ડિસેમ્બરની દાઢ કળે છે, જાન્યુઆરીનું જમણું અંગ થથરે છે - દિવસોની સિકલ પલટાઈ છે. સૂર્યોદય પછી પરોઢ થાય છે અને સૂર્યાસ્ત પહેલાં રાત પડી જાય છે.
ડિસેમ્બરના ખ્રિસ્તીપર્વમાં પ્રગટેલી મીણબત્તીઓ પણ તીવ્ર ઠંડીમાં સ્થિર થઈ ગઈ છે. વૃક્ષો વિચારમાં પડયાં છે. ઘાસ ઝાકળમાં ડૂબી ગયું છે. આકાશની આંખો લગી ઠંડીનું સામ્રાજ્ય વિસ્તર્યું છે. વહેલી સવાર પવન સશસ્ત્ર નીકળી પડયો છે. હાથમાં કરવત લઇને... એ કરવતની તીક્ષ્ણ ધાર જોઈ પૃથ્વીના પદાર્થો ડરી ગયા છે. બધું જ ઠરીને ઠામ થઈ ગયું છે. જળ પણ પ્રવાહિતા ગુમાવીને ઘનમાં રૂપાંતરિત થવાના મૂડમાં છે. પંખીઓના કંઠમાં ઠંડીના કારણે ટૌકા ગંઠાઇ ગયા છે અને માળાઓને ત્યજવાનું પંખીઓને મન થતું નથી. મહોલ્લાની ચોકી કરતા શ્વાનની ધ્રાણેન્દ્રિયો પણ ઠરી ગઇ છે.
સુગંધ સંતાઈ ગઈ છે પાંદડીમાં, અને પાંદડીઓ બીડાઈ જઈ છોડની છાતીમાં ભરાઇ જવાનો મોકો શોધે છે. ધૂળને પણ રમતમાં રસ નથી વાદળાંએ પણ ગંભીરતા ધારણ કરી છે. નદી, તળાવ, ખેતર, ગામ, ઘર સર્વે જડ-ચેતન પદાર્થોએ ગંભીરતાની રજાઈ ઓઢી છે.પત્ની રોટલી શેકવાને બદલે હથેળી શકે છે, ને શાક સમારવા માટે તડકો શોધે છે. કામવાળી બાઇએ રણકતી બંગડીવાળો, મહેંદી મૂકેલો હાથ સોડમાં સંતાડી દીધો છે. તડકો-કૃષ્ણનું રૂપ લઇને નીકળે છે. બધા સજીવો ગોપીભાવે તડકાને ભજે છે. તડકાનાં ચોસલાં ચગળતાં-ચગળતાં દિવસનો ઢાળ ઊતરી જવાનું સૌને ગમે છે... આ ઋતુમાં પાણી સાથેની પ્રીત ઘટે છે અને પદાર્થ - તડકા સાથેની પ્રીત વધે છે. તડકો ચાલ્યો જાય છે ત્યારે વિરહ ન જીરવાતાં સૌ તૃષિતજનો તડકાનો આભાર રચવા તાપણાં કરે છે.
તાપણાંમાં પેલા તડકાને કૃષ્ણરૂપે નિહાળવા કોશિશ કરે છે. આભાસી તડકે કેટકેટલાં પ્રેમીજનો પોતાના ઉત્કટ પ્રેમની તૃષા છિપાવવા મથે છે ? વૃદ્ધોની તો એમાં હરોળ મોટી હોય છે, બાળકો પણ હોય છે ને કોઇક-કોઇક જુવાનિયાઓ પણ... જેમને સાચૂકલી હૂંફ પ્રાપ્ત થવાનો અવકાશ નથી તેઓ આવી આભાસી હૂંફે જનમારો કાઢી નાખે તો ખોટું પણ છે શું ?ડિસેમ્બરની દાઢ કળે છે, જાન્યુઆરીનું જમણું અંગ થથરે છે - દિવસોની સિકલ પલટાઈ છે. સૂર્યોદય પછી પરોઢ થાય છે અને સૂર્યાસ્ત પહેલાં રાત પડી જાય છે.
જબરો વ્યત્યય રચાય છે આ દિવસોમાં ! ફૂલો ઝાકળની પાલખીમાં બેસીને થરથર કરતાં નીકળી પડે છે. તૃણના મુકામ સુધી ઝાકળનાં પૂર પહોંચે છે. તૃણની વ્યથા ઉપર પવનની ઝડીઓ વરસે છે અને બૌદ્ધિકતાની આસપાસ અકર્મણ્યતાની રજાઇ વીંટળાઇ છે.ગામડામાં ઠંડી ગુણિયલ નવવધૂની જેમ પ્રવેશે છે. શહેરમાં પ્રવેશેલી અભિસારિકાને જોવા અમુક વર્ગ પડાપડી કરે એમ શહેરમાં અમુક માણસોને ઠંડી સ્પર્શે છે, જ્યારે ગામડામાં તો ગુણિયલ નવવધૂની સુવાસ ઘરેઘરે પ્રસરી જતી હોય છે... શરમના સેરડા જેવી ઠંડી ગામડાની પ્રત્યેક ગલીઓમાં તમને દેખાય, જ્યારે શહેરના સરિયામ માર્ગ ઉપર એ નિર્લજ્જ થઇને હડિયો કાઢે છે... ધાબળા અને સ્વેટરોથી શહેરીજનો એમની નિર્લજ્જતાને ઢાંકે છે અને યાંત્રિકતાથી અભિસારિકાને માણે છે - ચાખે છે - અભડાવે છે.
ગામડામાં તો સ્વેટરો શું કરવા પ્રવેશે ? ગ્રામજનો તો સહિયરની જેમ, ભેરુની જેમ ઠંડી સાથે ભળી જાય છે - એને માણે છે - મજા કરે છે.તીવ્ર ઠંડીની છાપ ઊભી થઈ છે વાતાવરણમાં... ભયાનક ત્રાસદાયક વાઘ-સિંહની જેમ સૌ એનાથી ડરે છે. તાપણાંને સહારે પેલો ડર ભૂલવાનો પ્રપંચ રચાય છે. તાપણાંમાં રચાયેલી ઝાળ મન પર બિહામણાં દ્રશ્યો રચી ટાઢને તો ઉડાડે છે. સૂરજને માટે પૃથ્વી- પ્રવેશનો સમય ઘટાડી દેવામાં આવ્યો છે.
સોડમાં સંતાઇ જવાનું અને નસકોરાંના સામ્રાજ્ય નીચે આવી જવાનું સૌ જનોને ગમે એવા આ દિવસો છે. મોડી રાતે ચંદ્રકિરણની ઓકળીઓ આપણા મનને લીંપી નાખે છે, પણ ઠંડીને કારણે આપણે રજાઈ છોડીને ક્યાંય જતા નથી.ક્યાંય જવા ન દેવાની લાલચ આપતી ઠંડી પોતે આવે છે ક્યાંથી, આવે છે કઇ રીતે ? એ પ્રવાહી હશે કે વાયુરૂપે ? એ ઢળતી હશે કે વહેતી ? એનાં પગલાં કોઇએ જોયાં છે ? એ દેખાતી ભલે ન હોય, આવે છે જરૂર... ઘઉં ફૂટી રહ્યા છે ધરતીની કૂખમાં... ધરતીમા વધામણાં કરે છે... જ્વારા દ્વારા થઇ રહ્યાં છે ઓવારણાં એ શીતળ માનાં !!!


