સાત પેઢી અગાઉ પોતાના ઘોડા સાથે ઈરાનથી આવેલા વેપારીઓના વંશજ એવા ફવાદ મિર્ઝાના પરિવારે પરંપરાગત દોસ્તીને જાળવી રાખી છે
માનવ સભ્યતાના ઈતિહાસમાં માત્ર માનવ માત્રનું જ પ્રદાન નથી. કુદરતના કેટલાક સર્જનો મનુષ્ય જીવનમાં એવા તો વણાંઈ ગયા છે કે, જેના વિના માનવ સભ્યતાના ઈતિહાસ, વર્તમાન અને ભવિષ્યની કલ્પના કરવી પણ શક્ય નથી. વફાદારી શબ્દનો ઉચ્ચાર થાય તેની સાથે મનપટલ પર કોઈ મનુષ્યના બદલે શ્વાનની આકૃતિ સહસા ઉપજી આવે છે, મહાકાય શબ્દનો ચિત્રિત અર્થ હસ્તિ છે તો સ્વાસ્થ્યનો ઉલ્લેખ થાય, ત્યારે કુદરતી રીતે જ અશ્વનો પર્યાય હજુ આપણને મળી શક્યો નથી.
નજરને ક્ષિતિજનો સ્પર્શ કરતાં પળવારનો સમય લાગે છે, પણ ત્યાં સુધી હકીકતમાં પહોંચવું હોય તો અશ્વથી સારો સાથી બીજો કોઈ નથી. માનવીય વિચરણની મર્યાદાને ભૂંસી નાંખતા અશ્વને હંકારવાથી માંડીને તેને સંબંધિત તમામ કુશળતાઓને અશ્વવિદ્યા તરીકેની એક વિદ્યાશાખાનું ગૌરવ આપવામાં આવ્યું છે. આધુનિક સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અશ્વની જ નહી પણ અસવારની કસોટીની વિવિધ સ્પર્ધાઓનું આયોજન થતું રહે છે.
એક્વેસ્ટ્રિયન એટલે કે અશ્વારોહણની સ્પર્ધા છેક ઓલિમ્પિકના સ્તર સુધી વિસ્તાર પામેલી છે. બહુરત્ના વસુંધરા જેવી ભારતભૂમિમાં અશ્વ અને અસવારના અનેકાનેક ગૌરવપ્રદ કિસ્સા-ઘટના પ્રાચીનથી લઈને અર્વાચિન ઈતિહાસમાં વેરાયેલા પડેલા છે, જે ભાગ્યે જ દુનિયામાં અન્યત્ર ક્યાંય હશે, છતાં આજે યોજાતી આધુનિક અશ્વારોહણ સ્પર્ધામાં ભારતના જૂજ અશ્વરોહકો પોતાની શ્રેષ્ઠતાનું પ્રમાણ આપી શક્યા છે અને તેમાં બેંગ્લોરના ફવાદ મિર્ઝાનું નામ હાલ ટોચ પર છે.
સમૃદ્ધ ઈતિહાસની ભવ્યતાને સાચવી રહેલા ખંડેરો જેવી હાલત ભારતીય હોકીની જ નહી પણ અશ્વવિદ્યાની પણ છે. આમ છતાં સમયાંતરે ચમકી જતા વિરલાઓમાં ફવાદ મિર્ઝાનું નામ અગ્રગણ્ય છે. એશિયન ગેમ્સમાં ભારત તરફથી ફવાદ મિર્ઝાએ બેવડી રજત સિદ્ધિ હાંસલ કરી હતી.
તેણે વ્યક્તિગત સ્પર્ધામાં જીતેલો રજત ભારતને એશિયન ગેમ્સની અશ્વારોહણ સ્પર્ધામાં ૩૬ વર્ષ બાદ મળેલો ચંદ્રક હતો. ફવાદ એ ભારતનો એવો પહેલો બિન-લશ્કરી અશ્વારોહક છે કે, જેણે વૈશ્વિક સ્તરે સફળતાં મેળવવાની સાથે સાથે આ રમતમાં અર્જુન એવોર્ડ હાંસલ કર્યો છે. પોલેન્ડમાં યોજાયેલી ઓલિમ્પિક તૈયારીની પરિક્ષણ સ્પર્ધામાં ફવાદે તેની અશ્વવિદ્યાનો ચમકારો દેખાડતાં સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી લીધી છે. હવે તે ટોકિયો ઓલિમ્પિકમાં પોતાની અશ્વવિદ્યાનો ચમકારો દેખાડવા માટે તૈયારી કરી રહ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં અશ્વારોહણની રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું નામ ગૂંજતુ કરનારા ફવાદ મિર્ઝાને અશ્વવિદ્યા વારસામાં મળી છે. ફવાદના પરદાદાના પણ પરદારા અગા અસ્કેર ઈ.સ. ૧૯૨૪માં ૨૦૦થી વધુ અરબી ઘોડા લઈને ઈરાનથી વેપાર કરવા માટે ભારત આવેલા અને પછી અહી જ સ્થાયી થયા હતા.
તેમણે અહીં વેપારની સાથે સાથે બાંધકામમાં પણ હાથ અજમાવ્યો, પણ ઘોડા સાથેની તેમની દોસ્તી તો વર્ષો વર્ષ ચાલતી જ રહી. અગા અસ્કેરની સાતમી પેઢી એટલે ફવાદ મિર્ઝા. ફવાદના પિતા ર્ડો. હસ્નૈન મિર્ઝા એક પશુચિકિત્સક છે અને સ્વાભાવિક રીતે જ તેઓ અશ્વચિકિત્સામાં નિષ્ણાત છે. અશ્વો સાથેની પારિવારિક ગૌરવગાથાને અહોભાવથી વર્ણવતા ર્ડો. હસ્નૈન કહે છે કે, રાષ્ટ્રપતિની અંગરક્ષક તરીકેની જવાબદારી સંભાળતી અશ્વરોહકોની ટુકડી છે, તેમાં મારા પિતા એટલે ફવાદના દાદા કમાન્ડન્ટ હતા.
અશ્વપ્રેમી પરીવારમાં જન્મેલા એલી અને ફવાદ તેના પિતા હસ્નૈન અને માતા ઈન્દિરા બાપાસાની સાથે ફાર્મ હાઉસ પર જતાં. એલી અને ફવાદે બાળપણમાં જેટલો સમય રમકડાં રમવામાં નથી ગાળ્યો, તેટલો સમય તેમણે અશ્વો સાથે ગાળ્યો છે. તેઓ સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેતા આ કારણે તેમનો અશ્વોની સાથે ખાસ પ્રકારનો લગાવ છે. ભૂતકાળના સંભારણા વાગોળતાં ફવાદ કહે છે કે, મેં પાંચેક વર્ષની ઉંમરે અશ્વારોહણ શરુ કર્યું હતુ. શરુઆતનો અનુભવ ભારે રોમાંચક હતો. મેં મારા પિતાને અશ્વારોહણ કરતાં જોયા હતા અને હું પણ તેમના પગલે આગળ વધવા માંગતો હતો.
જોકે અશ્વારોહણને હળવાશથી લેવાની ભૂલ ન કરવાનો સૌથી પહેલો પાઠ હસ્નૈને તેમના બંને બાળકોને શીખવ્યો. તેમણે કહ્યું કે, જ્યારે તમે ૧૦૦ વખત પડશો, ત્યારે કંઈક શીખી શકશો. પિતાના આકરા પણ સત્યથી ભરેલા શબ્દો બાળકોને ડરાવવા માટે નહતા, પણ તેમને વાસ્તવિકતાથી પરિચિત કરાવવા માટેના હતા.
બેંગ્લોરની એમ્બસી ઈન્ટરનેશનલ રાઈડિંગ સ્કૂલમાં તેમની ટ્રેનિંગ શરુ થઈ. અશ્વારોહણમાં ધરાશયી થવું એ, તમે શીખી રહ્યા હોવાનું પ્રમાણપત્ર છે. ફવાદ માત્ર સાતેક વર્ષનો હતો, ત્યારે અચાનક તેણે સંતુલન ગૂમાવ્યું અને નીચે પટકાયો. આ દરમિયાન અશ્વનો પગ તેના ચહેરા પર પડી ગયો. ફવાદના ચહેરા પર ઉંડા ઘા પડયા અને તેના ચહેરા પર ૧૬ ટાંકા લેવા પડયા. જોકે આ સમયે ફવાદ મક્કમ રહ્યો. તેણે પિતાને કહ્યું કે, આ હું ૯૮મી વાર પડયો છું, હવે તો મને જલ્દી અશ્વારોહણ આવડી જશે.
ફવાદને નાની ઉંમરમાં જ અશ્વારોહણના આકરા પાઠ શીખવા મળ્યા. જેનો ફાયદો તેને મળવા માંડયો. સ્થાનિક અશ્વારોહણ કાર્યક્રમમાં પહેલી વખત ભાગ લીધો ત્યારે ફવાદની ઉંમર માત્ર ૮ વર્ષની હતી. સ્થાનિક સ્પર્ધામાં નોઁધપાત્ર દેખાવ કરનારા ફવાદે ૧૧ વર્ષની ઉંમરે પહેલી વખત રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લઈને પોતાના કૌવતથી બધાને દંગ કરી દીધા હતા.
આ પછી તો રાષ્ટ્રીય અશ્વારોહણ સ્પર્ધામાં ફવાદ છવાઈ ગયો અને તેણે અત્યાર સુધી નેશનલ ચેમ્પિયનશિપમાં ૩૧ સુવર્ણ ચંદ્રક જીતી ચૂક્યો છે. ભારતમાં અશ્વારોહણની મર્યાદિત તકો અને ટાંચા સાધનોની વચ્ચે આગળ વધવું અત્યંત દૂષ્કર હતું, તેમાં ય આ રમતનો જંગી ખર્ચ પણ વિઘ્નરુપ હતો. આમ છતાં ફવાદ સ્પર્ધામાં ટકી રહ્યો.
બાળપણથી અશ્વોની સાથે રહીને ઉછરેલા ફવાદમાં પરિસ્થિતિ પારખવાની ગજબનાક કુશળતા છે. તે ખુબ જ સહજતાથી અશ્વનો વિશ્વાસ જીતી લે છે અને આ બાબત અશ્વવિદ્યામાં ઘણી પાયારુપ મનાય છે. ભારતના ઘરઆંગણાના અશ્વારોહણની રાષ્ટ્રીય સ્પર્ધામાં પોતાનો સિક્કો જમાવી ચૂકેલા ફવાદે વર્ષ ૨૦૧૩માં જર્મનીની રાહ પકડી. વૈશ્વિક અશ્વારોહણમાં જર્મનીનું સ્થાન વિશિષ્ટ છે.
ફવાદની વિરાટ પ્રતિભાને નાણાંકીય મદદ પણ મળવા માંડી અને તેણે જર્મનીમાં ઓલિમ્પિયન અશ્વારોહક બેટ્ટિના હોયની પાસે તાલીમ લેવાની શરુઆત કરી. અહીં તેને સ્પર્ધા માટે વિશિષ્ટ પ્રકારે તૈયાર થયેલા અશ્વોની સવારી કરવાની તક મળી, તેની સાથે સાથે ઉચ્ચ સ્તરની હરિફાઈનો પણ અનુભવ મળ્યો. બેટ્ટિના હોય ના માર્ગદર્શનમાં તૈયાર થયેલા ફવાદને સિગ્નોર મેડિકોટ્ટ નામનો અશ્વ ખુદ બેટ્ટિનાએ આપ્યો અને તેના સહારે ફવાદે એશિયન ગેમ્સમાં ભારતને ટીમ ઈવેન્ટમાં રજત અપાવ્યો અને વ્યક્તિગત ઈવેન્ટમાં પણ રજત સફળતા હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો હતો.
મેડ્ડિકોટ્ટ ઈજાગ્રસ્ત બનતાં ફવાદને પોલેન્ડમાં યોજાયેલી ઓલિમ્પિક પરિક્ષણ સ્પર્ધામાં દજારા નામના અશ્વની સાથે સ્પર્ધામાં ઉતરવું પડયું, પણ તેણે તેના પર પોતાની કુશળતા સાબિત કરતાં સુવર્ણ સિદ્ધિ મેળવી બતાવી. ઓલિમ્પિકની અશ્વારોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે વૈશ્વિક ક્રમાંક મહત્વના છે, જેમાં અશ્વ અને અશ્વારોહક બંનેને પોઈન્ટ્સ આપવામાં આવે છે અને તે પોઈન્ટ્સ અનુસાર રેન્કિંગ જાહેર થાય છે.
હાયર રેન્ક ધરાવતા અશ્વરોહકોને જ ઓલિમ્પિકમાં પ્રવેશ મળે છે. ભારત તરફથી અત્યાર સુધી માત્ર બે જ અશ્વરોહકો ઓલિમ્પિકમાં ભાગ લઈ ચૂક્યા છે, જેમાં છેલ્લે ૨૦૦૦ના સિડની ઓલિમ્પિકમાં ઈમ્તિયાઝ અનીસે આ રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. જર્મનીને બેઝ બનાવીને તાલીમ મેળવી રહેલો ફવાદ ટોકિયો ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ થઈને ઈતિહાસ રચવાના આરે પહોંચી ગયો છે.
આજે જ્યારે બંદૂકમાંથી નીકળેલી ગોળી કરતાં વધુ ઝડપથી ગતિ કરતી ટ્રેનો કે અવાજ કરતાં વધુ ઝડપી પ્રવાસ ખેડતા વિમાનો આપણી પાસે છે, ત્યારે પણ પાયાના પથ્થર જેવા અશ્વની મહત્તામાં જરાય ઘડાટો થયો નથી. સોનું ચલણમાં હોય કે ન હોય, પણ તે વર્ષો વર્ષ સોનું જ રહે છે, તેવી જ રીતે આજની દુનિયામાં પણ અશ્વનું સ્થાન અમીટ છે.


