલે એને મહોરવા દેવી એ જ સફળ  પ્રેમની પારાશીશી છે.

મધુર હોય છે એ પળો જેને બે વિજાતીય પાત્ર પ્રેમની સુગંધથી ભરીને પવિત્ર બનાવે છે. સમજ, સંતુલન અને સ્વીકાર ભાવના ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા પછી પવિત્ર થયેલું દાંપત્ય જિંદગીનાં એટલાં ઊંચાં શિખર સર કરી શકે છે જ્યાં સમાજનો બીજો કોઈ સંબંધ ભાગ્યે જ પહોંચી શકે છે.

જે લોકો આ સુંદર જગતને, એના સંબંધોને નિંદે છે એ સમજહીન અને સંવેદનશૂન્ય છે. એવા જડ લોકોની જાળમાં ન ફસાશો. કોઈ તમને સાચા દિલથી ચાહતું હોય તો એનો ઇન્કાર ન કરશો. એટલું યાદ રાખજો, હરકોઈ સ્થિતિમાં પ્રેમ વરણીય અને વંદનીય છે. પ્રેમથી ભરેલું હૃદય સ્વયં એક મંદિર કે તીર્થ જેવું છે. પ્રેમના કારણે જ આ જગત હજુ જીવવા જેવું રહ્યું છે.

અહીં જેટલી ગંદકી છે એટલી સુવાસ પણ છે. સ્વાર્થથી ભરેલા સંબંધો છે તો આના આજ જગતમાં નિ:સ્વાર્થ સંબંધોનો પણ કયાં પાર છે. પ્રેમના પવિત્ર માર્ગ પર ચાલતાં ચાલતાં પરમાત્માના મંદિર સુધી પહોંચાય છે અને આ સૃષ્ટિ પર એવા અનેક લોકો થયા છે જે પ્રેમના માર્ગ પર ચાલીને સ્વયં પ્રેમરૂપ ને ભગવત્તાથી ભરપૂર બની ગયા છે. એમના જીવનનો સાર અને સંદેશ પણ કાયમથી આ એક જ રહ્યો છે : સ્વયં ને અને સૌ કોઇને પ્રેમ કરો.

મસ્તી અને ખુમારીથી ભરેલી પ્રેમની પળોમાં વ્યક્તિને મળેલું ઝેર પણ અમૃત બની જાય છે. શૂળી પર ચઢવા છતાં આશીર્વાદની વર્ષા ઓછી નથી થતી. છાતીમાં કોઈ ભાલો ભોંકી રહ્યું હોય ત્યારે પણ હૃદયમાંથી 'તત્વમસિ' સિવાય બીજો કોઈ ઉદ્ગાર નથી નીકળતો.

કોઈ પણ પરિસ્થિતિમાં જો 'ધાય વિલ બી ડન' 'તું જે કરે તે બરાબર છે'ની ભાવનાથી હૃદય ધબકતું હોય તો જ પ્રેમનું બીજ અંકુરિત થઇ છેક સુવાસ સુધી પહોંચ્યું છે એમ માની શકાય.

ક્રાન્તિ બીજ

ઓ હૃદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને ? જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને !

- બરકત વીરાણી 'બેફામ'

Gujarat