કિત્ના ભી હો પહેરા ચહેરા બોલેગા...
દોબારા દોબારા - અલતાફ પટેલ
ઉરીયાં હી કર રહે હૈં તુમકો તુમ્હારે ચ્હેરે
ખુદકો છુપાનેવાલો, લફ્ઝોંકે પયરહનમેં...અન્જાન
દરેક વ્યક્તિનો ચ્હેરો તેના હૃદયની વાતને છતી કરવા સક્ષમ હોય છે. જે કાંઈ કાચું પાકું કેમ ન હોય ચ્હેરો ઘણું ખરું સાચું કહી દે છે. હૃદયના હાવભાવ પ્રીછી લેવામાં ચ્હેરાનો પ્રભાવ મોખરે રહે છે. સાચું છે કે ખોટું, હકીકત છે કે બનાવટ છે તે વટ સાથે ચ્હેરો કશુંક તો કશુંક કહીને જ જંપે છે. શું તમે જ કળી નથી શક્તાં સુખડું ને દુ:ખડું માનવી પર સવાર હોય ત્યારે તેનું મુખડું સંકેત આપી દે છે... ઢોલ વગાડીને કહો તો એ રીતે પણ ચ્હેરો ઘણી બધી પોલ, ઉઘાડીને (ઉરીયાં) દમ લે છે. એટલે ગમે તેવી કળાથી જુઠ્ઠાડાઓ તેમના મન ગમતા વાડા બાંધી શક્તા નથી. ગમે તેવી સિફતથી, ચાલાકીથી મગ્ન થવા જાય પણ ચ્હેરો તેમને નગ્ન કર્યા વિના મૂક્તો નથી. ભલેને વ્યક્તિ મીઠા મીઠા ન દીઠા હોય એવા શબ્દો (લફ્ઝ)ના રેશ્મી વસ્ત્રો (પયરહન)માં છુપાવીને ઓક્યા કરતા હોય પણ શ્રોતાઓ એના વાણી વિલાસને પારખી લેવામાં પૂરા નહી તો અડધા તો પાવરધા હોય છે જ. વિજય તો વહેલો મોડો નિખાલસતાનો જ થાય છે. વ્યક્તિના ચ્હેરાની પવિત્રતા તેના અંતરમનનું જ પ્રતિબિંબ છે. કુવામાં હોય તો હવાડામાં આવે હૃદયમાં પુનિત પ્રકાશ હોય તો ચ્હેરા પર એ પ્રકાશ ડોકાયા વિના રહેતો નથી. એટલે જ શ્રોતાઓને. મૂર્ખતામાં ખપાવવાની ચેષ્ટતતાથી દૂર રહેવામાં જ શાણપણ કહેવાય...
એક ચ્હેરે પે ઉન્નીસ બીસ ચ્હેરે... જીસ્કો દેખના બાર બાર દેખના... કૈફી આઝમી..
દરેક મળવું તો બરાબર પણ દરેકના મનને કળવું અતિ દુષ્કર... દુષ્ટ વ્યક્તિના ચ્હેરાથી પ્રભાવિત થઇ આગળ વધ્યા તો સમજી લેવું કે ભજી ભજીને થાકી જશો તો ય મગજની ચાકી ફીટ નહી થાય... સંભાળીને ભાળીને કદમ મુકનારને દમની બીમારીમાંથી ચોક્કસ મુક્તિ મળશે...
ચ્હેરા હી દેગા હર ગુનાહોંકી ગવાહી અલતાફ
શાતિર હૈ લોગ બેઅકલ ન સમજા કરો ઉન્હે...