'બાર વરસની ગણગારી ગૂજરી...' ગુજરાતી કન્યાના બાળલગ્ન ને એય વળી કજોડું-એટલે એની સામે બંડ પોકારતું ગીત છે. બાર વર્ષની ગુણવાન ગૂર્જરકન્યા ને એનો વર છે માત્ર સવા વરસનો! કેવી રીતે સાસરિયામાં રહેવું? એ એણે જગતના ચોકમાં પૂછેલો યક્ષપ્રશ્ન છે
બાર વરસની ગણગારી ગૂજરી,
સવા વરસનો પરણ્યો, રે હવે કેમ રે'વાશે!
દળવા બેસું તો પીટયો બાજરો રે માગે,
પાટલી એક એને મારું,હૈયામાં વાગે
રે હવે કેમ રે'વાશે!
પાણીડાં જાઉં તો પીટયો છેડે વળગ્યો આવે,
છેડલો મેલાવું તો ઢોર મારી નાખે
રે હવે કેમ રે'વાશે!
રોટલા ઘડું તો પીટયો ચાનકી રે માગે,
તાવિથો એક એને મારું
રે હવે હૈયામાં વાગે.
ધાન ખાંડું તો પીટયો ઢોકળું રે માગે,
વેલણું એક એને મારું
રે હવે હૈયામાં વાગે.
લોકસંગીત લોકસમાજનો આયનો છે એટલે ક્યારેક સમાજનો કદરૂપો કોઈ ચહેરો એમાં પ્રતિબિંબિત થઇ જાય ને આપણા નાકનું ટીંચકું ચડી જાય પણ અરિસાનો સ્વભાવ જેવું હોય એવું બતાવવાનો છે, એવું જ છે લોકગીતનુંત સારું હોય એની પ્રશંસા કરવી ને બૂરું હોય એની ટીકા કરવી. લોકમાં વ્યાપેલી બદીઓ, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ-વગેરે સમયાંતરે લોકગીતોમાં ઉજાગર થયા છે. લોકનો રાજીપો જેમ લોકગીતોમાં વ્યક્ત થયો છે એમ એની એની નારાજગી પણ એમાં અનુભવાઈ છે.
'બાર વરસની ગણગારી ગૂજરી...' ગુજરાતી કન્યાના બાળલગ્ન ને એય વળી કજોડું-એટલે એની સામે બંડ પોકારતું ગીત છે. બાર વર્ષની ગુણવાન ગૂર્જરકન્યા ને એનો વર છે માત્ર સવા વરસનો! કેવી રીતે સાસરિયામાં રહેવું? એ એણે જગતના ચોકમાં પૂછેલો યક્ષપ્રશ્ન છે. બાળલગ્ન એક સમયે પરંપરા હતી પણ સામેનું પાત્ર પણ સમાનવયનું તો શોધાતું મોટાભાગે પણ અહીં તો અણસમજુ બાળક વર છે!
ગૂર્જરકન્યા પોતાની ભારોભાર નારાજગી વ્યક્ત કરવા પોતાના વર સાથે અમાનુષી વર્તાવ કરે છે જમકે પોતે ઘંટીએ દળવા બેસે તો વર ખાવા માટે બાજરો માગે છે તો પોતે પાટલી મારે છે, પાણી ભરવા જાય છે ત્યારે સાડીનો છેડો પકડીને સાથે આવે, જો છેડો મુકાવી દે તો બજારમાં ક્યાંક ઢોરઢાંખર એને હડફેટે લઈને મારી નાખે તો? રોટલા ઘડે ત્યારે ચાનકી માગે, અનાજ ઓઘાવે-ખાંડે ત્યારે ઢોકળું માગે-દરેક વખતે પોતે બાળવરને આકરી સજા કરે છે પણ અંતે તો એને પેટમાં બળે છે, હૈયામાં ઠેસ વાગે છે કારણ કે ગમે એવો છે તોય પોતાનો પતિ છે-નારીનું પતિવ્રત અહીં છતું થાય છે.
ઘાતક પરંપરા, કુરિવાજો, દેખાદેખી, બીજા શું માનશે? આપણે એકલા પડી જઈશું-આવી વિચારધારાને કારણે સમાજને ખૂબ નુકસાન થયું છે ને હજુ પણ થઇ રહ્યું છે ત્યારે લોકગીત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમાજ સુધારણાનું કામ કરે છે. જયારે લોકગીત જ બળુકું માધ્યમ હતું ત્યારે આવાં કેટલાંય ગીતોએ જન્મ લીધો હતો ને તત્કાલીન સમાજ વ્યવસ્થા શું હતી એનાથી આપણને અવગત કરાવે છે ને આજના સમયમાં આવું ન બને એ માટે આપણને જાગૃત કરે છે.


